ગોંડલ અને કુતિયાણા બેઠક પર સૌ કોઈની નજર, જામનગર ઉત્તર બેઠક પર રસાકસીભર્યો જંગ | Today saurashtra kutchh election votting

રાજકોટએક કલાક પહેલા

વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ-કચ્છની 53 બેઠકનો સમાવેશ થાય છે. આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. ત્યારે ગોંડલ બેઠક પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કારણ કે અહીં ક્ષત્રિય સમાજના જ બે જૂથ આમને સામને છે. આથી આજે આ બેઠક પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. કુતિયાણા બેઠક પર પણ મોટા રાજકીય દાવપેચ લડાવવાના હોય અહીં પણ સમગ્ર ગુજરાતની નજર રહેશે. આ ઉપરાંત જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપ તરફથી લડી રહ્યા છે ત્યારે રસાકસીનો જંગ ખેલાઇ તેવા એંધાણ છે.

ગોંડલમાં ચૂંટણી લોહિયાળ બનવાના એંધાણ
ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરૂદ્ધસિંહે સભા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એકબીજાને ધમકી આપી હતી. બન્નેએ એકબીજાને ખુલી ચેલેન્જ આપી હતી. આથી ગોંડલ વિધાનસભાની ચૂંટણી લોહીયાળ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. બન્ને બળુકા એકબીજાને જાહેરમાં તુકારા આપી પડકાર ફેંકી રહ્યા હોય આજે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પોલીસવડાને વધુમાં વધુ બંદોબસ્ત ફાળવવા આદેશ આપ્યો હતો. આથી ગોંડલ બેઠક પર જિલ્લા પોલીસ વડાએ 5 PSI, 1 PI, 1 Dysp, 28 અર્ધલશ્કરી દળ, 1 SRP કંપની અને 3300 પોલીસના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દીધા છે.

રાજકોટની બે બેઠક પર ભાજપ માટે જીતવું કઠિન
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે, પરંતુ એના પર આયાતીનું લેબલ લાગેલું હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી કઠિન રહેશે. રમેશ ટીલાળાની વ્યક્તિગત ઇમેજ સારી છે. તેઓ મોટાભાગના વર્ગમાં સારીએવી નામના ધરાવે છે, પરંતુ આ વખતે પ્રજાપતિ, બ્રાહ્મણ, લોહાણા સહિતના ઉજળિયાત વર્ગનો ખોફ વહોરવો પડે એવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે.

રાજકોટ પૂર્વ બેઠક પર રસાકસીભર્યો જંગ ખેલાશે
રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપમાંથી ઓબીસીના ઉમેદવાર તરીકે ઉદય કાનગડ મેદાને છે. કાનગડ અત્યારસુધીમાં મેયર, ડેપ્યુટી મેયર, દંડક, શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દો શોભાવી ચૂક્યા છે. ત્યારબાદ હવે તેમને વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી છે, ત્યારે ઉજળિયાતોનો એક બહુ મોટો વર્ગ નારાજ છે. આ બેઠક પર કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ઉતાર્યા છે. તેમણે 2012ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીત મેળવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર ચહેરો રાહુલ ભૂવાને ઉતાર્યા છે. તેઓ પણ આ બેઠક પર સારી એવી વગ ધરાવે છે. આ કારણે રાજકોટ પૂર્વ બેઠક પણ ભાજપ માટે જોખમમાં હોવાનું માનવામાં આવે છે.

પ્રદ્યુમ્નસિંહ જાડેજા સામે મામદ જત મેદાને
કચ્છની અબડાસા બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા તો સામે કોંગેસના ઉમેદવાર મામદ જતન છે. તેઓ જિલ્લા પંચાયતમાં સભ્ય પદે સેવા આપી ચુક્યા છે અને તાલુકા પંચાયતમાં સભ્ય છે. અહીં આપમાંથી વસંત ખેતાણી મેદાને છે. માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવેને ટિકિટ અપાઈ છે. તેઓ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. કોંગેસના રાજેન્દ્રસિંહ જાડેજા મૂળ ભાજપમાંથી હાલમાં જ કોંગેસમાં જોડાયા છે તેઓને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવીને ટિકિટ મળી છે.

દસાડા બેઠક પર કાંટે કી ટક્કર
દસાડા બેઠક પર અનુસુચિત જાતિ માટે અનામત બેઠક ઉપર કોંગ્રેસે ધારાસભ્ય નૌશાદ સોલંકીને રિપીટ કર્યા છે. સામે ભાજપે પહેલી વખત સ્થાનિક ઉમેદવારનો દાવ ખેલીને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય પી.કે.પરમારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અમદાવાદ ખાતે રહેતા અરવિંદ સોલંકીને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં નૌશાદભાઇ 3788 મતની પાતળી બહુમતીથી જીત્યા હતા. ઉપરાંત ગત ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરે મોટું કામ કર્યું હતું, જ્યારે આ ચૂંટણીમાં આપનો ઉમેદવાર સામે આવીને ઉભો છે. જીત થયા બાદ દસાડાના ધારાસભ્ય સતત લોકોના સંપર્કમાં રહ્યાં છે. જ્યારે સામે ભાજપના ઉમેદવાર સ્થાનિક હોવાથી, તેઓ પણ લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. ત્યારે આ સ્થિતિમાં આપના આયાતી ઉમેદવારનું કેટલું ઉપજે છે, એ જોવું રહ્યું

મોરબીમાં કાંતિ અમૃતિયા બાજી મારશે?
મોરબી અને ટંકારા બેઠક પર આપમાંથી પાટીદાર ઉમેદવાર અને વાંકાનેર બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે. ત્યારે આપમાંથી કોળી ઉમેદવાર મેદાને ઉતારતા રસપ્રદ જંગ જોવા મળી શકે છે. મોરબી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે જ્યાં 1995થી વર્ષ 2017 સુધી કાન્તિલાલ અમૃતિયાએ રાજ કર્યું હતું. જેઓ 2017ની ચૂંટણી હારી ગયા હતા. જોકે, ફરી ભાજપે ટિકિટ આપી છે. ત્યારે સૌની નજર મોરબીની બેઠક પર જોવા મળી રહી છે.

જૂનાગઢ બેઠક પર ભાજપને લોઢાના ચણા
જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં આ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાને ટિકિટ મળતા ભાજપ પ્રત્યેની નારાજગી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે, જૂનાગઢની જનતાએ નબળા રોડ ધૂળની ડમરીઓ પાણીના ખાડાઓ સિવાય આટલા વર્ષોમાં મહાનગરપાલિકા પાસેથી કશું મળ્યું ન હોય તો આવનાર દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાના જ કોર્પોરેટર ધારાસભ્યો બની કયા વિકાસના કામો કરશે તેવી ધારણા બાંધી છે.

રાજુલા બેઠક પર અંબરીશ ડેરને હીરા સોલંકી આપશે ટક્કર
રાજુલા બેઠક પર સૌથી વધારે ટક્કર જોવા મળશે. રાજુલા બેઠક પર સતત જીતતા આવતા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીને ગત ચૂંટણીમાં કોંગ્રેસના અંબરીશ ડેરે હરાવ્યાં હતા. ત્યારે આ વખતે ફરી કોંગ્રેસના અંબરીશ ડેર સામે ભાજપે હીરા સોલંકીને મેદાને ઉતાર્યા છે. તેમજ આમ આદમી પાર્ટીમાંથી પાંચાળી આહીર સમાજના ભરત બલદાણીયાને ટિકિટ આપી છે. આ બેઠક પર સૌથી વધારે કોળી સમાજનું વર્ચસ્વ છે. સૌથી વધારે કોળી મતદારો છે. બીજા નંબરે પાંચાળી આહીર સમાજનું વર્ચસ્વ છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post