મહિસાગર (લુણાવાડા)34 મિનિટ પહેલા
મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાઠડા બેટ પર મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે. જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે અને તેઓને મત આપવા માટે દુર જવું ન પડે. ચૂંટણી કામગીરી સોંપાયેલ જિલ્લાનો તમામ સ્ટાફ બોટ દ્વારા આ બેટ સુધી પહોંચ્યો અને મતદાન માટે જરુરી તમામ સામગ્રી બોટ મારફતે સુરક્ષા સાથે પહોંચાડવામાં આવી હતી.

ત્યાં જવા માટે માત્ર એક જ ઉપાય જળમાર્ગ
આ મતદાન મથકને આદિવાસી જીવનશૈલીને રજુ કરતી વિવિધ આદિવાસી કળાઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લાની મહિસાગર નદી પર આવેલા કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો આ એક અનોખો બેટ છે. આ બેટ પર 376 પુરૂષ અને 336 સ્ત્રી મળી લગભગ 712 મતદારો છે. જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. આ બેટની ભૌગોલિક સ્થિતી એવી છે કે, ત્યાં જવા માટે કોઈ રોડ કે રસ્તો બનાવી શકાય તેમ નથી. ત્યાં જવા માટે માત્ર એક જ ઉપાય જળમાર્ગ છે, જેમાંથી બોટના સહારે સામાન્ય સ્થિતીમાં અવર જવર કરી શકાય. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવેલ છે.

મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું
આ બેટ શેડો એરિયામાં હોવાથી કનેક્ટિવિટી માટે પોલિંગ સ્ટાફને અલગ વાયરલેસ સેટ આપવામાં આવેલ છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. મતદાન માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ AMF (જરુરી તમામ સામાન્ય સુવિધા)ની ખાતરી કરવામાં આવે છે. આ સ્થાનને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત અને મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.


