Sunday, January 8, 2023

Bharat Jodo Yatra: રાહુલ ગાંધીએ કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવારમાં પૂજા કરી, મહાઆરતીમાં થયા સામેલ

Bharat Jodo Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા’ રવિવારે સાંજે ધર્મનગરી કુરુક્ષેત્ર પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ બ્રહ્મસરોવર મંદિરની પ્રથમ તિર્થ પૂજા કરી હતી. આ પછી તેમણે મહાઆરતીમાં ભાગ લીધો હતો. અહીં પરાશક્તિ વેદ પાઠશાળાના ડાયરેક્ટર પંડિત બલરામ ગૌતમે રાહુલ ગાંધીને વિશેષ પૂજા કરાવી હતી.

જણાવી દઈએ કે 40 વર્ષ પહેલા અહીં રાહુલ ગાંધીના દાદી પૂર્વ પીએમ સ્વ. ઈન્દિરા ગાંધી આવ્યા હતા. આ પછી 39 વર્ષ પહેલા રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને થોડા વર્ષો પહેલા માતા સોનિયા ગાંધી પણ અહીં આવી ચુક્યા છે.

કુરુક્ષેત્રમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને કહ્યું કે તેમની ‘ભારત જોડો યાત્રા’ સમાજમાં ફેલાયેલી નફરત અને ભય તેમજ બેરોજગારી અને મોંઘવારી વિરુદ્ધ છે. આપણે તેને ‘તપસ્યા’ તરીકે જોઈ રહ્યા છીએ. પદયાત્રા તપસ્યા અને આત્મચિંતન માટે છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભાજપ અને આરએસએસ ‘તપસ્યા’ નું સન્માન કરતા નથી, પરંતુ તેઓ ઈચ્છે છે કે જેઓ તેમની પૂજા કરે  તેમનું જ સન્માન આપવામાં આવે.

રાહુલ ગાંધી બીજી વખત કુરુક્ષેત્ર પહોંચ્યા

જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની કુરુક્ષેત્રની આ બીજી મુલાકાત છે. અગાઉ કોંગ્રેસે ઓક્ટોબર 2020ના રોજ હરિયાણામાં ‘કિસાન બચાવો-ખેતી બચાવો’ યાત્રા કાઢી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પોતે ટ્રેક્ટર ચલાવીને ટ્યૂકર બોર્ડરથી કુરુક્ષેત્ર આવ્યા હતા. તેઓ પિહોવા થઈને કુરુક્ષેત્ર અનાજ બજાર પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતોને સંબોધિત કર્યા હતા.

નોંધનીય છે કે હરિયાણામાં 21 થી 23 ડિસેમ્બર સુધીની યાત્રાના પ્રથમ તબક્કામાં 130 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું અને તે નૂહ, ગુરુગ્રામ અને ફરીદાબાદ જિલ્લામાંથી પસાર થઈ હતી. આ યાત્રા ઉત્તર પ્રદેશથી ફરી ગુરુવારે સાંજે હરિયાણાના પાણીપતમાં પ્રવેશી હતી. ‘ભારત જોડો યાત્રા’ 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેનું સમાપન થશે.

બ્રહ્મા સરોવરને લઈ માન્યતા 

પૌરાણિક રીતે મહત્વપૂર્ણ બ્રહ્મ સરોવર વિશે એવી માન્યતા છે કે જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે આ તેમનું મુખ્ય મંદિર હતું. તેને આદિ સરોવર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અમાવસ્યા અને સૂર્યગ્રહણના સમયે અહીં તમામ દેવતાઓનો વાસ હોય છે. 

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.