આંબામાં રોગ લાગુ પડતા ખેડૂતો-ઇજારદાર ચિંતામાં
ગીર-સોમનાથનો તાલાળા, કોડીનાર અને ગીર-ગઢડા વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણાય છે. અહીંની કેસર કેરી દેશ-વિદેશમાં વખણાય છે. કેરી ફળોની રાણી અને રાજા છે. એમાં પણ કેસર કેરીની તોલે કોઈ ન આવે. ગીર વિસ્તારમાં હજારો હેક્ટરમાં કેસર કેરીનાં બગીચાઓ આવેલા છે. સેંકડો ખેડૂતો આ કેસર કેરીની બાગાયત ખેતી પર નિર્ભર છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા પાંચેક વર્ષથી કેસર કેરીના ઉત્પાદનમાં ઉત્તરોત્તર ઘટાડો થતો રહ્યો છે. વર્તમાન સમયમાં આંબા પર સમયસર મોર આવ્યા હતા. આ વખતે સારા એવા પ્રમાણમાં આંબે મોર આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. ત્યાં જ છેલ્લા કેટલાક દિવસથી અતિભારે ઝાંકળ પડવાની શરૂ થતાં આંબા પરના મોર કાળા પડી ખરવા લાગ્યા છે, તો આંબામાં મધિઓ, થ્રિપ્સ અને ભૂકીછારો જેવા રોગોએ માથું ઊંચક્યું છે. આથી ખેડૂતોમાં ફરી ચિંતા વ્યાપી છે. કેસર કેરીની સાથે ખેડૂતોની અને ઇજારદારની પણ કઠણાઈ બેઠી છે.
ઝાકળવર્ષાને લીધે પાક બગડ્યો
ગીરમાં પાકતી વિશ્વ વિખ્યાત કેસર કેરીની વાત કરીએ તો, કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા 6થી 7 વર્ષથી ક્રમશઃ ઘટી રહ્યું છે. આથી કેરીના બગીચાઓ ધરાવતાં ખેડૂતો ચિંતિત બન્યાં છે. કેરીનાં પાકને જાણે હવામાનનું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત કેરીનો પાક ઘટી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે શિયાળો શરૂ થયો. શરૂઆતમાં જે ઠંડી પડવી જોઈએ તે પ્રમાણે ના પડી. પછી અચાનક જ તીવ્ર ઠંડી પડી અને હવે છેલ્લા કેટલાક દિવસથી પુષ્કળ ઝાકળવર્ષા થવા લાગતા આંબામાં આવેલું ફલાવરિંગ બળવા લાગ્યું છે અને કેસર કેરીમાં મધિયો, ભૂકીછારો જેવા રોગોએ માથું ઉંચકતા ફલાવરિંગમાં ફૂગજન્ય રોગોને લીધે ફલાવરિંગ ખરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતના નવા DGP કોણ હશે? આ અધિકારીઓના નામ ચર્ચામાં
કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોની વ્હારે આવ્યાં
પ્રથમ તબક્કામાં કમોસમી વરસાદ વિલન બન્યો તો ત્યારબાદ અચાનક જ વિષમ હવામાને ચિંતા ઉભી કરી છે. હવે થોડાં સમય પહેલાં બીજા તબક્કાનું ફલાવરિંગ શરૂ થયું છે. ત્યાં જ ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો ઘાટ ઘડાયો છે. સતત ઝાકળવર્ષા થવા લાગતા કેસર પકવતા ખેડૂતોના મોઢેથી કોળિયો ઝૂંટવાઈ જતો હોય તેવું લાગી રહ્યું છે. આવા સમયે કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોની વ્હારે આવ્યા છે. આવી વિષમ પરિસ્થિતિમાં ખેડૂતોએ આંબા પર જૈવિક જંતુનાશક દવાનો યોગ્ય છંટકાવ સમયાંતરે કરતો રહેવો જોઈએ. તેમજ હાલ થોડાં દિવસ માટે આંબાના બગીચાઓમાં પાણી ન આપવું જોઈએ. જમીનને થોડી સૂકાવવા દેવી જોઈએ. જૈવિક જંતુનાશક દવાઓ આ સમયે વધુ કામ આપી શકે. લીંબોળીના તેલમાં બીવેરિયા બાજીયા જૈવિક દવા મેળવીને છંટકાવ કરવાથી સારૂં પરિણામ મેળવી શકાય. વધારે પડતું નુકશાન હોય ત્યારે સાયપરમેથીન જેવી રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ જો યોગ્ય માત્રામાં કરવામાં આવે તો મોર બળી જતો બચાવી શકાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gir Somnath news, Kesar, Kesar keri, Kesar mango