સુરત20 મિનિટ પહેલા
સુરતમાં યુવતી નશાની હાલતમાં ઝડપાઈ.
કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટ મનાવવા મળી છે ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આ વખતે તમામ જગ્યાએ અને પાર્ટીઓ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતરી પોશ વિસ્તારમાં તમામ વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરી રહી છે. આ વખતે પ્રથમવાર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ ટેસ્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ દ્વારા ડુમસ રોડ ખાતેના વાય જંકશન પાસે સઘન ચકિંગ કરાઈ રહ્યું છે. દરમિયાન સુરત પોલીસને કારમાંથી એક યુવક અને યુવતી દારૂના નશા અને બોટલ સાથે પકડાયા હતા.
થર્ટી ફર્સ્ટને લઈ પોલીસનું સઘન ચેકીંગ
વર્ષ 2022ની વિદાય અને વર્ષ 2023ના આગમનને લઈ પાર્ટી આ વખતે અનેક જગ્યાએ થઈ રહી છે. લોકો નવા વર્ષની ઉજવણી માટે રસ્તા ઉપર પણ આવતા હોય છે. ત્યારે કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે જાહેર થર્ટી ફર્સ્ટ પાર્ટીની ઉજવણી કરવાની પરવાનગી મળી છે. તેવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈ ગેરપ્રવૃતિ ન થાય તેને લઇ પોલીસ પણ એક્શન મોડ પર જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આ વર્ષે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે જગ્યાઓએ વધુ પાર્ટી થઈ તે રસ્તા પર પોલીસની મોટી ટીમ રોડ પર ઉતરી આવી છે. પસાર થઈ રહેલા તમામ રાહદારીઓને અને વાહન ચાલકોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.

યુવક-યુવતી દારૂના નશામાં હતા અને કારમાં દારૂની બોટલ મળી.
સુરતમાં દારૂના નશામાં યુવક અને યુવતી ઝડપાતા ડિટેઇન કરાયા
સુરત પોલીસ દ્વારા ડુમસ રોડ ખાતેના વાય જંકશન પાસે સઘન ચકિંગ કરાઈ રહ્યું છે દરમિયાન પોલીસને કારમાંથી એક યુવક અને યુવતી દારૂના નશા અને બોટલ સાથે પકડાઈ આવ્યા. પોલીસ દ્વારા પીપળો થી ડુમ્મસ તરફ જઈ રહેલા રોડ પર તમામ લોકોનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટુ વ્હીલર ફોર વ્હીલર પર જઈ રહેલા તમામ વિશેષ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ દરમિયાન કારમાં જઈ રહેલા એક યુવતી અને એક યુવક દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ચેકિંગમાં હતો દરમિયાન આ કપલની કાર ચેક કરવામાં આવી હતી. ત્યારે કારની અંદર પોલીસને દારૂ મળી આવ્યું તે ઉપરાંત બંને જણાય દારૂનો નશો કર્યો હોવાનું પણ એન્ટી ડ્રગ્સ ટેસ્ટ મશીનમાં જણાવ્યું. પોલીસને કારમાંથી દારૂની બોટલની સાથે બાઈટીંગ પણ મળી આવ્યું હતું. જેને લઇ પોલીસે બંને જણાને ડીટેઇન કર્યા હતા અને તેની કારને પણ જમા કરી લીધી હતી.

એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પ્રથમ વખત એન્ટી ડ્રગ્સ મશીન દ્વારા ચેકિંગ
દારૂ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. જેને લઇ પોલીસ દ્વારા ડ્રગ્સ ફ્રી સ્ટીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત આ વર્ષે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં સેવન કરી કોઈપણ વ્યક્તિ બહાર ન નીકળે કે ડ્રગ્સ લઈને કોઈ વ્યક્તિ બહાર ન નીકળે તેને લઈને પોલીસનો ખાસ ચેકિંગ જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ડ્રગ્સ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ડ્રગ્સ એનાલાઇઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને તપાસવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી બ્રિથ એનાલાઈઝર મશીનથી દર વર્ષે ચેકિંગ થતું હતું. પરંતુ આ વર્ષે સ્પેશિયલ ડ્રગ્સ માટેની એનડીપીએસની ટીમ મૂકવામાં આવી છે. ડ્રગ્સ એનાલાઇઝર મશીનથી ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ મશીનથી ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેને પકડી શકાય છે તે ઉપરાંત દારૂ કે અન્ય કોઈ નસીલા પદાર્થનું સેવન કર્યું હોય તો તે પણ ડિટેક્ટ કરી શકાય છે.

પાર્ટી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદમાં મોટા ભાગના રસ્તાઓ પર પોલીસ તૈનાત
વર્ષ 2022નો છેલ્લો દિવસ એટલે કે 31મી ડિસેમ્બર ના રોજ રાત્રે લોકો નવા વર્ષને કરવા માટે અમદાવાદના એસજી હાઇવેના સિંધુભવન રોડ અને સીજી રોડ પર ઉમટી પડે છે. નવા વર્ષની ઉજવણી કેટલાક લોકો દારૂ પી અને ડ્રગ્સ નું સેવન કરીને પણ કરતા હોય છે. ખાસ કરીને ડ્રગ્સ નું પણ અનેક લોકો સેવન કરી અને ફરતા હોય છે ત્યારે આજે 31મી ડિસેમ્બરની રાત્રે ડ્રગ્સ લેનારા લોકોને પકડવા માટે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચ ડ્રગ્સ ટેસ્ટની કીટ મારફતે શંકાસ્પદ લોકોનું ચેકિંગ કરવામાં આવશે અને જો વ્યક્તિએ ડ્રગ્સ લીધું હશે તો 10 જ મિનિટમાં ખબર પડી જશે કે આ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે. ગુજરાતમાં પહેલીવાર આ રીતે ડ્રગ્સ લેનારા લોકો ને પકડવા માટે થઈ અને કીટ નો ઉપયોગ કરવામાં આવશે.

એન્ટી ડ્રગ્સ કીટનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં નંબર વગરની કાર ડિટેઈન કરાઈ
પોલીસ આવતા જતા તમામનું ચુસ્તપણે ચેકિંગ કરી રહી છે ત્યારે નંબર વગરની કાર હોય કે ટુ-વ્હીલર હોય તેને પણ ઉભા રાખીને તપાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વાઇઝેશન પાસેથી પસાર થઈ રહેલી નંબર વગરની ફોરવીલ કાર ને પોલીસ દ્વારા અટકાવવામાં આવી તેની તપાસ કરવામાં આવી હતી. તો જાણવા મળ્યું હતું કે દોઢ લાખ કિલોમીટર ચાલી ગયું હોવાથી છતાં કારમાં નંબર ન હતો. જેને લઇ પોલીસને તેમાં શંકા જતા પોલીસે તાત્કાલિક તેને ડીટેલ કરી લીધી હતી. કારની સાથે પોલીસે કર ચાલકની પણ અટકાયત કરી છે.

અમદાવાદમાં રસ્તાઓ પર પોલીસનો મોટા કાફલો ખડકાયો.