-
ગુજરાતી સમાચાર » ફોટો ગેલેરી » PSM100 ઐતિહાસિક ઉત્સવ માટે અમદાવાદની માટી તૈયાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ
અમદાવાદની ધરતી આવનારી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે ઐતિહાસિક પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તે પહેલા મહોત્સવ સ્થળના કેટલાક આહલાદક દ્રશ્યોના ફોટો સામે આવ્યા છે.
ડિસે 10, 2022 | 11:59 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ડિસે 10, 2022 | 11:59 PM

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે. મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજના સન્માનમાં ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો આ મહોત્સવમાં ભાગ લેવા ઊમટશે, તેની તૈયારીઓ રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યુ છે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત આ મહોત્સવ સ્થળ 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી, તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવ્યુ છે. મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવનઘડતરની પ્રેરણા આપશે.

ગીત-સંગીત-નૃત્ય અને વિખ્યાત સંતો-મહંતો-મહાનુભાવોના વ્યાખ્યાનો સાથે મહોત્સવ સ્થળની પ્રત્યેક સાંજ વિવિધ પ્રેરણાઓથી છલકાતી રહેશે. આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, અમીત શાહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિદેશમંત્રી જયશંકર તેમજ વિદેશના મહાનુભાવો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. જેમાં ચોવીસેય કલાકોની પ્રસ્તુતિ દર્શનીય છે. આ વર્તુળની રંગબેરંગી ફૂલોની શોભતી રચનાઓ પણ આહલાદક છે.

મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે BAPS બાળનગરી. આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે.

મહોત્સવ સ્થળે ઉમટનારા લાખો દર્શનાર્થીઓની પાર્કિંગની વ્યવસ્થા માટે અઢી હજાર કરતા વધારે સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવવા ઊભા રહેશે. વિશાળ મહોત્સવ સ્થળની સ્વચ્છતા માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ રહેશે.

દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલ 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપશે. મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ શોભે છે.

આ મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે ઓળખાશે. આ સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપશે.

સામાન્ય જનતાને મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.

મહોત્સવ સ્થળના નિર્માણમાં અત્યાર સુધીમાં કુલ 60,000થી વધુ સ્વયંસેવકો આવી ચૂક્યા છે. મહોત્સવ સ્થળની આ તમામ વ્યવસ્થાઓને જાળવવા માટે 80,000થી વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે 12 ડિસેમ્બરથી મહોત્સવના અંત સુધી કાર્યરત રહેશે. મહોત્સવના વિવિધ કાર્યક્રમોથી 30 દિવસ સુધી મહોત્સવના વિવિધ સભામંડપો ગુંજતા રહેશે, જેમાં આધ્યાત્મિક વ્યાખ્યાનો, વિદ્વત્તાસભર સેમિનારો અને પરિષદો, પ્રોફેશનલ્સ સંમેલનો સહિત વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.