Tuesday, December 13, 2022

રાજકોટમાં અકસ્માતની બે ઘટના, એક વ્યક્તિનું મોત, મોરબી રોડ પર અકસ્માત બાદ યુવકે વાહનોમાં કરી તોડફોડ

રાજકોટમાં અકસ્માતની આજે બે ઘટનાઓ સામે આવી. જેમા નાનામૌવા રોડ પર સ્કૂલ બસ અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનુ મોત નિપજ્યુ હતુ. તો બીજી તરફ મોરબી રોડ પર બેડી માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માત બાદ યુવકે વાહનોમાં તોડફોડ કરી હતી.

રાજકોટમાં અકસ્માતની બે ઘટના, એક વ્યક્તિનું મોત, મોરબી રોડ પર અકસ્માત બાદ યુવકે વાહનોમાં કરી તોડફોડ

અકસ્માતમાં યુવકનું મોત

રાજકોટ શહેરમાં આજે  13 ડિસેમ્બરના રોજ અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં એક અકસ્માત નાનામૌવા રોડ પર સ્કૂલ બસ અને એક્ટિવા વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અકસ્માતની બીજી ઘટનામાં શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી નજીક બની હતી.  મારવાડી કોલેજની બસ, એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવક બેફામ બન્યો હતો અને તેને અલગ અલગ વાહનોના કાચ તોડ્યા હતા. યુવકે લોખંડના સળિયા વડે ચારથી પાંચ વાહનોમાં તોડફોડ કરી વાહનોને નુકસાન પહોંચાડ્યુ હતુ.

નાનામૌવા રોડ પર અકસ્માતમાં યુવકનું મોત

આજે(13.12.22) બપોરના સમયે શાળા છૂટવાના સમયે પૂરપાટ ઝડપે આવતી મહાત્મા ગાંઘી વિદ્યાલયની સ્કૂલ બસ જ્યારે નાનામૌવા સર્કલ નજીક પહોંચી ત્યારે એક એક્ટિવા ચાલકને હડફેટે લીધો હતો.સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બસ પુરપાટ ઝડપે જઇ રહી હતી અને એક્ટિવા ચાલકને હડફેટે લીધો હતો જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા પાછળ બેસેલી મહિલાને ગંભીર ઈડજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મોતને ભેટનાર યુવકનું નામ યગ્નેશ રાવલ હોવાનું સામે આવ્યું છે. યુવકનું મોત થતા આસપાસના રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કૂલ બસે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. સ્થાનિકોનું કહેવુ છે કે આ વિસ્તારમાં અનેક શાળાઓ આવેલી છે. જ્યારે શાળા છૂટવાનો સમય થાય છે ત્યારે પુરપાટ ઝડપે સ્કૂલ બસો આ વિસ્તારમાંથી નીકળે છે.ટ્રાફિક પોલીસે આ વિસ્તારમાં યોગ્ય સંકલન કરવું ખૂબ જ જરૂરી છે.

મોરબી રોડ પર અકસ્માત બાદ યુવકની દાદાગીરી

શહેરના મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટીંગ યાર્ડ ચોકડી નજીક કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતને કારણે ટ્રાફિક જામ થયો હતો. તેવા સમયે મારવાડી કોલેજનું ટી શર્ટ પહેરેલા એક યુવકની દાદાગીરી સામે આવી હતી.યુવકે અહીં કેટલાક વાહનોના કાચ તોડીને રૌફ જમાવવા લાગ્યો હતો. સમગ્ર મામલે બી ડિવીઝન પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવક કોણ છે અને યુવક દ્રારા શા માટે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Posts: