Ahmedabad Police busted moneylenders, more than five complaints

અમદાવાદ: રાજ્યભરમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ મુહિમ શરુ કરી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસે લાલ આંખ કરીને જેલમાં બંધ કરી દીધા છે. ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં છે. છેલ્લા બે દિવસમાં પાંચથી વધુ ફરિયાદો વ્યાજખોર વિરૂદ્ધ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે વ્યાજખોરોની ચરબી ઉતારી દીધી છે. જેના કારણે તે ભુગર્ભમાં ઉતરી ગયા છે.

વ્યાજખોરે 15 લાખ રૂપિયા વ્યાજ સહિતની રકમનો હીસાબ કાઢ્યો

ચાંદખેડા ગામમાં આવેલા લેઉવા વાસમાં રહેતા ભરતભાઇ પંચાલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દિનેશ રબારી (રહે દ્વારકેશ એપાર્ટમેન્ટ, ગોતા) વિરૂદ્ધ ધમકી તેમજ વ્યાજખોરીની ફરિયાદ કરી છે. ભરતભાઇ આરબીએલનું ક્રેડીટ કાર્ડ વાપરતા હતા. જેની ઉઘરાણી માટે દિનેશ રબારી આવતો હતો. દિનેશ રબારી ક્રેડીટ કાર્ડના રૂપિયા લઇને બેંકમાં જમા કરાવી દેતો હતો. જેથી તે ભરતભાઇ પંચાલને સારી રીતે ઓળખવા લાગ્યો હતો. ગતવર્ષે ભરતભાઇ પંચાલ પાસે ક્રેડીટ કાર્ડનું બીલ ભરવાના રૂપિયા નહીં હોવાથી દિનેશ રબારીએ તેમને પુછ્યા વગર બીલ ભરી દીધું હતું. બીલ ભરી દીધા બાદ દિનેશ રબારીએ એક દિવસનું એક હજાર રૂપિયા વ્યાજ ગણાવ્યુ હતું. ભરતભાઇની જાણ બહાર દિનેશે બીલ ભરી દેતા મામલો બિચક્યો હતો.

આ પણ વાંચો: ઘરમાં તાળું મારી ચાવી બુટમાં મૂકી ને કાંડ થયો, સોનું-રોકડ બધું જ સાફ થઇ ગયું

દિનેશે ધમકી આપીને એક હજાર રૂપિયા વ્યાજ અને બીલની રકમ પડાવી લીધી હતી. ત્યાર બાદ દિનેશ ભરતભાઇની જાણ બહાર ક્રેડીટ કાર્ડનું બીલ ભરી દેતો હતો અને બાદમાં એક દિવસના એક હજાર રૂપિયા વ્યાજ ગણતો હતો. જેમ-જેમ દિવસ થાય તેમ વ્યાજની રમક વધી જતી હતી. થોડા સમય પહેલા દિનેશે ભરતભાઇ પાસેથી 15 લાખ રૂપિયા વ્યાજ સહિતની રકમનો હીસાબ કાઢ્યો હતો. દિનેશે ભરતભાઇ પાસે દાદાગીરી કરીને કોરા ચેક અને નોટરી પણ કરાવી લીધી હતી અને બાદમાં 6.14 લાખનો ચેક બાઉન્સ કરાવીને ચેક રીર્ટનની ફરિયાદ પણ કરી લીધી. ભરતભાઇએ કોઇ રૂપિયા લીધા નહીં હોવા છતાંય દિનેશે ઉઘરાણી ચાલુ રાખતા અંતે ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પૈસા લેવા સારા લાગે છે અને આપવાના થાય ત્યારે નાટક કરે છે, કહીને યુવક પર તુટી પડ્યા 

રામોલ પોલીસ સ્ટેશનમાં પણ શીવાભાઇ રાઠોડ નામના યુવકે દિનેશ ગોસ્વામી, વિકાસ ઉર્ફે ક્ટ્ટા અને ઇલીયાસ અજમેરી વિરૂદ્ધ વ્યાજખોરી તેમજ મારમારીની ફરિયાદ કરી છે. શીવાભાઇ રામોલમાં આવેલા કર્ણાવતી મેગામોલ ખાસે કી.વી.એમ. ફાયનાન્સ સર્વિસિસ નામની ઓફિસ ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ચારેક મહિના પહેલા શીવાભાઇને રૂપિયાની જરુરીયાત હોવાથી તેમણે દિનેશ ગોસ્વામી, પાસેથી 2.45 લાખ રૂપિયા વીસ ટકા વ્યાજ પર લીધા હતા. શીવાભાઇ દિનેશ દરમહિને 50 હજાર રૂપિયા વ્યાજ પેટે આપતા હતા. ડિસેમ્બર સુધીમાં શીવાભાઇએ દિનેશ ગોસ્વામીને મુડી પેટે કુલ સાત લાખ રૂપિયા જેટલી રમક ચુકવી દીધી હતી.

ગઇકાલે શીવાભાઇ ઓફિસમાં હાજર હતા ત્યારે દિનેશ ગોસ્વામી, વિકાસ ઉર્ફે કટ્ટા, ઇલીયાસ અજમેરી આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તારે મને હજુ વ્યાજ અને પેન્લટીના પંદર લાખ રૂપિયા આપવાના બાકી નીકળે છે. તું મને આજે જ રૂપિયા આપી દે. શીવાભાઇએ રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા મામલો બિચક્યો હતો અને વ્યાજખોર દિનેશ ગોસ્વામી સહિત ત્રણેય જણાએ હુમલો કરી દીધો હતો. શીવાભાઇને માથામાં પાઇપ મારી અને છરી બતાવીને ધમકી આપી હતી કે, પૈસા લેવા સારા લાગે છે અને આપવાના થાય ત્યારે નાટક કરે છે. શીવાભાઇએ આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ સિવાય સેટેલાઇટ સહિત અલગ-અલગ જગ્યા પર પોલીસે વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી શરુ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

Previous Post Next Post