ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની નિષ્ફળતાને લઈ આકરા પાણીએ જોવા મળ્યુ છે. આ માટે પહેલા તો ટીમ પસંદગી સમિતિને જ બદલી દેવાનો નિર્ણય જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા.

BCCI એ સલાહકાર સમિતિની રચના કરી
ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવાનો નિર્ણય હવે કોના હાથમાં હશે એ હવે થોડા જ દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. આ દિશામાં હવે ભારતીય ક્રિકેટ બોર્ડ ઝડપી ગતિએ એક બાદ એક પગલા ઉઠાવી રહ્યુ છે. એટલે હવે ભારતીય ટીમની પસંદગી સમિતિ ઝડપથી જાહેર થઈ શકે છે. બીસીસીઆઈએ નવા પસંદગીકારો માટેની અરજીઓ મંગાવી હતી અને જેના બાદ હવે આ માટેના ઈન્ટરવ્યૂનુ આયોજન થઈ રહ્યુ છે. એટલે કે હવે અરજીકર્તાઓ પસંદગી સમિતિમાં સ્થાન પામવા માટેની પ્રક્રિયાના હિસ્સામાંથી પસાર થશે. જોકે આ 5 નામ પસંદ કરવા માટે બોર્ડ દ્વારા એવા બે નામ પસંદ કરવામાં આવ્યા છે કે જે ભૂતપૂર્વ પસંદગીકારો છે.
બોર્ડ દ્વારા 1 ડિસેમ્બરે ક્રિકેટ સલાહકાર સમિતિની રચના કરી છે. જેમાં આ બંને પૂર્વ પસંદગીકારોનો પણ સમાવેશ બીસીસીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. આ સમિતિમાં અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેનો સમાવેશ થાય છે.