વલસાડ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની યુવતીએ બગવાડા પાસે નવો બની રહેલા ફ્લાઈ ઓવર બ્રિજ નીચે ગત મધ્યરાત્રિએ કોઈક ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને અર્ધબેભાન હાલતમાં લોકો જોઈ જતાં તાત્કાલિક પારડીની ખાનગી હોસ્પિટસલમાં સારવાર માટે ખસેડી હતી. સ્થાનિક લોકોએ યુવતીના સંબંધીને જાણ કરી પરિવારને ઘટનાની જાણ કરી હતી. જેથી પરિવાર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો.
સ્થાનિકોએ યુવતીને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડી
ગત મોડી રાત્રિએ બગવાડા ગામમાં નવા બની રહેલા ફ્લાઈ ઓવર બ્રિજ નીચે એક યુવતી અર્ધબેભાન હાલતમાં મળી હતી. મોઢામાંથી ફીણ નીકળતા જોઈને તાત્કાલિક આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે આવ્યાં હતા. સ્થાનિક લોકોની મદદ વડે યુવતીની ઓળખ કરાવી તેના પરિવારની શોધખોળ હાથ ઘરી હતી. સાથે યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતીના સંબંધીને મધ્યરાત્રિએ ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.

પારડી પોલીસે તજવીજ હાથ ધરી
યુવતીની માતા તાત્કાલિક હોસ્પિટલમાં આવી પહોંચી હતી. યુવતીએ કયાં કારણોથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હજુ સુધી જાણી શકાયું નથી. યુવતીના પિતા આવ્યા બાદ આજરોજ પારડી પોલીસ મથકે યુવતીએ અગમ્ય કારણોસર ઝેર ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની નોંધ કરાવી હતી. પારડી પોલીસે યુવતીના પરિવારના સભ્યોને અને યુવતીના મિત્રોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.