પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

શિયાળાની ઋતુ જામતાની સાથે જ ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચુકી છે. જેથી લોકો બદલાતા ઋતુચક્રની સાથે પોતાના વસ્ત્ર પરિધાન અને રહેણીકરણી તેમજ ખાણીપીણીમાં પણ બદલાવ લાવે છે. ત્યારે હાલમાં પાટણમાં ઠંડીના ચમકારાની શરુઆત થતાં જ ગરમ વસ્ત્રોના બજારમાં ખરીદીનો ગરમાવો જોવા મળી રહ્યો છે.
આનંદ સરોવર પાસે ગરમ કપડાનું ઢગલા બજાર
સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં ડીસેમ્બર માસના મધ્યભાગની શરૂઆત થતાં જ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો થતા લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. ઠંડીની શરૂઆત થતાની સાથે જ લોકોના વસ્ત્રપરિધાનમાં પણ ફેરફાર જોવા મળે છે. ત્યારે શિયાળાની ઋતુને લઈ શહેરના આનંદ સરોવર સમીપ ગરમ કપડાનું ઢગલા બજાર શરૂ થઈ ગયું છે.

બજારમાં ગરમવસ્ત્રોની વેરાયટીઓમાં વધારો
વસ્ત્ર બજારમાં નગરજનો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે અવનવા ગરમ વસ્ત્રોની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી આનંદ સરોવર પાસે ભરાતા આ ઢગલા બજારમાં ગરમવસ્ત્રોની વેરાયટીઓમાં વધારો થતો જાય છે. જેમાં ગરમ ઉનના સ્વેટરો, જાકીટ, હાથમોજા સહિત નાના બાળકોના વિવિધ વેરાયટીવાળા ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આમ ઠંડીની શરૂઆત થતાં જ પાટણ શહેરમાં ગરમ વસ્ત્રના બજારમાં ખરીદીનો ગરમાવો જોવા મળી રહ્યો છે.