અમદાવાદમાં G20 થીમ પર યોજાશે પતંગોત્સવ, 8 જાન્યુઆરીએ રાજ્યપાલ કરશે ઉદઘાટન | Kite festival to be held on G20 theme in Ahmedabad, governor to inaugurate on January 8

અમદાવાદ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં કોરાનાના કારણે 2 વર્ષ સુધી પતંગોત્સવ યોજાયો નથી. પરંતુ હવે પતંગરસીકો માટે નવા વર્ષમાં પતંગોત્સવ યોજાવાના સારા સમાચાર આવ્યા છે. 8થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અને ગુજરાતભરના શહેરોમાં પતંગોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા G-20ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આયોજિત કરવામાં આવશે. દેશ-વિદેશના અનેક પતંગરસિકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે, જેમાં G-20 દેશોના પતંગરસિકો પણ સામેલ થશે.

મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યપાલ કરશે ઉદઘાટન
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8 જાન્યુઆરીએ સવારે 8 કલાકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળૂ બેરા પણ ઉદઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.

મકરસંક્રાતિએ સૂર્યનમસ્કર, G-20 પરેડ કરાશે
મકરસંક્રાંતિએ ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યનું આગમન થાય છે. તે માટે સૂર્યનમસ્કારનું પ્રદર્શન કરવામાં આવશે. કાર્યક્રમના પ્રથમ દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તમામ પતંગરસિકો G-20ના લોગો પ્રિન્ટ કરેલા ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે.

એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની થીમ
મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)ની થીમ સાથે G-20ના લોગોવાળા એક વિશેષ ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે. પતંગોત્સવમાં G-20નો લોગો પ્રિન્ટ કરેલી પતંગો આકાશમાં ઊડતી જોવા મળશે.

દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે. પતંગો બનાવવા અને ઉડાવવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.

શા માટે G-20ની થીમ?
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022થી ભારતે G-20ની અધ્યક્ષતા સંભાળી છે. જેથી ભારતભરમાં G-20નો અર્થ શું છે તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ધ ગ્રુપ ઓફ 20 (G-20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી G-20ની અધ્યક્ષતા કરવાનું છે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકોનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post