પ્રમુખસ્વામીએ બાળકોના તમામ ભવ પૂરા કરી માગણીઓને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે
જેમ ઘરનો ઓરડો સાફ કરવાની સાવરણી જુદી હોય, આંગણું સાફ કરવાનો સાવરણો જુદો હોય, ઘર આગળનો રસ્તો સાફ કરવાનો સાવરણો પણ જુદો હોય તથા કપડાં સાફ કરવાનું બ્રશ જુદુ ને દાંત સાફ કરવાનું બ્રશ જુદું. તેમ બાળકને પણ સંસ્કાર આપવાની રીત જુદી હોય તે આપણે જાણવી જોઈએ.
પ્રમુખસ્વામી મહારાજની સંસ્કારસિંચન કરવાની રીત કંઈક જુદી હતી. પ્રમુખસ્વામીએ બાળકોના તમામ ભવ પૂરા કર્યા છે. તમામ મગણીઓને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે.
આપનું આસન બહુ ઊંચું છે તો મને દર્શન બરાબર થઈ શક્યા નહીં
એક વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા હરિભક્તો લાઇનમાં આવી રહ્યા હતા. આ દરમ્યાન એક બાળક આવ્યો. પ્રમુખસ્વામી મહારાજને ચિઠ્ઠી આપી નીકળી ગયો. ચિઠ્ઠી પ્રમુખસ્વામી મહરાજે સાચવી રાખી. એમાં લખ્યું હતું કે આપનું આસન બહુ ઊંચું છે તો મને દર્શન બરાબર થઈ શક્યા નહીં. તરત જ આયોજક સંતોને બોલવી સૂચના આપી હવેથી મારું આસન નીચું રાખવું. જેથી બાળકોને પણ વ્યવસ્થિત મળી શકાય.
પ્રમુખસ્વામી મહારાજ માટે બાળક-વૃદ્ધ, અમીર-ગરીબ, આદિવાસી-અમેરિકાવાસી બધા એક સમાન હતા. તમામને એક સરખો પ્રેમ અને હુંફ આપતા. પ્રમુખસ્વામી મહારાજ દેવગઢબારિયા બાજુ વિચરણ કરી રહ્યા હતા. એક દિવસ મલાવ ગામના શંભુ નામના બાળકે પ્રમુખસ્વામી મહારાજને તેના ઘરે પધરામણી કરવા માટે આમંત્રણ આપ્યું.
સાંજના સમયે દેવગઢબારિયાથી નીકળી આગળના વિચરણ માટે જવા નીકળ્યા ત્યારે મલાવ ગામ થઈને ગાડી ચલાવવા પ્રમુખસ્વામી મહારાજે ચાલકને કહ્યું. રાતનો સમય અને રસ્તો પણ ખરાબ છતાં પ્રમુખસ્વામી મહારાજે શંભુના ઘરે પધરામણી કરી અને એક નાના સામાન્ય પરિવારના બાળકને રાજી કર્યો. કારણ કે પ્રમુખસ્વામીને સંસ્કારી બાળકો તૈયાર કરવા હતા.
આવી રીતે બાળકોના મન સાચવતા, રમાડતા, જમાડતા અને સાથે સાથે સંસ્કાર અને સદાચારના ગુણોનું સિંચન કરતાં. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે તમે તમારા બાળકને સંસ્કાર આપો. જો આપણે સંસ્કાર નહિ આપીએ તો બાળક આપણા લાખ રૂપિયાને પણ ખાખ કરતાં વાર નહિ લગાડે.
કોઈને પૂછ્યા વગર કોઈ વસ્તુ લેવી તે ચોરી કહેવાય
પ્રમુખસ્વામી મહરાજ લંડનમાં બિરાજમાન હતા. આ સમયે એક તિલક નામના બાળકને વિચાર આવ્યો કે પ્રમુખસ્વામી મહારાજની પૂજામાં જે પુષ્પો આવે છે તેની સેવા આપણે કરવી છે. આજુબાજુના બધા ઘરોમાં ફરીને તેમનો સંપર્ક કરીને બધા ઘરેથી થોડા થોડા ફૂલ લેવા માટે નક્કી કર્યું. એક દિવસ વધારે ફૂલો આવતા પ્રમુખસ્વામી મહારાજે તિલકને પૂછ્યું કે આજે કેમ વધારે ફૂલ છે.
ત્યારે આ બાળકે કહ્યું કે આજે બીજા ફૂલો ખીલ્યા હતા. જે લઈ આવ્યા. ત્યારે પ્રમુખસ્વામી મહરાજે પૂછ્યું કે માલિકને પૂછીને લીધા કે પૂછ્યા વગર. ત્યારે બાળક કંઈ જવાબ ના આપી શક્યો અને માથું નીચું કરીને ઊભો રહ્યો. આ સમયે પ્રમુખસ્વામી મહારાજે પ્રેમથી બાળકને સમજાવતા કહ્યું કે પૂછ્યા વગર લેવું તે ચોરી કહેવાય.
આ બાળકને ટેબલ ટેનિસ રમવાનો ખૂબ શોખ હતો. એક દિવસ આ બાળક ટેબલ ટેનિસના બોલ લેવા માટે દુકાન પર જાય છે. દુકાન પર કોઈ હતું નહીં અને બાળકને ઉતાવળ હતી. એટલે પ્રથમ બાળમાનસથી વિચારતા બોલ લઈ ખિસ્સામાં નાખવાનો પ્રયત્ન કર્યો. ત્યારે બાળકને પ્રમુખસ્વામીના એ વચનો યાદ આવ્યા અને બોલ મૂકી દીધો. આ બાળક મોટો થઈને સાધુ બન્યો. આ બાળક એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી.
આમ પ્રમુખસ્વામી મહારાજ બાળકોને પ્રેમપૂર્વક સાચવતા અને સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરતાં. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે આવા હજારો બાળકોને હૂંફ અને પ્રેમ આપી સંસ્કારોનું સિંચન કર્યું છે. એક કાચનો ગ્લાસ નંદવાય નહિ તે માટે કેટલા સજાગ રહીએ છીએ. તો આપણા બાળકના સંસ્કારો નંદવાય નહિ તેની થોડી પણ દરકાર નહિ? માટે મા-બાપે જાગ્રત થઈ બાળકના સંસ્કાર માટે કટિબદ્ધ થવાનું હોય છે. બાળકની પ્રગતિ કે અધોગતિ માટે મા-બાપ પણ જવાબદાર નીવડે છે.
પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સંસ્કાર સિંચવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. એક માતા-પિતાની જેમ જ વાણી, વિવેક, ચોરી ન કરવી, સ્વાવલંબી જીવન, આદર્શ વર્તન, એકતા, સાદગી, કુસંગ, ત્યાગ, માતા-પિતા અને વડીલોનો આદર અને ચારિત્ર્યવાન બનવું. આવા કંઇક કેટલાય સંસ્કાર પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સિંચ્યા છે.
આજ કાર્ય આજે પ્રગટ બ્રહ્નસ્વરૂપ પ. પૂ. મહંતસ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. અહીં પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી 15,000 જેટલા બાળકો આજે શતાબ્દી મહોત્સવની સેવામાં પણ કાર્યરત થાય છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ બાળકોમાં સંસ્કારના સિંચન થાય તે માટે વિશાળ બાળનગરીની પણ રચના કરવામાં આવી છે.
અહીં પ્રદર્શિત કરવામાં આવતી વિવિધ કૃતિઓથી પ્રેરિત થઈ અહીં 15,000 વધુ બાળકોએ માતા-પિતાને આદર કરવો, ભગવાનને પ્રાર્થના કરવી, સારા પુસ્તકોનું વાંચન કરવું, ઈન્ટરનેટ અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સારો અભ્યાસ કરવો વગેરે નિયમો ગ્રહણ કર્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav