https://images.bhaskarassets.com/web2images/960/2023/01/19/orig_47_1674093830.jpg
મુંબઈ39 મિનિટ પહેલા
- કૉપી લિંક

- રેલવે માર્ગ પર બનતી દુર્ઘટના – અકસ્માત પાછળના કારણો શોધી શકાશે
પશ્ચિમ રેલવેમાં દોડતી લોકલના મોટરમેનની કેબિનમાં આગામી ફેબ્રુઆરીથી સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે. આ કામ જૂન 2023માં પૂરી કરવાનો સંકલ્પ પશ્ચિમ રેલવેએ કર્યો છે. તેથી મોટરમેન, ગાર્ડની હિલચાલ પર નજર રાખવી શક્ય થશે. એ સાથે જ રેલવે માર્ગ પર બનતી દુર્ઘટના, અકસ્માત, એ પાછળના કારણો શોધી શકાશે એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું.
કેન્દ્રિય રેલવે મંત્રાલયે મોટરમેન કેબિનમાં સીસી ટીવી કેમેરા લગાડવાના પ્રકલ્પને મંજૂરી આપી છે. 2021-22માં આર્થિક વર્ષના બજેટમાં આ પ્રકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પછી સીસી ટીવી કેમેરા લગાડવાનું કામ ઝડપી થયું. મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગમાં મોટા પ્રમાણમાં લોકલ ટ્રેન દોડે છે.
દિવસમાં 3 હજારથી વધારે લોકલ ફેરી થાય છે. લોકલ ફેરીના નિયોજન માટે રેલવે પાસે સ્વતંત્ર રેલવે વ્યવસ્થાપન યંત્રણા છે. પણ ઘણી વખત લોકલ ચલાવતા મોટરમેન તરફથી ભૂલ થાય છે. તેથી અકસ્માતનું જોખમ ઊભું થાય છે. કોઈ સ્ટેશનમાં ટ્રેન રોકવી ભૂલી જવું, સ્પીડલિમિટનું ઉલ્લંઘન કરવું, લાલ સિગ્નલ હોવા છતાં ટ્રેન આગળ લઈ જવી જેવી ઘટના અવારનવાર બને છે.
આવી ઘટનાઓનું પ્રમાણ ઓછું છે તો પણ અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી. આ પ્રકરણે દોષી સાબિત થનારા સંબંધિત કર્મચારીઓને સજા પણ આપવામાં આવે છે. આવી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકાય, રેલવે પ્રશાસન પાસે પુરાવા ઉપલબ્ધ થાય, યંત્રણા સંભાળતા મોટરમેન અને ગાર્ડ તરફથી કોઈ ભૂલ ન થાય, કોઈ ભૂલ થાય તો નિયંત્રણ કક્ષ અથવા બીજી યંત્રણા મારફત એ તરત તેમના ધ્યાનમાં લાવી શકાય, એ માટે તકેદારી તરીકે લોકલમાં મોટરમેન અને ગાર્ડની કેબિનની અંદર-બહાર સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે. તેમ જ પ્રવાસના સમયે રેલવેની હદમાં બનતી ઘટનાઓ પણ આ સીસી ટીવી કેમેરામાં રેકોર્ડ થઈ શકશે એમ અધિકારીએ જણાવ્યું હતું.
કેમેરાના ફાયદા : લોકલના મોટરમેનની કેબિનની અંદર અને બહાર લગાડવામાં આવતા સીસી ટીવી કેમેરા સીધા રેલવે વ્યવસ્થાપન યંત્રણા (ટીએમએસ) સાથે જોડવામાં આવશે. સીસી ટીવી રેકોર્ડિંગ પર અધિકારીઓની ઝીણવટભરી નજર રહેશે. લોકલ પર અજ્ઞાત વ્યક્તિ તરફથી કરવામાં આવતી પથ્થરબાજી, સિગ્નલમાં થનારી ખરાબી, સિગ્નલ લાલ હોવા છતાં ટ્રેન આગળ લઈ જવી, તેમ જ પ્રવાસીનો અકસ્માત પણ આ કેમેરામાં રેકોર્ડ થશે. આપત્કાલીન સમયે મોટરમેન અને ગાર્ડ સાથે સંવાદ સાધીને લોકલનું આગળનું નિયોજન કરવું શક્ય થશે. મોટરમેન અને ગાર્ડની હિલચાલ, તેમ જ અકસ્માત કે દુર્ઘટના કેમેરામાં રેકોર્ડ થશે. બંને વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી શકાશે.
જૂન 2023 સુધી કામ પૂરું થશે
સીસી ટીવી કેમેરા લગાડવા માટે ટેંડર પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. આગામી મહિનેથી લોકલ મોટરમેન અને ગાર્ડની કેબિનમાં સીસી ટીવી લગાડવાની શરૂઆત કરવામાં આવશે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
એક લોકલના મોટરમેનની કેબિનમાં સીસી ટીવી કેમેરા લગાડીને એની ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ સફળ થયા પછી મોટરમેનની કેબિનમાં સીસી ટીવી કેમેરા લગાડવાનું કામ જૂન 2023 સુધી પૂરું કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. પશ્ચિમ રેલવેની 112 લોકલમાં 224 મોટરમેન અને ગાર્ડના ડબ્બામાં આ યંત્રણા લગાડવામાં આવશે. એના માટે 2 કરોડ 80 લાખ રૂપિયા ખર્ચ કરવાનું પ્રસ્તાવિત છે.