ભુજ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કચ્છમાં બીજા ક્રમે ઠંડા બનેલા કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ બે ડિગ્રી ઊંચે ચડ્યો
કચ્છમાં ગત સપ્તાહના આરંભથી ઠંડીએ જોર પકડ્યું છે તેની વચ્ચે હવામાન વિભાગે શનિવારથી ઠંડીમાં ઘટાડો થવાની રાહતરૂપી સંભાવના દર્શાવી છે. નલિયામાં ન્યૂનતમ પારો 8.8 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો તો જિલ્લામાં મહત્તમ તાપમાન સરેરાશ બે ડિગ્રી જેટલું નીચે ઉતરતાં દિવસે પણ ટાઢોડું છવાયું હતું.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મોખરે રહીને શીતનગર બનેલા નલિયામાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું જેના પગલે ઠંડીની પક્કડ જારી રહી હતી. મહત્તમ ઉષ્ણતામાન બે આંક નીચે ઉતરીને 27.2 ડિગ્રી નોંધાયું હતું. કચ્છમાં બીજા ક્રમે ઠંડા બનેલા કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ બે ડિગ્રી ઉંચે ચડીને 11 ડિગ્રી થયું હતું પરિણામે ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં ઠંડીમાં આંશિક રાહત અનુભવાઇ હતી. જિલ્લા મથક ભુજમાં પારો ઉંચકાઇને 11.4 ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે કંડલા બંદરે લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી રહ્યું હતું.
દરમિયાન શનિવારથી ન્યૂનતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ઠંડીમાં રાહત રહે તેવી શક્યતા વેધશાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ અને લઘુતમ ઉષ્ણતામાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થાય તેમ જણાવાયું છે.