વલસાડ જિલ્લા પોલીસે દારૂની મહેફિલ માણીને આવતાં 916 લોકોને ઝડપ્યા, તમામને કાયદાના પાઠ ભણાવ્યાં | Valsad District Police nabs 916 people for enjoying liquor, teaches them all legal lessons

વલસાડ18 મિનિટ પહેલા

વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ જિલ્લાની આંતર રાજ્ય 32 અને જિલ્લાની 39 ચેકપોસ્ટ ઉપર કડકાઇથી વાહન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે દારૂની મહેફિલ માણીને વલસાડ જિલ્લાની ચેકપોસ્ટ ક્રોસ કરવા જતાં લોકોને પોલીસે બ્રેથ એનલાઈઝર મશીન વડે ચેક કર્યા હતા. જેમાં પોલીસે કુલ 916 લોકોને દારૂની મહેફિલ માણીને વલસાડ જિલ્લાની બોર્ડર ઉપર આવતાં ઝડપી પાડ્યા હતા.

પોલીસે કડકાઈથી ચેકિંગ હાથ ધર્યું છે
દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા લોકોને અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 32 આંતર રાજ્ય ચેકપોસ્ટ અને 39 અન્ય ચેકપોસ્ટ બનાવી કડકાઇથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 30 ડિસેમ્બરે સાંજે વલસાડ જિલ્લા પોલીસે અલગ-અલગ ચેકપોસ્ટ ઉપર કડકાઈથી વાહન ચેકિંગ અને બ્રેથ એનલાઈઝર મશીન વડે પીધેલા લોકોનો ટેસ્ટ કરતાં દારૂના નશામાં મળી આવેલા 916 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરીને તમામને ગુજરાતમાં દારૂ બંધીના કાયદાના પાઠ ભણાવ્યાં હતાં.

બાતમીદારો અને સોશિયલ મીડિયાની ટીમ એક્ટિવ
દારૂના નશામાં આવેલા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મથક નજીકના વિસ્તારોમાં મેરેજ હોલ અને વાડી વલસાડ જિલ્લા પોલીસે ભાડે રાખી છે. ચેકપોસ્ટ ઉપરથી વાડી ઉપર લાવવા માટે ખાનગી લક્ઝરી બસો તેમજ સરકારી વાહનોની મદદ લેવામાં આવી હતી. જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ અને પાર્ટી થઈ શકે તેવા તમામ સ્થળો ઉપર વલસાડ LCB અને SOGની ટીમ તેમજ જિલ્લા પોલીસના જવાનો બાજનજર રાખી બેઠા છે. પાર્ટીમાં દારૂનો જથ્થો કે નશીલા પદાર્થની મહેફિલ માણતા લોકોને અટકાવવા પોલીસે બતમીદારો અને સોશિયલ મીડિયાની ટીમને એક્ટિવ કરી દીધી છે.

કોવિડ ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરાઈ રહ્યું છે
જિલ્લાના તમામ ચેકસ્પોટ ઉપર દારૂના નશામાં ઝડપાયેલા લોકોને કોવિડ ગાઈડલાઈન સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ મથક નજીક હોલ કે વાડી ભાડે રાખવામાં આવી છે. જેમાં પોલીસ જવાનો અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ અને કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોવિડ ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.
ગત રાત્રિએ જિલ્લા પોલીસે કરેલી કામગીરી પોલીસ મથક મુજબ
વલસાડ રૂરલ:- 50
વલસાડ સિટી:- 60
વલસાડ ડુંગરી:- 90
પારડી:- 167
ભિલાડ:- 80
ઉમરગામ:- 46
ઉમરગામ મરીન:- 15
ધરમપુર:- 28
કપરાડા:- 09
નનાપોઢા:- 50
વાપી ટાઉન:- 180
વાપી GIDC:- 91
વાપી ડુંગરા:- 50

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દમણ અને દાદરા નગર હવેલી ખાતે દારૂની મહેફિલ માણીને ઘરે પરત આવતાં પોલીસ ચેકિંગમાં પકડાઈ ગયેલા લોકોને છોડાવવા માટે પરિવારના સભ્યોની દોડધામ વધી ગઈ હતી. વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકો બહાર પરિવારના સભ્યોને છોડાવવા આખીરાત આંટાફેરા મારતા રહ્યા હતા. પોલીસે તમામ નશાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post