https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/dori-4_1674060122.jpg
અમદાવાદ8 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ શનિવાર અને રવિવારના દિવસે આવી હોવાથી પતંગ રસિયાઓને મઝા પડી ગઇ હતી. તેમાંય વળી પવન હોવાથી રસિયાંઓને ઘણી મઝા પડી ગઇ હતી. આ દિવસો દરમિયાન સવારે અને સાંજે આકાશમાં વિહરતાં પક્ષીઓ માટે પતંગ ચગાવવાનું બંધ રાખવા સામાજિક સંસ્થાઓએ અપીલ કરી હતી. પરંતુ આ બંને દિવસ ગુજરાતના નાગરિકોએ બહુ પતંગ ચગાવી હોવાથી પતંગના દોરા ઠેર ઠેર લટકતાં હોવાથી આકાશમાં વિહરતાં પક્ષીઓને નુકસાન પહોંચાડે છે. આ બાબતને નજર સમક્ષ રાખીને ખોખરા યુથ ફેડરેશન દ્વારા તાર, ઝાડ કે પછી છત અને ધાબા પરની દોરીઓનો જથ્થો જમા કરાવી જનારાને ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
દોરીનો જથ્થો ફેડરેશન સમક્ષ જમા કરાવ્યો
આ જાહેરાતના પગલે અમદાવાદ શહેરના ખોખરા અને અમરાઇવાડી વોર્ડના 500 જેટલાં રહીશોએ પોતાના વિસ્તારમાં રઝળતી કે ઝાડ કે તારમાં ફસાયેલી દોરીને કાઢીને તેનો જથ્થો ફેડરેશન સમક્ષ જમા કરાવ્યો હતો. આ દોરીનો જથ્થો જમા કરનારા લોકોને ફેડરેશન તરફથી નાની-મોટી 12 હજાર રૂપિયાની કિંમતની ગીફ્ટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ જમા થયેલી દોરીના જથ્થાંને મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ તથા અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ તેમ જ સ્થાનિક કોર્પોરેટર કમલેશ પટેલ ઉપરાંત ફેડરેશનના કાર્યકરોની હાજરીમાં મંગળવારે બપોરે હોળી કરવામાં આવી હતી.

રઝળતી દોરીનો નિકાલ કરવામાં આવ્યો
ઉત્તરાયણ દરમિયાન કપાયેલાં પતંગની દોરીઓ તાર કે પછી ઝાડ તેમ જ ધાબા અને છત પર કે રસ્તા પર દિવસો સુધી રઝળતી હાલતમાં જોવા મળતી હોય છે. આ દોરીના કારણે અગાઉ ઘણાં અકસ્માતો થયા છે. તેની સાથોસાથ ઘણાં પક્ષીઓ ઘવાતાં પણ હોય છે. ઉત્તરાયણની મઝા પછી ફરજના ભાગરૂપે વિસ્તારના રોડ અને છત પરથી દોરી કાઢી તેના નિકાલ કરવાનો રહે છે.

500થી વધુ લોકોએ ગીફ્ટ મેળવી
આ બાબતને નજર સમક્ષ રાખીને ખોખરા યુથ ફેડરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના અમરાઇવાડી તથા મણિનગર વિધાનસભામાં રહેતાં રહીશોને આ પ્રકારની દોરી જમા કરાવી જનારાઓ માટે જાતજાતની અને ભાતભાતની ગીફટની ઓફર કરવામાં આવી હતી. આ ઓફરના ભાગરૂપે આ બંને વિસ્તારના લગભગ 500થી વધુ લોકોએ દોરીનો જથ્થો જમા કરાવીને ગીફ્ટ મેળવી હતી.

ફેડરેશન દ્વારા ભેટ આપવામાં આવી
આ દોરી જમા કરાવનારા વ્યક્તિઓને ફેડરેશન તરફથી 12 હજાર જેટલી કિંમતની ભેટ આપવામાં આવી હતી. આ જમા થયેલી દોરીનો નિકાલ કરવા માટે ખોખરા નાથાલાલ ઝઘડા ઓવરબ્રીજ પાસેના મદ્રાસી મંદિર નજીક સર્કલ પાસે ગઇકાલે બપોરે 1 વાગ્યે જાહેરમાં હોળી કરવામાં આવી હતી. આ સમયે સ્થાનિક ધારાસભ્યો અમૂલ ભટ્ટ, હસમુખ પટેલ તથા કાઉન્સિલર કમલેશ પટેલ સહિતના કોર્પોરેટરો હાજર રહ્યાં હતા.

પક્ષીઓ તેમ જ નાગરિકોને થતાં નુકસાન રોકવાનો પ્રયાસ
આ અંગે કોર્પોરેટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, લોકોમાં પણ ખાસ કરીને બાળકો અને યુવાનોમાં જાગ્રતિ ફેલાવવાની સાથોસાથ પક્ષીઓ તેમ જ નાગરિકોને થતાં નુકસાન રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો. ફેડરેશને 12 હજારની કિંમતની ચીજવસ્તુઓ ઇનામમાં આપી હતી. વળી પાછું આ ઇનામ પણ તેમના અભ્યાસમાં કામમાં આવે તેવી વસ્તુઓ પસંદ કરવામાં આવી હતી.

શું શું વસ્તુઓ ઇનામમાં અપાઇ
- ચોક કલર
- પેન્સિલ કલર
- પેન
- નોટબુક
- ફૂલસ્કેપ ચોપડાં
- કંપાસ
- સ્ટીકર
- પાઉચ
- સ્કેચપેન
- પેન્સિલ, રબ્બર, ઇરેજરનો સેટ