બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

કુબેર ડીંડોર અને જેઠા ભરવાડે મતદાન કર્યું
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ભાજપના કુબેર ડિંડોરે પોતાનું મતદાન સંપન્ન કર્યું હતું. તેમજ લોકશાહીના આ પર્વમાં નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. સાથે જ આ ચૂંટણીમાં ભાજપને મોટી બહુમતી મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે ટીવી9ના સંવાદદાતા સાથે ખાસ વાતચીત પણ કરી હતી. તો બીજી તરફ પંચમહાલની શહેરા બેઠકના ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડે મતદાન કર્યું છે. તેઓ પત્ની સાથે અણિયાદ ગામના લાલસરી મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ પહેલા તેમણે માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
ગુજરાત ચૂંટણી 2022: બીજા તબક્કાના મતદાનમાં માંધાતાઓએ કર્યું મતદાન
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકોની સાથે સાથે લોકશાહીના પર્વમાં મહાનુભાવોએ પણ પોતાની ફરજ નિભાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનો કિમતી મત આપ્યો હતો. રાણીપથી પીએમ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો નારાણપુરાથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ મતદાન કર્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઢોલના તાલે અમદાવાદમાં મતદાન કર્યું હતું. શીલજની પ્રાથમિક શાળામાં મતદાન મથકે મતાધિકારની ફરજ બજાવી હતી. શીલજથી આનંદી બહેને પણ મતદાન કર્યું હતું. સાથે જ ભાજપના નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.