https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/untitled_1673846000.jpg
રાજકોટ13 મિનિટ પહેલા
કાર ચાલે તેવી સ્થિતિમાં ન હોવાથી ધારાસભ્યના કાફલાને અન્ય કારમાં બેસાડી રવાનો કર્યો હતો.
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો કાર અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. ગત રાત્રે ઉપલેટાના વડલી ચોક પાસેથી મહેન્દ્ર પાડલિયા કારમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે ડ્રાઇવરની ભૂલને કારણે કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઇ હતી. જોકે, આ બનાવમાં કારમાં સવાર મહેન્દ્ર પાડલિયાને કોઈ જાતની ઇજા પહોંચી નહોતી. બાદમાં કાર ચાલે તેવી સ્થિતિમાં ન હોવાથી ધારાસભ્યને અન્ય કારમાં રવાના કરવામાં આવ્યા હતા.
અકસ્માત સામાન્ય હોવાથી મોટી દુર્ઘટના ટળી
ઉપલેટાના વડલી ચોક નજીક ધારાસભ્યની કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઇ હતી. જોકે કારની સ્પીડ ધીમી હોવાને કારણે કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ નહોતી. સામાન્ય અકસ્માતને કારણે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી અને ધારાસભ્યનો આબાદ બચાવ થયો હતો. આ બનાવમાં કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે.

કારા આગળના ભાગે થોડું નુકસાન પહોંચ્યું.
ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી
ધારાસભ્યની કાર અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. ઘટના સમયે પ્રત્યેક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે કાર થાંભલા સાથે અથડાઇ હોવાથી અકસ્માત થયો હતો. કાર ચાલી શકે તેમ ન હોવાથી ધારાસભ્ય સહિતના કાફલાને અન્ય કારમાં બેસાડી રવાના કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઇ હતી.
ગઇકાલે બોલેરોનો દરવાજો ખૂલી જતાં છ નીચે પટકાયા હતા
ગઈકાલે જેતપુરમાં જેતલસર ચોકડી પાસેના ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતી વખતે બોલેરો જીપનો દરવાજો એક મોટો ખાડો આવતા ખૂલી ગયો હતો અને બોલેરોમાં સવાર છ વ્યક્તિ નીચે પટકાયા હતા. જેમાંથી પાંચને નાની મોટી ઇજા પહોંચી હતી, જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું. ઘાયલોને તાબડતોબ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
મહિલાનું મોત, પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી
આ બનાવમાં કેશોદના પાડોદર ગામનો રાવલિયા પરિવાર ગઈકાલે રાજકોટ ખાતે એક સગાઈમાં બોલેરો જીપ લઈને જતો હતો. ત્યારે આ બોલેરો જીપ જેતપુર શહેરના તત્કાલ હનુમાન ચોકડી પાસેના ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતા સમયે પુલ પર એક મોટો ખાડો આવતા બોલેરોનું પાછળનો દરવાજો એકાએક ખૂલી જતાં બોલેરોમાં સવાર છથી સાત વ્યક્તિ નીચે પટકાયા હતાં. જેમાંથી ધાનીબેન પ્રવીણભાઈ રાવલિયા (ઉ.વ.45) નામની મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર આપી રજા આપવામાં આવી હતી.
રાજકોટ નજીક યુવકની કાર પલટી ખાઇ જતાં મોત
મકરસંક્રાંતિના દિવસે રાજકોટ-ભાવનગર હાઇવે પર કાર પલટી ખાઇ જતા યુવાનનું મોત નીપજ્યું હતું. સોખડા ગામે રહેતા રાજુ કિશોરભાઇ સોલંકી નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, નવાગામ રહેતા મોટાભાઇ દીપકભાઇ ઉત્તરાયણની સાંજે કૌટુંબિક ભત્રીજા ચિરાગ સાથે કાર લઇ રાજાવડલા ગામે પિયર ગયેલા ભાભીને તેડવા જતા હતા. ત્યારે સરધાર ગામ નજીક પહોંચતા અચાનક મોટાભાઇ દીપકભાઇએ કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. ડિવાઇડર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં ભત્રીજા ચિરાગનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે મોટાભાઇ દીપકભાઇને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના બનાવથી હાઇવે પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતા અને કોઇએ 108ને જાણ કરતા તુરંત એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઇ હતી. 108ની તપાસમાં દીપકભાઇનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.