Thursday, December 1, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Ahmedabad: વિદ્યાર્થીઓ દ્વારા સવારે 5 વાગ્યાથી મતદાન જાગૃતિ અભિયાન, મતદાર જાગૃતિ માટે યુવાનો દ્વારા પ્રભાત ફેરીનો અનોખો પ્રયોગ
ડિસે 01, 2022 | 3:39 PM
દિવ્યાંગ ભાવસાર | સંપાદિત: કુંજન શુકલ
ડિસે 01, 2022 | 3:39 PM
આજે રાજ્યમાં 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન 5 ડિસેમ્બરે યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
ત્યારે ‘અવસર લોકશાહીનો’ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન સંદર્ભે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલના માર્ગદર્શનમાં સ્વીપ હેઠળ અમદાવાદ શહેરના પોળ વિસ્તારમાં અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર સહિતના કુલ 11 સ્થળો પર મતદાન જાગૃતિના પ્રભાતિયા થકી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા સવારે 5 વાગ્યાથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ ‘વોટ આપવાનું ભૂલતા નહીં’, ‘રગરગમાં લોકશાહી રગરગમાં જવાબદારી’, ‘અમે યુવાનો બની સજાગ દરેક ચૂંટણીમાં લઈશું ભાગ’ના બેનરો સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા.
આ સાથે નાગરિકોને અમદાવાદ જિલ્લા ચૂંટણી દ્વારા મતદાનની વિવિધ સુવિધાઓ સહિતની મતદાન સંબંધિત વિવિધ માહિતી દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. ધવલ પટેલે આ નવતર પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે અચૂક નૈતિક મતદાન કરવા અને અન્યોને નૈતિક રીતે અચૂક મતદાન કરવા પ્રેરિત કરવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુથ નોડલ ઓફિસર ડો. યોગેશ પારેખ દ્વારા પ્રભાત ફેરીનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.