મોરબી19 મિનિટ પહેલા
- કૉપી લિંક

વાંકાનેર શહેરમાં જી.આઇ.ડી.સી.ના નાકા પાસે બેકાબૂ ડમ્પર બાઇક સાથે અથડાતાં યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના ભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. બીજા બનાવમાં વાંકાનેર તાલુકામાં પેપરમીલના કારખાનામાં લોડર ચાલકે બેદરકારી પૂર્વક લોડર રિવર્સ લેતા શ્રમિક મહિલાને અડફેટે લીધી હતી અને ઘટનાસ્થળે જ તેણીનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
ડમ્પરની અડફેટે યુવકનું મોત
વાંકાનેરના કુંભારપરામાં રહેતા હસમુખ મોહન બોસીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ ભાવેશ મોહન બોસીયા તેમના બાઇક પર સવાર થઈ વઘાસીયા ટોલનાકાથી આગળ જી.આઇ.ડી.સી.ના નાકા પાસેથી પસાર થતાં હતાં. એ સમયે આરોપી ડમ્પર ચાલકે તેનું ડમ્પર પુરઝડપે બેફીકરાઇથી ગફલત ભરી રીતે ચલાવતા ભાવેશના બાઇકને ડમ્પર અથડાયું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો. આ જીવલેણ અકસ્માતમાં ભાવેશને માથાના ભાગે, ડાબી બાજુના કાનના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
લોડરની અડફેટે પત્નીનું મોત
તો બીજા બનાવમાં મૂળ રાજસ્થાનના વતની અને હાલ પંચાસીયા-અદેપર રોડ બ્રાઉનીયા પેપરમીલના કારખાનમાં કામ કરતાં ફરિયાદી કરણસીંહ રસીયા પટેલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, કરણસીંહ અને તેમના પત્ની સાગરદેવી બ્રાઉનીયા પેપરમીલમાં કામ કરતાં હતા. રણસિંહના સંબંધી ગુમાન જોગડા કટારા પેપર મીલમાં લોડર ચલાવતા હતાં. તેણે બેફીકરાઇથી તથા પુરઝડપે લોડર રીવર્સ લેતા સાગરદેવી લોડર નીચે આવી ગયા હતાં અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.