સુરત10 મિનિટ પહેલા
સુરત મહાનગરપાલિકા દ્વારા ઢોરને ચીપ લગાડવાની કામગીરી શરૂ
શહેરમાં રખડતા ઢોરને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ઢોરને ઓળખી કાઢવા માટે ટેગ લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી. મનપા દ્વારા ઢોર પાર્ટીની અલગ અલગ ટીમ બનાવીને ઢોરોની ઓળખ થઈ શકે અને રસ્તે રખડતા બંધ થાય તેના માટેના પ્રયાસો યથાવત રાખવામાં આવ્યા છે.
ત્રણ ટીમ કામે લાગી
સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ફરીથી ઢોરને ટેગ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઢોરોને રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન ( RFID ) ચીપ લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી. જે ખૂબ જ સફળ રહે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જેમના દ્વારા રોજ ઢોરને અલગ અલગ વિસ્તારોમાં જઈને ટેગ લગાડવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં 12000 ઢોરને ટેગ લગાવાયા
સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ચીપ લગાડવા માટેની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં વધુ ઢોરને ચીપ લગાડવામાં આવે તેના માટે સુરત મહાનગરપાલિકા વિનામૂલ્ય ચીપ લગાડી રહી છે. શરૂઆતના તબક્કામાં ઢોરના માલિકો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા. પરંતુ હવે તે પણ વસુલવાના બંધ કરી દીધા છે. એક ટીમ દ્વારા રોજના 100 જેટલા ઢોરોને ટેગ લગાડવામાં આવે છે એવી અલગ અલગ ત્રણ ટીમો મળીને અંદાજે 250 કરતાં વધુ ઢોરોને ટેગ લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનાથી ઢોરના માલિક અંગેની તમામ વિગતો મળી રહે છે અને ઢોર કયા સમયે ક્યાં ફરી રહ્યો છે તેને પણ તમામ માહિતી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને મળી જાય છે. તેથી જો તેઓ રસ્તે રખડતા હોય તો તેમને ઝડપી પાડવાનું કામ પણ સરળ બની રહે છે અને ઢોર કેટલી વખત રખડતું ઝડપાયું છે. તેને ધ્યાનમાં રાખીને ઢોરના માલિકને દંડ ફટકારવામાં આવે છે.