https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/ae-files16-01-2023730-x-5484_1673852972.gif
રાજકોટ7 મિનિટ પહેલા
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, અહીં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલને પણ અપગ્રેડ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ સગર્ભા મહિલાઓ, નવજાત શિશુને સારી સારવાર મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે માળિયાના ધ્રાબાવડની સગર્ભાને ગર્ભાશયના મુખને કવર થતાં ગર્ભાશયની કોથળી મુત્રાશય સાથે ચોંટી ગઈ હતી. તેમ છતાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો બ્લડ સહિતની તમામ તૈયારી સાથે હાઈ રિસ્ક ઓપરેશન હાથ ધર્યું હતું. આ હાઈ રિસ્ક ઓપરેશ દોઢ કલાક ચાલ્યું અને ડોક્ટરોને સફળતા મળતા રાહતનો શ્વાસ લીધો હતો. આ ઓપરેશન 95% જોખમી હતું, આમ છતાં તબીબોની મહેનતે મહિલા અને બાળકને નવી જિંદગી આપી છે.
મેલી ગર્ભાશયની દિવાલને ક્રોસ કરી ગઈ હતી
જૂનાગઢના માળિયા તાલુકાના ધ્રાબાવડ (ગીર) ગામે રહેતા હંસાબેન હરદાસભાઈ ચુડાસમાએ અગાઉ બે સિઝિરિયનથી બે બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં પુત્રની આશામાં ફરી સગર્ભા બનતા પ્રાથમિક સારવાર વેરાવળની ખાનગી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા. પૂરા માસે ડિલિવરી પૂર્વે સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરવામાં આવતા સગર્ભાને ગર્ભાશયની નીચે મેલી હોય તે ઉપરના ભાગે છે અને તે ગર્ભાશયની દિવાલને ક્રોસ કરી મુત્રમાર્ગ સુધી પહોંચી ગઈ હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું હતું.

માતા અને બાળકની તબિયત સ્વસ્થ.
પ્રસુતિની પીડા ઉપડતા સગર્ભાને રાજકોટ ખસેડાઇ
આવી સ્થિતિમાં ડિલિવરી થાય તેમ ન હોવાથી મહિલા દર્દીને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જોકે, ત્યાં પણ રિપોર્ટ જોઈ દર્દી માટે ડિલિવરી અતિ જોખમી હોવાનું જણાતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા જણાવ્યું હતું, આ વચ્ચે સર્ગભાને પ્રસુતિની પીડા પણ વધતા તાત્કાલિક રાજકોટ સિવિલમાં દાખલ કરાઇ હતી. અહીં ગાયનેક વિભાગના ડો.કવિતા દુધરેજીયાએ દર્દીને રિસિવ કરી દાખલ કરી તેના જરૂરી રિપોર્ટ અને સોનોગ્રાફી ફરીથી કરાવતા મેલી નીચેના ભાગે આવી ગર્ભાશયના મુખમાંથી મુત્રાશયને અડતી હોવાનું નિદાનમાં જોવા મળ્યું હતું.

મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.
નિષ્ણાત ડોક્ટરોની ટીમ બનાવી સર્જરી કરાઈ
આ અંગે તાકિદે સિવિલ સુપરિટેન્ટેન્ડ ડો.આર.એસ. ત્રિવેદીને દર્દીની સ્થિતિ વિશે જાણકારી આપી ઈમરજન્સી ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું. સુપરિટેન્ડેન્ટે પણ તાકિદે ગાયનેક વિભાગના વડા ડો.કમલ ગોસ્વામી સાથે વાતચીત કરી જરૂરી તબીબોની ટીમ બનાવી વ્યવસ્થા કરી ઓપરેશન સિવિલમાં જ સફળતાપૂર્વક કરવા માટે કહ્યું હતું. જેને લઈને માત્ર 30 મિનિટમાં જ એનેસ્થેસિયા, યુરોલોજી અને ગાયનેક વિભાગના નિષ્ણાતોની ટીમ બની રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની મદદથી ખૂબ જ ધીરજ અને સાવચેતીપૂર્વક સિઝિરિયન કરી બાળકની ડિલિવરી કરાવી હતી. ગર્ભાશયની નીચે આવેલી મેલી કે જે ગર્ભાશયની દીવાલને ક્રોસ કરી મુત્રાશય સુધી પહોંચી ગઈ હતી તેની સફળ સર્જરી કરી ગર્ભાશયની કોથળી પણ કાઢી માતા અને બાળકની બન્નેની જિંદગી બચાવી હતી.

ગાયનેક વિભાગના વડા ડો.કમલ ગોસ્વામી.
અમારા માટે પણ સર્જરી કરવી એક પડકાર જ હતો
મેડિકલ હિસ્ટ્રી વિશે ગાયનેક વિભાગના વડા ડો.કમલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દર્દી જે સ્થિતિમાં અહીં આવે તેમાં તેને અમદાવાદ રિફર કરી શકાય એવી કોઈ સ્થિતિ જ નહોતી. આથી અમારા માટે પણ સર્જરી કરવી એક પડકાર જ હતો. પરંતુ રિફર રેફરન્સના આધારે અમે સારવારને લઈને મેન્ટલી પ્રિપેર બની ગયા હતા. હવે શું જોઈએ તેની જ તૈયારી કરવાની હતી, રિફર રેફરન્સમાં જણાવાયા મુજબ આવી સ્થિતિમાં દર્દીને બ્લિડિંગ ખૂબ ઝડપથી અને એકદમ ફોર્સથી થવાની સંભાવનાઓ રહે છે અને જો આવું થાય તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

બાળક સાથે વ્હાલ કરતી માતા.
પાંચ બોટલ બ્લડ મગાવી રિઝર્વ રાખ્યું હતું
ડો.કમલ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આ માટે રેસિડેન્ટને જ સિવિલની પેથોલોજી બ્લડ બેન્કમાં મોકલી મહિલાના ગ્રુપને મેચ થતું પાંચ બોટલ બ્લડ મગાવી રિઝર્વ રાખ્યું હતું. જેથી કરીને અચાનક બ્લિડિંગ થાય અને બ્લડની જરૂરિયાત ઉભી થાય તો દર્દીના સગાને પણ બ્લડ માટે આમ તેમ ભટકવું ન પડે. બાદમાં રિપોર્ટ મુજબ મેલી પેશાબની કોથળીને ટચ થતી હોવાથી યુરોલોજીસ્ટની પણ જરૂર જણાતાં તેમને પણ બોલાવાયા હતા.

માતાની તબિયત સ્વસ્થ.
ગર્ભાશયને આખું બહાર કાઢી બારીકાઈથી મેલી દૂર કરી
ડો.કમલ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત એનેસ્થેટિસ્ટ અને ગાયનેક સર્જરી વિભાગના તબીબોની ટીમે મળી દોઢ કલાકના લાંબા ઓપરેશન બાદ ગર્ભાશયને આખું બહાર કાઢી એકદમ બારીકાઈથી મેલી દૂર કરી હતી. તેમજ ગર્ભાશયની કોથળી કાઢવામાં આવી હતી. આ સમયે જો ગર્ભાશયને સ્પર્શેલી મેલી જરા પણ ડેમેજ થાય તો બ્લડના ફૂંવારા છૂટવાની સાથે કલાકોમાં જ દર્દીનું મોત પણ થઈ શકે છે. એમ છતાં તમામ નિષ્ણાતોના ઓબ્ઝર્વેશન અને પોઝિટિવ એપ્રોચના કારણે આ રીતે સફળ સર્જરી થઈ હતી.