ભાવનગર11 મિનિટ પહેલા
- કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યના કેટલાય વિસ્તારમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે સવારથી જ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વાતાવરણ બદલાયું છે. ત્યારે મહુવા તાલુકાના ગામડાઓમાં માગશર માસમાં માવઠું પડ્યું છે.

આજથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી
ગત સાંજથી જ દક્ષિણ-પશ્ચિમી દિશામાથી ટાઢોબોળ પવન ફૂંકાઈ રહ્યો છે અને ભેજનું પ્રમાણ વધતાં 15 ડીગ્રીએ પહોંચેલુ લઘુત્તમ તાપમાન પણ 21 ડીગ્રીએ પહોંચી ગયું છે ઉપરાંત રાજ્યના હવામાન વિભાગે 14થી 16 ડીસેમ્બર સુધીમાં રાજ્યના દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરીયા કિનારાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા દર્શાવી હતી. જેને પગલે આજે સવારથી જ જિલ્લાના મહુવા તાલુકાના ગામડાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બગદાણા, ઓથા, જાંબુડા સહિતના ગામડાઓમાં તથા બ્રૃહદગીર એરીયાઓમા ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ
કમોસમી વરસાદ થતા ખેતી પાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. ખેતરોમાં ખરીફ સિઝનની ખેત ઝણસો તથા રવિ સિઝનનું વાવેતર મોજુદ છે જેને ભારે નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે. ખેતરોમાં પડેલો પશુચારો તથા અન્ય ખેત સામગ્રીઓને પલળતી બચાવવા ખેડૂતો શ્રમિકોએ દોડાદોડી કરી હતી, આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, ત્યારે હજુ 24 કલાક સુધી આ પ્રકારનો માહોલ અકબંધ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.