કુલદીપ યાદવે ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં મોકો મળતા જ ખુદને સાબિત કરી દીધો છે. યાદવે પહેલા બેટથી યોગદાન આપ્યુ અને બાદમાં બોલથી બાંગ્લાદેશને પરેશાન કરી દીધુ હતુ.

Kuldeep Yadav એ 4 વિકેટ ઝડપી (Photo-BCCI)
ગત વર્ષની શરુઆતે ટેસ્ટ મેચ રમ્યા બાદ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ મોકો શોધતો રહ્યો હતો. પરંતુ એક બાદ એક ટેસ્ટ શ્રેણીઓ રમાતી ગઈ પરંતુ કુલદીપને તક દુર જ રહેતી હતી. આ વખતે બાંગ્લાદેશ પ્રવાસમાં તેનો સમાવેશ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં થયો છે અને આ સાથે જ તેણે ખુદને સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પહેલા બેટ વડે શાનદાર ઈનીંગ રમી હતી. બાદમાં બોલ વડે તરખાટ મચાવતા બાંગ્લાદેશની ટીમને પરેશાન કરી દીધી હતી.
કુલદીપ યાદવની આ આઠમી ટેસ્ટ મેચ છે. તેણે સાડા પાંચ વર્ષ અગાઉ ટેસ્ટ કેપ મેળવી હતી, ત્યારથી તે માત્ર 7 મેચ જ આ પહેલા રમવાની તક મેળવી શક્યો હતો. કુલદીપે ઓસ્ટ્રેલિયા સામે 2017માં ધર્મશાળામાં રમાયેલ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યુ હતુ. એ વખતે પણ તેણે 4 વિકેટ મેળવીને સૌનુ ધ્યાન પોતાના તરફ ડેબ્યૂ મેચમાં મેળવ્યુ હતુ.
કુલદીપે મચાવ્યો તરખાટ
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 404 રનનો સ્કોર પ્રથમ ઈનીંગના અંતે નોંધાવ્યો હતો. બાંગ્લાદેશની ટીમે પ્રથમ ઈનીંગ રમતા 8 વિકેટના નુક્શાન પર બીજા દિવસની રમતના અંતે માત્ર 133 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન કુલદીપ યાદવે 4 વિકેટો ઝડપી હતી. રિસ્ટ સ્પિનરે પોતાના બોલની ગતિ અને તરકીબ વડે યજમાન ટીમના બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ભારત માટે તેની બોલીંગે પ્રથમ ટેસ્ટમાં મજબૂત સ્થિતી બનાવી દીધી છે.