ભુજ18 મિનિટ પહેલા
- કૉપી લિંક

- લખપતથી ગુજરાતભરમાં અને મુંબઈ સુધી હેરાફેરીનું નેટવર્ક
- સૂરજબારીથી સામખિયાળી સુધી બે વર્ષમાં પ્લોટના ભાવ 10-20 હજારથી વધીને દોઢથી બે લાખ થઈ ગયા
- ભંગાર-કેમિકલની આડમાં પણ એમડી ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની આશંકા
નવીન જોશી
કચ્છ અને સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક અને ગંભીર પ્રકારની હરકતો સરહદી કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારીથી સામખીયાળી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થઇ રહી છે. હાઇવે પરના અમુક ઢાબા-હોટલો, ટ્રકો, ગેરેજ, લકઝરી બસ વાટે એમ.ડી. અર્થાત મેફેડ્રોન નામક નશીલા પદાર્થનો વેપલો શરૂ થયો છે અને તેનો વ્યાપ જોતજોતામાં કચ્છના પશ્ચિમ છેડાના લખપતથી લઇને ગુજરાતભરમાં ફેલાયો છે. એક ઢાબામાં વેઇટરનું કામ કરતા એક યુવાનને મહિને ત્રણ હજારનો પગાર મળતો હતો એક વખત તેને એક થેલીમાં અમુક સામાન આપી મુંબઇ મોકલવામાં આવ્યો તે આસાનીથી આ ખેપ પાર પાડી આવ્યો તેથી તેનો પગાર 15 હજાર કરી દેવાયો. આવી ખેપ વધારી દેવાઇ અને ધીમેધીમે એ યુવાન હવે પોતાની 27 લાખની કારમાં કચ્છથી વાપી, વલસાડ, સુરત થઇને મુંબઇ આવ-જા કરે છે તેની પાસે બીજા નવથી દશ યુવાનો પણ કામ કરે છે જેમની પાસે એપલ પ્રો મોબાઇલ અને ઇન્ફિલ્ડ બુલેટ માત્ર દોઢથી બેજ વર્ષમાં આવી ગઇ છે, આતો એક પ્રતિક માત્ર છે આવા તો કેટલાય જણ આ ધંધામાં ઉતારાઇ રહ્યા છે.
સુરજબારીથી લખપત સુધી પથરાયેલા ધોરીમાર્ગ પર અમુક હોટલોના સાઇનબોર્ડ પરપ્રાંતની ભાષા-શબ્દો અને સંકેતો ધરાવે છે અને જાણકારો કહે છે કે એજ હોટલો-ઢાબા કે ગેરજ, પંકચરવાળા પાસે ટ્રકો-લકઝરીઓ ઉપરાંત ઘણીવખત મુંબઇ-ગોવા પાસીંગની કિંમતી કારોની પણ આવન-જાવન છે. ચૂંટણી પહેલાથી રાજ્ય સરકારે ડ્રગ્સ કારોબાર સામે લાલ આંખ કરી તેના પગલે કચ્છમાં સૌપ્રથમ આઠમી નવેમ્બરે ભુજ-માધાપર માર્ગ પર બનેલો કારમાં ત્રણ જણ આ એમ.ડી.ના જથ્થા સાથે ઝડપાયા પછી 18 નવેમ્બરે શેખપીર પાસે અન્ય ચાર યુવાનો અને 23મી નવેમ્બરના મુંબઇ બોરીવલી સ્ટેશને એટીએસએ ભુજના યુવાન પાસેથી આ ડ્રગ્સ ઝડપ્યું. એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો આ યુવાન દર્દીઓની સેવા માટે માત્ર મુંબઇ જવું હોય તો 24X7 તૈયાર જ મળતો હતો.
આટલું અધુરુ હોય તેમ ભુજ નજીક ખત્રી તળાવ વિસ્તારમાંથી એક માતા-પુત્ર અને ભુરૂભા સોઢા નામના આરોપીઓની 7.79 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે એસ.ઓ.જી.એ ધરપકડ કરી અને તેમની પૂછપરછમાં પગેરું રાજસ્થાન પહોંચતા પોખરણથી મુખ્ય સપ્લાયર અને રાજસ્થાનનો વોન્ટેડ ભોમસિંહ નામનો આરોપીને પણ ઝડપી લેતા હવે કચ્છથી રાજસ્થાન પહોંચેલા ડ્રગ્સ માફીયાઓના તાર પંજાબ સાથે જોડાય તેવી પુરતી સંભાવના છે.
દાણોચરી, શસ્ત્રોની હેરાફેરી અને ઘુસણખોરી માટે કચ્છ ‘બારુ’ હતું પરંતુ સરહદો પર જાપ્તો વધી જતા જમીન વાટે નાપાક રસ્તા બંધ થયા અને ઉદ્યોગોનું આગમન થયુ તથા બંદરોનો વિકાસ થયો તેથી કચ્છથી જમીન માટે દેશભરમાં આવન-જાવન કરતા વાહનો વધ્યા જેમાં આ નશીલા પદાર્થોની હેરાફેરીને વેગ મળ્યો. અસામાજિક અને રાષ્ટ્રવિરોધી તત્વો માટે કચ્છ ‘બારુ’ જ રહ્યું હવે ચેકપોસ્ટ પર ‘હાઇટેક’ ટેકનોલોજી મુકાય કે સ્નિફર ડોગની મગગ લેવાય તેવા દિવસો દૂર નથી, જો એવું નહીં થાય તો નશો ગુજરાત-કચ્છની સમૃદ્ધિને ધુમાળામાં ઉડાવી દેશે.
પંજાબના ડ્રગ્સ માફિયા સાથે કચ્છ, રાજસ્થાનના સપ્લાયરોની સાંઠગાંઠ
એક ગ્રામના રૂા. 10 હજારની કિંમતવાળા આ એમ.ડી. ડ્રગ્સની ડિમાન્ડ યુવાનોમાં ખૂબ જ હોવાથી હાઇવે પર બેઠેલાઓ યેનકેન પ્રકારે તેમને આપે છે અને વેપલો વધતો જાય છે. સંભવત આ જ કારણોસર સૂરજબારીથી સામખિયાળી થઇને ભચાઉ સુધી જે રોડ સાઇડના ધાબાઓ-હોટલો છે તેના ભાડાંઓમાં વીતેલા બે જ વર્ષમાં અધધધ વધારો થયો છે. સૂત્રો કહે છે કે કોરોના પહેલા બિનખેતી થયેલી જમીનને કોઇ પૂછતું સુદ્ધા નહોતું કારણ કે આ જમીનો નાના-નાના ટૂકડામાં છે.
આ ઢાબા-હોટલવાળા મહિને 10થી 20 હજારના ભાડે લેતા આજે મહિને દોઢથી બે લાખ ભાડા આપતા મળતા જ નથી, જમીન માલિકો નશીલા પદાર્થોના ધંધા-કારોબારથી અજાણ છે પણ વધુ ભાડાની લહાયમાં તેઓ જેમને ભાડે આપે છે તેમની વિગત લેતા નથી પરિણામે વીતેલા 14-15 માસમાં જ અનેક કરાર રદ થયા-નવા થયા અને અનેક માલિકો બદલી ગયા- ભાડા વધી ગયા. સૂત્રો કહે છે કે વીતેલા 20 વર્ષમાં નથી વધ્યા એટલા ભાડાં વિતેલા એક વર્ષમાં વધ્યા છે. ભાડે લે છે કોઇ, ધંધો કરે છે કોઇ, ભાડુ ચૂકવે છે કોઇ, આમ બધોજ કારોબાર રહસ્યમય ઢબે ચાલે છે અને તેમાં નિર્દોષ ફસાય છે.
ભંગાર-કેમિકલના નામે ધંધો
સૂરજબારીથી સામખિયાળી-ભચાઉ સુધી રોડટચ પ્લોટના ભાવ વધ્યા છે અને ઢાબા, હોટલ, ગેરેજ ઊભી થઇ છે તો ગાંધીધામ સુધી ભંગાર અને કેમિકલનો ધંધો વિકસ્યો છે. આ ભંગાર અને કેમિકલની આડમાં પણ આ એમ.ડી. જ હોવાની સૂત્રોને પૂરી આશંકા છે.
પેડલર્સ પકડાયા હતા
ચૂંટણી પહેલાથી રાજ્ય સરકારે ડ્રગ્સ કારોબાર સામે લાલ આંખ કરી તેના પગલે કચ્છમાં સૌપ્રથમ આઠમી નવેમ્બરે ભુજ-માધાપર માર્ગ પર બનેલો કારમાં ત્રણ જણ આ એમ.ડી.ના જથ્થા સાથે ઝડપાયા પછી 18 નવેમ્બરે શેખપીર પાસે અન્ય ચાર યુવાનો અને 23મી નવેમ્બરના મુંબઇ બોરીવલી સ્ટેશને એટીએસએ ભુજના યુવાન પાસેથી આ ડ્રગ્સ ઝડપ્યું. એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો આ યુવાન દર્દીઓની સેવા માટે માત્ર મુંબઇ જવું હોય તો 24X7 તૈયાર જ મળતો હતો. ભુજમાં 7.79 લાખના એમડી સાથે માતા-પુત્ર ઝડપાયા હતાં.