Ahmedabad: જાણીતા લેખક અને પત્રકાર રમેશ તન્નાનું, પોઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનું નવમું પુસ્તક “સમાજની શ્રદ્ધા”નું લોકાર્પણ નવમી જાન્યુઆરી,2023,સોમવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના જે.બી એડિટોરિયમમાં સમાજ નાયકોના હસ્તે થશે. આ પુસ્તકમાં સમાજ માટે હકારાત્મક, માનવીય અને સેવાકીય કાર્યો કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે લખવામાં આવ્યું છે.248 પાનાંના આ પુસ્તકમાં કુલ 51 પોઝિટિવ સ્ટોરીઝનો સમાવેશ થયો છે. રમેશ તન્ના 2011 થી સોશિયલ મીડિયામાંપોઝિટિવ સ્ટોરીનું આલેખન કરે છે.2019થી તેમણે આ પોઝિટિવ સ્ટોરીઝ્ને પુસ્તક આકાર આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી પોઝિટિવ સ્ટોરીઝ્ શ્રેણીનાં કુલ આઠ પુસ્તકો પ્રકાશિત થઈ ગયાં છે.“સમાજનું અજવાળું”,“સમાજની સુગંધ”,“સમાજની સંવેદના”,“સમાજની કરુણા”,“સમાજની નિસબત”, “સમાજની સુંદરતા”,“સમાજની સારપ” અને “સમાજની મિત્રતા” એ આઠ પુસ્તકોનું લોકાર્પણ પણ અનોખી રીતે કરવામાં આવ્યું હતું. મોટાભાગે તેઓ વહેલી સવારના સમયે જાહેર બગીચામાં સમાજ નાયકોના હસ્તે પોતાનાં પુસ્તકોનું લોકાર્પણ કરે છે.કાર્યક્રમના અધ્યક્ષ સૂર્યનારાયણ ભગવાન, કાર્યક્રમનાં મુખ્યમહેમાનો વૃક્ષો અને કાર્યક્રમના અતિથિવિશેષ પક્ષીઓ હોય છે. આવા સમયે ગીત-સંગીત અને નૃત્યના કાર્યક્રમો પણ યોજાય છે. સવારમાં સાત વાગે પુસ્તક લોકાર્પણમાં 250-300 કે તેનાથી વધારે લોકોની હાજરી હોય છે. આ નૂતન અભિગમ બધાંને ખૂબ ગમ્યો છે. પર્યાવરણની સાથે રહીને પણ કાર્યક્રમ કરી શકાય તેવો અભિનવ પ્રયોગ તેમણે કર્યો છે.
રમેશ તન્નાએ પોઝિટિવ સ્ટોરી શ્રેણીનાં કુલ 10 પુસ્તકો પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. આ શ્રેણીનું દસમું પુસ્તક “સમાજનો છાંયડો”ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે. આ તમામ પોઝિટિવ સ્ટોરીની સમાજ ઉપર ઘણી મોટી અને હકારાત્મક અસર પડી છે. વાચકોએ આ શ્રેણીનાં પુસ્તકો હોંશે હોંશે વાંચ્યાં છે. ભેટ આપવા માટે પણ આ શ્રેણીનાં પુસ્તકો ઉત્તમ ગણાય છે. પુસ્તકો વાંચીને કોઈની હતાશા ગઈ છે, તો અનેક લોકોને જીવન જીવવાની નવી દિશા મળી છે. નવો વિચાર અને નવો ઉન્મેષ મળ્યો છે. કોરોનાકાળમાં આ શ્રેણીનાં પુસ્તકોએ લોકોને હિંમત અને બળ આપ્યાં હતાં. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ સહિત ઘણાં સ્થળોએ દર્દીઓએ આ પુસ્તકો વાંચીને મનોબળ ટકાવી રાખ્યું હતું. સમાજમાં ઘણું બધું સારું છે ,જીવન જીવવા જેવું છે, અનેક લોકો ભલા અને સારા છે અને સુંદર કાર્યો કરી રહ્યા છે, એવો સંદેશ પામીને વાચકોને ઘણી પ્રેરણા મળે છે. આ પુસ્તકની અનેક સ્ટોરી સોશિયલ મીડિયામાં અગરબત્તીની સુગંધની જેમ પ્રસરી છે. આ કથાઓની મદદથી સંસ્થાઓને લાખો રૂપિયાનાં અનુદાનો મળ્યાં છે. સમાજના જુદા જુદા ક્ષેત્રની વૈવિધ્યસભર કથાઓ હોવાથી વાચકોનો રસ ટકી રહે છે. કથાઓના લેખનની શૈલી સાદી, સરળ છે. એકવાર વાચક વાંચવાનું શરૂ કરે પછી વહેતા પ્રવાહમાં આગળ વધે છે. પ્રસન્નતા, પોઝિટિવિટી અને પ્રેરણાથી છલકાતાં આ પુસ્તકોએ સમાજમાં હકારાત્મકતાનો પ્રસાર કર્યો છે. સમાજનું અજવાળું અને સમાજની સુગંધ પુસ્તકને ઈનામો પણ મળ્યાં છે.