રાજકોટ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ફાઈલ તસવીર.
ઉતરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે તેને ઉજવવા માટે તહેવારપ્રિય રાજકોટના લોકો થનગની રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોના નામનું ગ્રહણ હોવાને કારણે વિવિધ પ્રકારની પાબંદી વચ્ચે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો. જો કે આ વર્ષે કોરોના નેસ્ત નાબૂદ થઈ ગયો હોવાથી લોકો મન ભરીને આ તહેવારને માણવાના છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઉત્તરાયણના પર્વને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોટા અવાજે સ્પીકર વગાડવા, જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કે ખરીદી કરી શકાશે નહીં.
લોકોને હેરાનગતિ ન થાય તે રીતે તહેવાર ઉજવજો
ઉત્તરાયણના તહેવારમાં કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બની જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર ઉતરાયણ પર્વે લોકોને હેરાનગતિ થાય તેટલા ઉંચા અવાજે લાઉડસ્પીકર વગાડનારા તેમજ જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરનારા લોકો ઉપર ગુનો નોંધવામાં આવશે.
જાહેરનામામાં મૂકવામાં આવેલા પ્રતિબંધો
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણ પર કોઈ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય રીતે જાહેર માર્ગ-ફૂટપાથ તેમજ ભયજનક ધાબા ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આવી જ રીતે લોકોને ત્રાસ થાય તે પ્રકારે લાઉડ સ્પીકર વગાડવા, લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખવા, કપાયેલા પતંગ-દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈ પણ ધાતુથી બનેલા તારના લંગર બનાવીને આમતેમ શેરીઓ, ગલીઓ, રસ્તાઓ પર દોડાદોડી કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામાનો ભંગ કરશો તો થશે કડક કાર્યવાહી
તેમજ ટેલિફોન-ઈલેક્ટ્રિકના તાર ઉપર લોખંડ કે કોઈ પણ ધાતુના તાર, લંગર (દોરી) નાખવા ઉપર તેમજ તારમાં ભરાયેલા પતંગ-દોરી કાઢવા ઉપર, જાહેર માર્ગ ઉપર ઘાસચારાનું વેચાણ કરવા તેમજ જાહેર રસ્તા ઉપર ગાયો-પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઉભો કરવા ઉપર કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક, પાક્કા સિન્થેટિક મટિરિયલ, ટોકસ્ટીક મટિરિયલ, લોખંડ, પાઉડર, કાચ તેમજ અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલા દોરા તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવા ઉપરાંત ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નનું વેચાણ કે ખરીદી ઉપર સજ્જડ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ નિયમોનો ભંગ કરનારા લોકો ઉપર પોલીસ દ્વારા ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.