વડોદરા29 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની અકોટા બેઠક ઉપર એક મહિલા ચૂંટણીકર્મીએ પોતાની ફરજનિષ્ઠા અને નારીશક્તિનું અનુઠુ ઉદાહરણ પૂરૂ પાડી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. આ મહિલા કર્મયોગી પોતાની દીકરીના વેવિશાળનો પ્રસંગ પતાવીને સીધા જ લોકશાહીના આ મહાપર્વની ફરજ ઉપર જોડાઇ ગયા છે.
પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ
વાત એમ છે કે, વડોદરા શહેરમાં રહેતા નિમિષાબેન પાઠક એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં મદદનિશ પ્રાદ્યાપિકા તરીકે ફરજ બજાવે છે. તેમને અકોટા વિધાનસભા મતવિભાગમાં ચૂંટણી કામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ સોંપવામાં આવી છે.
લોકશાહીની ફરજ સર્વોચ્ચ
આ વાત એટલા વિશેષ છે કે, ચૂંટણીની ફરજથી ઘણા કર્મચારીઓ દૂર ભાગે છે અને આ ફરજને ટાળવા માટે પ્રયત્ન કરે છે અને આ બાબતે ચૂંટણી તંત્રને અરજી કરે છે. જો કે, યોગ્ય કારણ જણાય તો ચૂંટણી તંત્ર દ્વારા તેમને ફરજમુક્ત કરવામાં આવતા હોય છે. હવે, આ મહિલા પ્રાદ્યપિકા માટે એક પોતાની સગી દીકરીના વેવિશાળ જેવી કૌટુમ્બિક અને સામાજિક જવાબદારી અને બીજી તરફ લોકશાહીના મહાપર્વની સર્વોચ્ચર ફરજ સામે હતી.
પહેલા ફરજપરસ્તી
નિમિષાબેન પોતાના દીકરીના સગપણના પ્રસંગનું કારણ આગળ ધરીને પોતાને સોંપવામાં આવેલી ચૂંટણીમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી શક્યા હોત. પણ, તેમણે પોતાના સામાજિક પ્રસંગની સાથોસાથ દેશના પણ લોકશાહીના મોટા પ્રસંગને પણ અગત્યતા આપી ફરજપરસ્તીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
પતિના મોત બાદ બધી જવાબદારી સંભાળી
પતિ મૃત્યુ બાદ દીકરીની સઘળી જવાબદારીઓ સુપેરે પૂર્ણ કરી નિમિષાબેન પાઠક આજે દીકરીની સગાઇ વિધિ પૂર્ણ કરી પોતાની ફરજ ઉપર હાજર થયા હતા અને મતદાન મથક તરફ રવાના થયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે આ મહિલા પ્રિસાઇડિંગ ઓફિસરની સરાહના કરી હતી.