Monday, January 9, 2023

અમદાવાદઃ બાપુનગરમાં નજીવી બાબતે વિવાદ થતા એક વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં નજીવી બાબતમાં એક વ્યક્તિને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આરોપી ચાલતા ચાલતા વિજય ઠાકોર નામના વ્યક્તિને અથડાયો હતો. જેથી વિજયે તેને જોઇને ચાલવાનું કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી વિજયે ગાળો બોલવાની ના પાડતાં જ આરોપી રાહુલે ‘હું ચંદુલાલની ચાલીનો માથાભારે ડોન રાહુલ ઉર્ફે ચડ્ડી..મારા બાપનું નામ રમેશભાઇ છે.’ તેમ કહીને બોલાચાલી ઝઘડો કરીને છરીના ઘા મારી દીધા હતાં. જેમાં વિજય ઠાકોરને ગંભીર ઇજા પહોચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બાપુનગરમાં બની ઘટના

મળતી માહિતી પ્રમાણે, પ્રેમ દરવાજા વિસ્તારમાં રહેતા ભીખાભાઇ ઠાકોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ગઇકાલે સાંજના સમયે તેઓ ઘરેથી બાપુનગર ભીડભંજનમાં આવેલા ગંગાનગરમાં તેમના સસરાના ઘરે ગયા હતાં. જો કે. તેમના સાઢુના દીકરાના ઘરે પુત્રનો જન્મ થયો હોવાથી તેમના સાળા વિજય ઠાકોર સાથે બાપુનગર ચંદુલાલની ચાલીમાં થઇને ખાડાવાળી ચાલીમાં જઇ રહ્યા હતાં. સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ તેઓ ચંદુલાલની ચાલીમાં ખુલ્લા મેદાનમાં ચાલતા ચાલતા જઇ રહ્યા હતાં. ત્યારે અચાનક જ એક અજાણ્યો વ્યક્તિ આવીને વિજય ઠાકોરને અથડાયો હતો.

ધડાધડ છરીના ઘા ઝીંકતા મોત

આ દરમિયાન વિજય ઠાકોરે તેને જોઇને ચાલવાનું કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, ‘હું ચંદુલાલની ચાલીનો માથાભારે ડોન રાહુલ ઉર્ફે ચડ્ડી… મારા બાપનું નામ રમેશભાઇ છે. તારે જે થાય એ કરી લેવાનું મને કાંઇ કહેવાનું નહીં.’ એમ કહીને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. વિજય ઠાકોરે તેને ગાળો બોલવાની ના પાડતાં જ આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તમે બંને આ ચાલીમાં પહેલી વખત જોવા મળ્યા છો, તમને આ રાહુલ ચડીના કારનામાની ખબર નથી. તેમ કહીને છરી કાઢી વિજય ઠાકોરને છરીના ઘા મારી દીધા હતાં. જેમાં ગંભીર રીતે ઇજા પહોંચતા વિજય ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે, બીજી તરફ ઘટનાની જાણ થતાં જે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યાં હતાં.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.