Saturday, December 10, 2022

Rajkot : ધોરાજીમાં ડુંગળીના ખેડૂતોની કફોડી સ્થિતિ, ભાવ ન મળતા સરકાર પાસે નિકાસ કરવાની કરી માગ

Rajkot: ધોરાજીમાં ડુંગળીના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડુંગળીનો પાક ઘણો ઓછો આવ્યો હોવાથી ખેડૂતોને ખૂબ જ ઓછા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને પ્રતિમણ 100થી 200 રૂપિયા જ મળતી હોવાથી ખેડૂતોને ખર્ચો પણ નીકળે તેમ નથી.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

ડિસે 10, 2022 | 11:06 PM

રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવો ઘાટ સર્જાયો છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને પગલે છેલ્લા 3 વર્ષથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. આ વર્ષે અનેક આશાઓ સાથે ખેડૂતોએ ડુંગળીનો પાક ઉગાડ્યો હતો. પાકમાં રોગ આવી જતા આ પંથકના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના કહેવા મુજબ ડુંગળીનો પાક ખુબજ ઓછો આવ્યો છે અને સામે ડુંગળીના ભાવ પણ ખુબજ ઓછા મળી રહ્યા છે. ડુંગળીનો પ્રતિ મણ ભાવ 100થી 200 રૂપિયા જ મળી રહ્યો છે. જેમાં ખેડૂતોનો બિયારણ અને જંતુનાશક દવાઓનો ખર્ચો પણ નીકળી શકે તેમ નથી. ખેડૂતો સરકાર પાસે ડુંગળીની નિકાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જેથી ડુંગળીનો ભાવ મળી શકે.

ભાદર 2 ડેમમાંથી કેનાલ દ્વારા પાણી છોડાયુ

આ તરફ ખેડૂતોને શિયાળુ પાકના પિયત માટે ધોરાજીના ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યુ છે. જેને લઈને સિંચાઈના વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે કેનાલનું પાણી ખેતર સુધી પહોંચી શકાયુ નથી. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યુ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. લાખો રૂપિયાનો ખર્ચ કેનાલની સફાઈમાં કરવામાં આવ્યો છે. પરંતુ કેનાલની સફાઈ જાણે કાગળ પર જ થઈ હોય તેવો ખેડૂતોનો દાવો છે. ખેડૂત આગેવાને ગાંધીનગર સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીને પત્ર  પાઠવી અને કેનાલની સફાઈ બાબતે થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ હાથ ધરવા માંગ કરી છે. તો બીજી તરફ ભાદર 2 સિંચાઇ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, સરકારી મશીનરીથી ભાદર-2 કેનાલની સફાઈ કરવામાં આવી છે.

Related Posts: