બનાસકાંઠા (પાલનપુર)30 મિનિટ પહેલા
વડગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર મણિલાલ વાઘેલાના સમર્થનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે, વડગામ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાય અને મણિલાલ વાઘેલા જંગી બહુમતીથી જીતાડવા લોકોને અપીલ કરી હતી.

ભાજપના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં
બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો જીતની આશાએ એડીચોટીનું જોર લગાવી પ્રચારપ્રસાર કરી રહ્યાં છે. જેમાં વડગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલાના સમર્થનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભામાં ભાજપના આગેવાનો સહિત વડગામ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

ભાજપ આપ સૌ માટે કામ કરતી પાર્ટીઃ ભૂપેન્દ્ર પટેલ
આ જાહેરસભાને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આપ સૌ માટે કામ કરતી પાર્ટી છે. આપ સૌએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યોને ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવ્યાં. આપે જે ભરોસો મૂક્યો ભારતીય જનતા પાર્ટી પર તેનાથી આજે તમને કોઈપણ જાતની મુશ્કેલી પડતી હોય તો મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર લવાય એના માટેનો હર હંમેશા અમે પ્રયત્ન કર્યો છે.
આપ ફરી મુખ્યમંત્રી બનવાના જ છોઃ મણિલાલ વાઘેલા
વડગામ ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલાએ જાહેરસભાને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરતા કહ્યું હતું કે, આપ ફરી મુખ્યમંત્રી બનવાના જ છો, ત્યારે અમારા વિસ્તારના શિક્ષણના મુદ્દાને પહેલી પ્રાયોરિટી આપી હલ કરો તેવી હું વિનંતી કરું છું.