અમદાવાદ13 મિનિટ પહેલા
ગુજરાતમાં એક તરફ પહેલાં તબક્કાનું મતદાન પૂરું થયું હતું. ત્યારબાદ તરત જ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ 14 બેઠકને આવરતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો.ત્યારે આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં વડાપ્રધાન મોદી ફરી રોડ શો કરશે. આજે નગરદેવી ભદ્રકાળીના દર્શન કરશે. રોડ શો ખાનપુરથી શરૂ થશે અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.
અમદાવાદમાં આજના રોડ શોનો રૂટ
ખાનપુરના લકી રેસ્ટોરાંથી શરૂ કરીને વાયા વીજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદિર (વડાપ્રધાન નગરદેવીના દર્શન કરશે), આઈ પી મિશન ચાર રસ્તા ખમાસા, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, આસ્ટોડિયા(ઢાળની પોળ), રાયપુર દરવાજા, કાપડીવાડ થઈને સારંગપુર (બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા) ખાતે પૂર્ણ થશે.

ભદ્રકાળી માતા મંદિરે રોડ શો માટે તૈયારીઓ કરાઈ
રોડ શોના પગલે તડામાર તૈયારીઓ શરૂ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદના કોટ વિસ્તારમાં સાંજે 4 વાગ્યે કરવામાં આવનારા રોડ શોના પગલે તમામ તૈયારીઓ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. લાલ દરવાજાના લકી રેસ્ટોરાંથી રોડ શો શરૂ થશે. જે વીજળી ઘર થઈને ભદ્રકાળી મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શન કરશે અને ત્યાંથી ખમાસા ચાર રસ્તા, કોર્પોરેશન ઓફિસથી આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજાથી સારંગપુર જશે. મોદીના રોડ શોના પગલે લાલ દરવાજા ભદ્ર બજાર તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું છે. ભદ્ર તરફ જતાં તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં 54 કિમીનો મોદીનો ‘વન મેન’ રોડ શો
અમદાવાદમાં 1 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 54 કિલોમીટરનો મેરેથોન રોડ શો ચાંદખેડા ખાતે પૂર્ણ થયો હતો. સાંજે 5.15 વાગ્યે નરોડા ગામથી શરૂ થયેલો વન મેન મેગા રોડ શો રાતે 9 વાગ્યે ચાંદખેડા ચાર રસ્તા ખાતે પૂર્ણ થયો હતો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 13 વિધાનસભા અને ગાંધીનગરની એક વિધાનસભા મળી કુલ 14 વિધાનસભામાં ફરી વળ્યો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઊમટી પડ્યા હતા. મેગા રોડ શોમાં 3.45 કલાક સુધી વડાપ્રધાન મોદીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
અમદાવાદીઓને ઘેલું લાગ્યું, રોડ-શો પાછળ લોકો દોડ્યા
જોકે, મોદીના રોડ-શોનું ઘેલું લાગ્યું હોય તેમ તેઓ રીતસર વડાપ્રધાનનો કાફલો પસાર થયા બાદ પાછળ દોડતા જોવા મળ્યા હતા. ત્યારે આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. બીજીતરફ અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દરેક જગ્યાએ સ્વાગત કરાયું હતું, જેમાં અલગ-અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદી પર પુષ્પોની વર્ષા વચ્ચે…

અમદાવાદમાં મેરેથોન રોડ-શો દરમિયાન વડાપ્રધાન મોદીનો કાફલો ધરણીધર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ઘટના બની હતી. વડાપ્રધાન પર પુષ્પો અને ગુલાબની પાંખડીઓની લોકો વર્ષા કરી રહ્યા હતા. ત્યારે અચાનક કોઈ કાપડ જેવી વસ્તુ વડાપ્રધાન તરફ આવી હતી. આ તસવીરોમાં ક્રમબદ્ધ રીતે જોઈ શકાય છે કે આ વસ્તુ વડાપ્રધાનના હાથને અડીને તેમના વાહનમાં જ આગળની બાજુએ પડી હતી.
મોદીનો કાફલો IOC રોડ ચાંદખેડા પહોંચ્યો
વડાપ્રધાન મોદીનો કાફલો સાબરમતી પહોંચ્યો હતો. સાબરમતી પાવર હાઉસ થઈને પીએમ મોદીનો કાફલો સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી આગળ વધી વડાપ્રધાનનો કાફલો સાબરમતીથી ચાંદખેડા તરફ આગળ વધ્યો હતો. PMનો કાફલો વિસત ખાતે પહોંચ્યો હતો. વિસત સર્કલથી આગળ વધી મોદીનો કાફલો IOC રોડ ચાંદખેડા પહોંચ્યો હતો.

સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો વ્યાસવાડી થઈને સુભાષબ્રિજ આરટીઓ સર્કલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાને આરટીઓ સર્કલ પાસે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ત્યાંથી કાફલો સાબરમતી જવા રવાના થયો છે. જોકે, પીએમ મોદીના આગમન પહેલા સાબરમતી વિસ્તારમાં ભાજપના ખેસ, માસ્ક, ભાજપના પ્લે કાર્ડ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.

PM કાફલો મુખ્યમંત્રીની ઘાટલોડિયા વિધાનસભામાં પહોંચ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડિયા વિધાનસભામાં પહોંચ્યો હતો. પલ્લવ ચાર રસ્તાથી તેઓ પ્રભાત ચોકથી કાફલો પાટીદાર ચોક પહોંચ્યા હતો. ત્યાંથી આગળ વધી કાફલો અખબારનગર બ્રિજ પહોંચ્યો હતો. કાફલો વ્યાસવાડી થઈને સાબરમતી પહોંચ્યો હતો.

મોદીની એક ઝલક મેળવવા લોકોની પડાપડી
એલિઝ બ્રિજ પાસે ભાજપના ઉમેદવાર અમિત શાહ સહિત જનતાએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનનો કાફલો શ્યામલ બ્રિજ પર પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદીનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. શિવરંજની બ્રિજની નીચે જ્યારે મોદી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો મોદીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી હતી અને મોદીની ગાડીની આગળ આવી પહોંચ્યા હતા. એસપીડીની ટીમ દ્વારા લોકોને ગાડીથી દૂર ખસેડવા પડ્યા હતા. અંધજન મંડળ પહોંચ્યો હતો. ત્યાંથી પીએમનો કાફલો આગળ વધી હેલમેટ સર્કલ પહોંચ્યો હતો. જ્યાંથી આગળ વધતા 132 ફૂટ રોડ પર એઇસી ચાર રસ્તા કાફલો પહોંચ્યો હતો. એઇસી ચાર રસ્તા થઈ પલ્લવ ચાર રસ્તાથી ઘાટલોડિયા પ્રભાતચોક મોદીનો કાફલો પહોંચ્યો હતો.

મોદીને જોવા જનસેલાબ ઉમટી પડ્યો
નરેન્દ્ર મોદીના રોડ શોએ સાબરમતી નદી ક્રોસ કરી પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે ભુલાભાઈ ચાર રસ્તા થઈને પીએમનો કાફલો આંબેડકર બ્રિજથી ચંદ્રનગર પહોંચ્યા હતા. ત્યાંથી આગળ વધતા રોડ શોમાં એટલી ભીડ ઉમટી હતી કે, લોકો મોદીને જોવા માટે રોડ પર આવી ગયા હતા. લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. લોકો મોદીની ગાડીની આગળ આવી ગયા હતા. એસપીજીને લોકોને દૂર કરવાની ફરજ પડી હતી. મોદીએ પણ લોકોને રસ્તો આપવા વિનંતી કરી હતી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી
બાપુનગરમાં ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા અને મેયર કિરીટ પરમારે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બાપુનગરથી કાફલો વિરાટનગર પહોંચ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાનનો કાફલો હાટકેશ્વર સર્કલ થઈ મણિનગર તરફ આગળ વધ્યો હતો. જે બાદ મોદીનો કાફલો અનુપમ બ્રિજ પહોંચ્યો હતો. જ્યાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ત્યાંથી કાફલો ઝડપથી આગળ વધી રહ્યો હતો. કાંકરિયા થઈ ભુલાભાઈ ચાર રસ્તા પહોંચ્યો હતો.

વડાપ્રધાને ઈશારા કરી લોકોને દૂર રહેવા કહ્યું
મોદીનો રોડ શો બાપુનગરથી ખોડિયારનગર તરફ જવા રવાના થયો હતો. આ દરમિયાન મોદીના રોડ શો જોવા લોકોની એટલી ભીડ કે લોકો રોડ પર આવી ગયા. મોદીએ ઈશારા કરી લોકોને દૂર રહેવા કહેવું પડ્યું. મોદીના રોડ શોમાં એસપીજીને લોકોને ગાડીથી દૂર કરવા દોડવું પડ્યું. રોડ શો વિરાટનગર તરફ પહોંચ્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી
વડાપ્રધાનને જોવા માટે મોદીના ફોટો સાથે પ્લે કાર્ડ લઇને લોકો પહોંચ્યા હતા. ત્યારે મોદીનો રોડ શો કૃષ્ણનગર ચાર રસ્તાથી હીરાવાડી તરફ પહોંચ્યો હતો. ત્યારે હીરાવાડીથી બાપુનગર તરફ સ્પીડમાં રોડ શો આગળ વધી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદીના આગમન પહેલા મુખ્ય રસ્તાને જોડતા રસ્તા બંધ કરતા ટ્રાફિક જામ થયો. વાહન ચાલકો અટવાયા. ચંદ્રનગર બાજુ ટ્રાફિક જામ થયો હતો.

રોડ શોમાં લોકોના ટોળા પાછળ દોડ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરી રહ્યા હતો. ત્યારે રોડ શો દરમિયાન વડાપ્રધાનની જીપ પાછળ લોકોના ટોળા દોડતા જોવા મળ્યા હતા. વડાપ્રધાનનો કાફલો નરોડા પાટીયા ક્રોસ કરીને આગળ વધ્યો હતો. તો બીજી તરફ રોડ શોને લઇ આરટીઓ સર્કલ પાસે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને મોદી ફુલહાર કરશે. આરટીઓ સર્કલ પાસે લોકો મોદીના શો જોવા પહોંચ્યા હતા.

મોદીને જોવા લોકોના ટોળા ઉમટ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો કરી રહ્યા હતા. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી નરોડા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઓપન જીપમાં સવાર થઈ રોડ શો શરૂ કર્યો હતો. નરોડાથી હાઇવે પર ઠેર નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. નરોડા ગામમાં પીએમ મોદીનો રોડ શો જોવા રસ્તા પર દુકાન, ઓફીસ, કોમ્પલેક્ષ બહાર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા.

ધરણીધર દેરાસર નજીક લોકો રોડ પર ઉમટી પડ્યા
વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે ધરણીધર દેરાસર નજીક લોકો રોડ પર ઉમટી પડ્યા છે. મોદીનો રોડ શો હોવાથી બીઆરટીએસ રૂટ અંજલિથી નહેરુનગર બંધ કરવામાં આવ્યો છે. મોદીનું ભવ્ય સ્વાગત માટે લોકો હાથમાં કમળનું નિશાન અને માથે ભાજપની ટોપી પહેરીને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સ્ટેજ બનાવમાં આવ્યો છે. આરપીએફના જવાનો રૂટ પર તહેનાત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શો
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાની બેઠકો માટે મોદી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને આજે કાલોલ અને હિંમતનગરમાં જાહેર સભા યોજી હતી. ત્યારબાદ અમદાવાદમાં સાંજે રોડ શો યોજ્યો હતો. મોદી આ રોડ-શોમાં અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ કવર કરવામાં આવ્યો છે. રથયાત્રાનો કુલ 34 કિમીનો રૂટ છે અને અત્યારસુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શો છે. આ પહેલાં તેમણે સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો.

નરેન્દ્ર મોદીના રોડ શોનો રૂટ
નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભૂલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.

ભૂષણ ભટ્ટના પ્રચારમાં સાંસદ કિરીટ સોલંકીનું ખિસ્સું કપાયું
જમાલપુર-ખાડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટના પ્રચાર અર્થે બાઈક રેલી બહેરામપુરા ખાતે બપોરે એક વાગે પહોંચી હતી. આ દરમિયાન કિરીટ સોલંકી ભાજપના નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આ રેલીમાં તેઓ ભૂષણ ભટ્ટ સાથે ટ્રકમાં સવાર હતાં. ત્યારે તેમણે પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યારે ખબર પડી કે ખિસ્સામાં પર્સ નથી. કિરીટભાઈની ફરિયાદને આધારે તેમનું કહેવું છે કે સાડા અગિયાર વાગ્યે મેલડી માતાજીના મંદિર પાસે આવ્યા ત્યારે પર્સની ચોરી થઈ હોઈ શકે છે.
પર્સમાં મહત્વના ડોક્યુમેન્ટ સાથે રોકડ 14 હજાર
કિરીટ સોલંકીના પર્સમાં SBI, BOI, BOB, AXIS, YES BANKના ક્રેડિટ કાર્ડ હતાં. તે ઉપરાંત પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પત્નીનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિત રોકડા રૂપિયા 14 હજાર હતાં. પર્સ ચોરી થયા બાદ તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.