રાજકોટ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે રામધામ સોસાયટીમાં રહેતાં પ્રેમીલાબેન પ્રાણજીવનભાઈ જશાપરા તેના પુત્ર માધવભાઈ, પુત્રવધૂ ચીલીબેન અને બહેન સુધાબેન માધાણી સાથે ગઈકાલે અમરેલી સબંધીને ઘરે ગયા હતા. ત્યાંથી ગત સાંજે પરત ફરી રહ્યા હતાં ત્યારે રાત્રિના 10 વાગ્યે સરધાર નજીક આવેલ રાજસમાઢીયાળા નજીક કારચાલક માધવભાઈએ કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં સવાર તમામને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં ટૂંકી સારવારમાં પ્રેમીલાબેનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.
ખીરસરામાં બાઇક આડે રોઝડુ ઉતરતા પ્રૌઢનું મોત
રાજકોટના કાલાવડ રોડ પર ખીરસરા ગામે રહેતા રમેશભાઈ સાદુલભાઈ મકવાણા (ઉં.વ.51) અને તેમના પત્ની રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં વાડીએથી બાઈક લઈ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક દોડીને આવેલા રોઝડાએ બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ મકવાણાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ચાલુ સારવાર દરમિયાન રમેશભાઈ મકવાણાએ દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
15 વર્ષની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ
રાજકોટના વીરડાવાજડી વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા ગત 17 ડિસેમ્બરના રોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાગુદડના પાટીયા પાસે ઇટના ભઠ્ઠામાં રહેતો મહેશ ઉર્ફે પપ્પુ નરેશભાઇ ચૌહાણ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી સગીરાના પિતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરતા PSI દીલીપભાઇ રત્નુએ વાગુદડના મહેશ ઉર્ફે પપ્પુ નરેશભાઇ ચૌહાણ વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પતિએ છૂટાછેડા આપી દેવાનું કહેતા પરિણીતાએ ફિનાઈલ પીધું
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પરિણીતાએ આજે બપોરે પોતાના ઘરે ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં તેણીએ લગ્નની ઓનલાઈન એપ્લિકેશન મારફત જેનીલનો પરિચય થતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છ મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતાં. જેનીલ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. લગ્ન બાદ હવે પતિ ‘તું ગમતી નથી, છૂટાછેડા આપી દે’ તેમ કહેતા હોવાથી તેણીએ લાગી આવતાં ફિનાઈલ ગટગટાવી લીધાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ પરિણીતાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.