રાજકોટએક કલાક પહેલા
કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન MLA લલિત વસોયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીના પ્રારંભથી ભાજપના ઉમેદવારો જંગી લડીથી આગળ વધી રહ્યા છે.બીજી તરફ AAPના ઉમેદવારો કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે ધોરાજી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન MLA લલિત વસોયાએ પરિણામ પહેલા જ હાર સ્વીકારી લીધી છે. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, AAP ભાજપની બી ટીમ છે અને તેના ઉમેદવારના મત કોંગ્રેસ માટે નુકસાનકારક છે. હું મારી હાર સ્વીકારું છું’
કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી બેઠક પર આમ આદમી પાર્ટીકોંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે.

ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર વિપુલ સખિયા.
હું જ આગળ રહીશ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,AAPના ઉમેદવારે ભાજપના પૈસે પ્રચાર કર્યો છે. અને તેના ખોટા વચનોથી લલચાઇ પ્રજાએ તેને મત આપ્યા છે. હાલના પરિણામ મુજબ, આમ આદમી પાર્ટીને કારણે હુ ધોરાજી બેઠક પરથી હારી રહ્યો છું. બધી જગ્યાએ આપ બીજા નંબરે નથી. મારા મત વિસ્તારમાં પાંચ રાઉન્ડમાં હુ આગળ ચાલી રહ્યો છું, અને હજી પણ હું જ આગળ રહીશ એ દાવા સાથે કહુ છું. પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે, તેને કારણે કોંગ્રેસને માત્ર ધોરાજી અને ઉપલેટા જ નહિ, પરંતું આખા સૌરાષ્ટ્રમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે.
કોણ છે લલિત વસોયા?
કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તે પોતે એક ખેડૂત પણ છે. જણાવી દઈએ કે તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ વાય બી.કોમનો અભ્યાસ કરેલ છે. આ સાથે જ તેમની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી રહી છે.

ધોરાજી બેઠક પર લેઉવા-કડવાનો જંગ
ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર 2017માં ભાજપ હારી જતા આ વખતે કડવા પટેલના શિક્ષિત ઉમેદવાર ડો. મહેન્દ્ર પાડલીયા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે લેઉવા પટેલ લલિત વસોયાને કર્યા રિપીટ કર્યા છે તો ભાજપે કડવા પટેલની આ જૂની સીટ કબ્જે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ધોરાજી બેઠક પર લેઉવા-કડવા પાટીદાર વચ્ચે જંગ જામશે. અને AAP દ્વારા લેઉઆ પટેલ વિપુલ સખીયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ત્યારે ધોરાજીની બેઠક પર લેઉવા-કડવા પટેલ વચ્ચે રસાકસીનો જંગ યોજાયો છે.
ગત ચૂંટણીમાં લલિત વસોયાની જંગી બહુમતીથી જીત
વર્ષ 2017માં કોંગ્રેસના લલિત વસોયા ખુબ મોટા અંતરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને ચૂંટણી હરાવવામાં સફળ રહ્યા હતા. લલિત વસોયા ધારાસભ્ય બન્યા બાદ તેઓ પક્ષપલટો કરશે તેવા અહેવાલોને લઈને પાછલા પાંચ વર્ષ દરમિયાન સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. લલિત વસોયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓની વચ્ચે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં મહેન્દ્ર પાડલીયાનું નામ ધોરાજી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરતા તમામ શક્યતાઓનો અંત આવ્યો છે. લલિત વસોયા આગામી 14 તારીખે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન રજૂ કરશે તેવું તેમણે મીડિયાને જણાવ્યું હતું.

ભાજપમા આ વખતે શિક્ષિત ઉમેદવાર ડો. મહેન્દ્ર પાડલીયા ચૂંટણી લડી રહ્યા છે
ધોરાજીના ઉમેદવારનું ભાવી 2.68 લાખ મતદારના હાથમાં
ધોરાજી બેઠક પર જો જાતિવાદી સમીકરણની વાત કરીએ તો અહીં લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં લેઉવા પટેલ 25%, દલિત 5%, લધુમતી 18%, કડવા પટેલ 23%, આહીર 8%, ક્ષત્રીય 5% અને અન્ય 16% મતદારો છે. એટલે કે આ બેઠક પર પાટીદારોનો મુખ્ય પ્રભાવ છે તેમ કહી શકાય છે.ધોરાજી વિધાનસભા બેઠકના ઉમેદવારનું કૂલ 2,68,676 મતદારો ભાવિ નક્કી કરશે. ભાજપ, કોંગેસ, આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામનાર છે.
અત્યારસુધીની વિધાનસભા ચૂંટણીના પરિણામો
ધોરાજી વિધાનસભા બેઠક પર સૌ પ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 1961થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ત્યાર બાદ વર્ષ 1990થી 2009 સુધી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. ત્યારબાદ ભાજપના ઉમેદવાર દ્વારા પક્ષ પલટો કરતા વર્ષ 2009માં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી. વર્ષ 2013ની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી પ્રવિણ માકડિયા અને કોંગ્રેસે હરિભાઈ પટેલને મેદાને ઉતાર્યા હતા.જેમાં ભાજપના ઉમેદવારે 11,497 મતોની લીડથી વિજય મેળવ્યો હતો. જોકે પાટીદાર આંદોલનને પગલે ભાજપની 2017 વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી. ગત ચૂંટણીમાં ભાજપના હરિભાઈ પટેલ અને કોંગ્રેસના લલિત વસોયા મેદાનમાં હતા. જેમાં લલિત વસોયાને 25000 થી વધુ મતની સરસાઈ મળી હતી.