અમદાવાદ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી…
ઇસુદાને ટ્વીટ કર્યું ને ફિયાસ્કો થઈ ગયો
આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી એકાએક ગાંધીનગર ખાતે પ્રગટ થયા. વાત એવી જાણવા મળી કે તેઓ ભાજપમાં જોડાવા માટે ગાંધીનગર ખાતે આવ્યા છે અને બપોરે 2 વાગ્યે સત્તાવાર રીતે ખેસ ધારણ પણ કરી લેશે. આ અહેવાલને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ દોડતા થઈ ગયા હતા. વાત એવી પણ મળી કે, માત્ર ભૂપત ભાયાણી જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના અન્ય બે સભ્યો પણ ભાજપમાં જોડાય છે. આ સંભાવનાઓને પગલે આમ આદમી પાર્ટીના ગુજરાતના વડાઓ તો ચિંતામાં એ હદે સરી પડ્યા કે આખરે તૂટતી પાર્ટીને કેવી રીતે બચાવવી તેના નુસખા શોધવા લાગ્યા. ઈસુદાન ગઢવીએ તો પાર્ટીના કાર્યકરોને પ્રેરણા આપતું ટ્વીટ પણ કરી લીધું. અંતે આખીયે વાત પર ફિયાસ્કો થયો અને ભાયાણીએ ભાજપમાં નહીં જોડાય તેમ કહેતાં નેતાઓને અંતે હાશકારો થયો.
નવી સરકારની તૈયારીઓ વચ્ચે સાફ સફાઈ થઈ ગઈ
ગુજરાતમાં ભાજપની નવી સરકાર શપથ ગ્રહણ કરશે ત્યારે મંત્રી મંડળની પણ શપથ વિધિ સાથે સાથે જ યોજાશે. આ મંત્રીઓને બાદમાં ખાતા પણ ફાળવાશે જેથી સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં સાફ સફાઈની શરૂઆત થવા લાગી છે. છેલ્લાં બે મહિનાથી આમ તો મંત્રીઓ ન આવતા હોવાને કારણે ઓફિસ બંધ હાલતમાં રહી હતી. અંતે હવે નવી સરકારમાં આવનારા મંત્રીઓ માટે ઓફિસમાં સાફ સફાઈની શરૂઆત થઈ છે.

પહેલા કાગડા ઉડતા હવે ફરી ધમધમાટ
ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા લાગી ત્યારથી સચિવાલયમાં કાગડા ઊડતા હતા. એક પણ વ્યક્તિની પરાણે જ્યાં અવરજવર થતી હતી ત્યારે ચૂંટણી પરિણામો આવ્યા બાદ નવી સરકારની શપથ વિધિ સમારોહ યોજાયા બાદ સચિવાલય ફરીથી એક વખત ધમધમતું થશે અને લોકોની અવરજવર પણ વધશે.
એક ઈશારાથી ‘ભારત માતા કી જય ના નારા લાગ્યા’
કમલમ ખાતે શનિવારે વિજેતા ધારાસભ્યોની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં આવતાં તમામ વિજેતા ધારાસભ્યોનું ઢોલ નગારા વગાડીને સ્વાગત કરવામાં આવતું હતું અને ગળ્યું મોં કરાવી કમલમમાં પ્રવેશ કરાવતા હતા. દરમિયાન માહોલ શાંત થયો એ સમયે સૌરાષ્ટ્રની અનામત સીટ પરથી વિજેતા બનેલા ભાજપના એક ધારાસભ્ય આવ્યા. તેમના આવવા છતાં માહોલ શાંત હતો ત્યારે એકાએક કમલમની સીડી પર ઊભેલા તેમના સમર્થકોને ઈશારો કર્યો હતો. જેવો ઈશારો કર્યો કે તરત જ સમર્થકો સમજી ગયા અને ભારત માતા કી જયના નારા લગાવવા લાગ્યા. આમ, શાંત માહોલ ફરી એક વખત ઉત્સાહભર્યો ભાસવા લાગ્યો.

નિષ્ક્રિય રહ્યા બાદ હવે જીતનો જશ લેવા દોડ્યાં…
રાજકોટમાં ચૂંટણી સમયે ટિકિટ જાહેર થતાં આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. જેની અસર મતદાનના દિવસે પણ પડી હતી અને કાર્યકરો અને સિનિયર નેતાઓ જેને ટિકિટ ન મળી તે નિષ્ક્રિય રહ્યા હતા. ખુદ ઉમેદવારોએ પણ પાર્ટી લેવલે ફરિયાદ કરી હતી. પરંતુ પરિણામ આવતા જ આવા લોકોએ પલટી મારી અને વિજય ઉત્સવમાં ખુલ્લી જીપમાં અને ઉમેદવારો સાથે ફોટા પડાવવા દોડી આવ્યા હતા અને બોલવા લાગ્યા હતા લોકો ગમે એવું કહે ને લખે પરંતુ અંદરખાને અમે મહેનત ખૂબ જ કરી હતી અને ઉમેદવારોને જીતાડ્યા હતા.
ખુદ ભાજપના અમુક લોકો પણ હસતા મોઢે બોલ્યા કે ધાર્યા બહાર આવ્યું હો…
ચૂંટણીના પરિણામ આવતા જ શાંતિથી ચૂંટણી જ નહીં શાંતિથી કોંગ્રેસ પણ પતી ગઈ. તેવા દૃશ્યો સૌ કોઈએ નિહાળ્યા, પરંતુ ભાજપના અનેક સિનિયર જુનિયર નેતાઓ પણ હસતા મોઢે બોલી ઉઠ્યા કે આટલું બધું નહોતું ધાર્યું. ઓછા મતદાને એટલી લીડ અને આટલી સીટ આવે તેવું અનુમાન ભાજપના નેતાઓ પણ નહોતા કરી શક્યા. પરંતુ પરિણામ આવતા જ ખુદ ભાજપના નેતાઓ પણ અવાચક બની ગયા અને પોતે જશ લેવા લાગ્યા હતા. અત્યાર સુધી ચૂંટણી પ્રચાર પ્રસાર કે કોઈ દિગ્ગજની સભા હોય તો સંખ્યા પણ નહોતી દેખાતી અને આંતરિક ગણગળાટ હતો કે નીરસ ચૂંટણી છે. પરંતુ પરિણામ આવતા જ માઇક્રો પ્લાનિંગ બુથ લેવલના પ્લાનિંગ અને વર્ષોની મહેનત અને સંગઠનની વાહ વાહ થવા લાગી હતી. પરંતુ અંદરખાને આટલી સીટ આવશે તેવું માનવા અનેક નેતા તૈયાર ન હતા.

એક જ ચર્ચા છે કે કેટલા મંત્રી મળશે?
સુરત કમલમમાં ચર્ચા થઈ રહી છે કે ફરીથી સુરતને કેટલા મંત્રી મળશે…. હર્ષ સંઘવી સિવાય બીજા કોઈને મંત્રી પદ મળે તેવી શક્યતા ઓછી છે. માત્ર ખૂબ જ રસાકસીવાળી એવી વરાછા બેઠક જીત્યા બાદ ફરી એક વખત પાટીદારોએ પક્ષ તરફ મજબૂત રીતે રહ્યા છે ત્યારે ઇનામ સ્વરૂપે કયા પાટીદારને મંત્રી પદ મળે છે. તેને લઈને શહેરમાં ચર્ચા થઈ રહી છે. તેના માટેનો લોબિંગ નેતાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. દાવેદાર તરીકે કુમાર કાનાણી અને પ્રફુલ પાનસેરિયાને માનવામાં આવી રહ્યા છે. વિનુ મોરડીયા અને મુકેશ પટેલને જો કાપવામાં આવે તો નવા ચહેરાને તક મળી શકે છે. ભાજપ કાર્યાલયમાં સ્પષ્ટ વાત થઈ કે પાટીલ સાહેબનો હાથ રહેશે તો મંત્રી પદની લહાણી થશે, નહીં તો હર્ષ સંઘવી સિવાય કોઈને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.