In the drought of 1987, Pramukh Swami did Mute-Inarticulate concern for animals and birds AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ડો. સાધુ જ્ઞાનાનંદદાસે 1987 ના દુષ્કાળમાં પ્રમુખસ્વામીએ મૂક-અબોલ પશુ-પંખીઓની ચિંતા કરી તેમને ખાવા માટે ચીકુ અને પીવા માટે પાણીના કુંડાની વ્યવસ્થા કેવી રીતે કરાવી તેનો એક પ્રસંગ રજૂ કર્યો છે.

ભગવાને રચેલી આ સૃષ્ટિમાં વિચારો અને લાગણીઓ સંવેદનાઓની જુગલબંધી એકમાત્ર મનુષ્યમાં જ દેખાય છે. વિચારો એ બુદ્ધિની નિપજ છે. જ્યારે સંવેદના એ હૃદયની. અવનવા, અચરજકારી અને સર્જનાત્મક વિચારોથી એક પ્રભાવ જરૂર ઊભો થાય છે. પણ તે ક્ષણિક હોય છે. જ્યારે અન્ય માટેની ઉચ્ચ અને ઉમદા ભાવના સંવેદનાથી સદ્ભાવ ઊભો થાય છે. જે અન્યના હૃદયમાં કાયમી સ્થાન જમાવે છે.

બુદ્ધિ સુખ સુવિધાનો અને હૃદયની સંવેદના અન્યની વેદના અને પીડાને સમજે છે

બુદ્ધિ બહુધા અંગત સુખ સુવિધાનો જ વિચાર કરે છે. જ્યારે હૃદયની સંવેદના અન્યની વેદના અને પીડાને સમજી તેના નિવારણ તરફ આગળ વધે છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ સાહેબ કહેતા કે હું કોઈ હેન્ડસમ વ્યક્તિ નથી. પણ જેને મદદની જરૂર હોય એવા કોઈકને હું મારો હાથ આપી શકું છું.

અન્યના હિતનું સાતત્ય એ હકિકતે તો સંતત્વનો જ પરિચય છે. પરોપકાર એ સંત હૃદયનો સહજ ધબકાર છે. અને તેમાંય કોઈપણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે परहित सरिस धर्म नहीं भाई. એટલે કે અન્યનું હિત કરવાથી મોટું કોઈ કર્તવ્ય નથી.

ભારતીય સંત પરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે. ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા ત્યારે એકવાર કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. તેઓનું હૃદય ભાવાર્દ્ર થઈ ગયું.

તેમણે એક વરિષ્ઠ સાધુને કહ્યું કે મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.

તે વરિષ્ઠ સંતે પૂછ્યું કે બેટા, આ પૈસા ક્યાંથી લાવ્યો? ગુરુ નાનકે કહ્યું કે પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.તે સાધુએ કહ્યું કે તો પછી વેપાર માટે જ વાપરને અમને કેમ આપે છે? ત્યારે ગુરુ નાનક સહસા બોલી ઊઠ્યા કે હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા કરતાં વધુ સારો વેપાર કયો?

મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ ગુજરાતના દુષ્કાળનું રેખાચિત્ર હતું

આપણી મહાન સંત પરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહીં પરંતુ મૂક-અબોલ પશુ-પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમ્ ની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે. ઈ.સ. 1987 ના વર્ષમાં ગુજરાત કારમા દુષ્કાળની ભીંસમાં આવી ગયેલું. મેઘરાજાની રીસ અને ઠેર-ઠેર પાણી માટે ચીસ. સમગ્ર ગુજરાતનું તે સમયનું આ રેખાચિત્ર હતું.

પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે આ અરસામાં ગુજરાતનું પશુધન બચાવવા કેટલ કેમ્પો શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળો તથા ગૌશાળામાં પણ બનતી મદદ શરૂ કરી હતી. પશુ કલ્યાણ કેન્દ્રના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કેમ્પોના સેવાકાર્યને સરકારશ્રીએ પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું.

સાથે સાથે આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈપણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી. જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શિલાલેખ સમાન કોતરાયેલી છે. દુષ્કાળના એ દિવસો દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ તીર્થધામ સારંગપુર (જી. બોટાદ) ખાતે રોકાયા હતા. પોતાના નિત્યક્રમ મુજબ તેઓ રોજ સાંજે મંદિરની ચીકુવાડીમાં ભ્રમણ માટે પધારતા.

એકવાર તેઓએ ભ્રમણ દરમ્યાન અચાનક ચીકુવાડીની દેખરેખ રાખનાર સંતને બોલાવ્યા. દેખરેખ અંગેની કોઈ ભૂલ માટે અથવા કોઈ વિશેષ સૂચનનું અનુમાન કરીને તે જવાબદાર સંત હાથ જોડીને હાજર થયા.

પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું કે આ વર્ષે ચીકુ ખૂબ આવ્યા છે. આ ચીકુનું શું કરો છો?

વાડી સંભાળનાર સંતે કહ્યું કે ઠાકોરજીના થાળ માટે તથા સંતો-ભક્તો માટે જરૂરિયાત પૂરતા રાખીને બીજા બજારમાં મોકલી આપીશું.કોઈકનું પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા-એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ

દુષ્કાળની એ ભીંસણ પરિસ્થિતિમાં મૂક-અબોલ અને નિર્દોષ પંખીઓ પ્રત્યેની સંવેદના સાથે પ્રમુખસ્વામી મહારાજે તે સંતને કહ્યું કે સાંભળો. બધા ચીકુ ઊતારી લેવાના નહીં. દુષ્કાળનું વર્ષ છે. પાણીના અભાવે ખેડૂતોએ વાવેતર કર્યું ન હોય. તેથી બિચારા પક્ષીઓ ખાવા ક્યાં જાય? પક્ષીઓ માટે ચીકુ અનામત રાખવા. ઉતારવા નહીં અને પાણી ભરેલા કુંડા પણ રાખવા. જેથી પક્ષીઓને પાણી પણ મળી રહે.

કોઈ ચિંતકે કહ્યું છે કે કોઈકના ભાણાનું પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા-એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ.

ઉપનિષદ્ કહે છે કે तेन त्यक्तेन भुञ्जिथाः। એટલે કે અન્ય માટે ત્યાગ કરીને ભોગવો.

આપણા શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદનાઓ આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્થ છે. તેઓની જીવનશૈલી છે. આવો પ્રમુખસ્વામીના પગલે લોકહિતની આવી ભાવના અને સંવેદનાને આપણા જીવનમાં સાકાર કરીએ.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

Previous Post Next Post