https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/khabardar-jamadar-logo730-x-548okfinal_1674055030.gif
- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- What Is Really About Jawahar Dahia’s Suspension? A Single Discussion In The Police Station, In The Chamber Of An IPS, The Diary Of MLA’s Men Is Going On!
અમદાવાદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક

સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ચાલતી ગપસપને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ એટલે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ કરાયો છે.
બહુ ચગેલા ડિંગુચા ઇમિગ્રેશન કેસના આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલના (SMC) PI જવાહર દહિયાનું સસ્પેન્શન ક્યાં અટક્યું છે એ અત્યારે આખા રાજ્યના પોલીસ બેડાનો સૌથી મોટો કોયડો છે. બોબી પટેલ વિરૂદ્વ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસ પોતાના પાસે ન હોવા છતાંય, તેની પૂછપરછ કરવા PI દહિયા પહોંચી ગયા હતા. આ વિગતો બહાર આવતા SMCના એસપી નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં PI દહિયાની શંકાસ્પદ ભૂમિકા બહાર આવતા DGPને રિપોર્ટ કરાયો હતો. ખુદ ગૃહરાજ્યમંત્રીએ PI દહિયાને સસ્પેન્ડ કરવા DGPને જણાવ્યું હોવાના પણ અહેવાલો છે. પરંતુ કોઈ અકળ કારણોસર DGP ઓફિસમાંથી PI દહિયાના સસ્પેન્શનના ઓર્ડર નિકળી રહ્યા નથી. હવે વર્તમાન DGP આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થાય છે તો તે પહેલાં PI દહિયાના સસ્પેન્શનના ઓર્ડર નિકળે છે કે કેમ એ સૌથી મોટી ચર્ચાનો વિષય છે. આ બધું તો ઠીક છે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઈન્ટરનેશનલ લેવલે ચગેલા આટલા મોટા હાઈપ્રોફાઈલ કેસમાં પણ ગુજરાત પોલીસના કોઈ અધિકારી ગોબાચારી કરી જાય અને પગલાં સુદ્ધાં ન લેવાય. જરા વિચારી જુઓ કે પોલીસતંત્રમાં કેટલે ઊંડે સુધી ભ્રષ્ટાચારનો લૂણો લાગેલો છે!

પોલીસ સ્ટેશનમાં જ ‘ગોલ્ડનમેન’નું વીડિયો શુટીંગ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ સ્ટેશનમાં ગોલ્ડનમેન સાથે શૂટિંગ કરવા દીધું હોવાનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં આ પોલીસ ઇન્સ્પેક્ટર હતા ત્યારે ગોલ્ડ પ્લેટેડ કાર પોલીસ સ્ટેશનમાં આવે છે તેના વીડિયો તેમજ ગોલ્ડનમેન તેમની બાજુમાં બેઠો હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ શોખીન પોલીસ ઇન્સ્પેક્ટર હવે શહેરના અતિપોશ વિસ્તારમાં ફરજ બજાવે છે. અગાઉ તેમના નવા વિસ્તારમાં ગોલ્ડન કાર તો ના આવી પણ દારૂની ગાડીઓ કટીંગ થતી હતી અને તેમને ખબર ન હતી તે સમયે જ વિજિલન્સ અહીંયા રેડ કરી હતી. હવે આ વીડિયો અને વિજિલન્સની રેડનો વીડિયો અલગ-અલગ વાતો ઉભી કરી રહ્યા છે.
કરસનકાકા આવે અને PI નતમસ્તક થઈ જાય
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તાજેતરમાં એક PIની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી. આ PI ઘણા સમયથી પોતાના ઉપરી અધિકારીથી નારાજ હતા. તે સમયે તેમનો બદલીને ઓર્ડર થતા અધિકારીને તેમની વચ્ચે અણબનાવ સ્પષ્ટ થયો હતો. હવે તેમની જગ્યાએ એક નવા ઈન્સ્પેક્ટર આવ્યા છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર ચેમ્બરમાં હોય ત્યારે આ વિસ્તારના એક કરસનકાકા ત્યાં આવે છે. કરસનકાકા PIની ચેમ્બરમાં બેઠા હોય ત્યારે કોઈની પણ અંદર જવાની તાકાત નથી હોતી. કારણ કે ત્યાં કરસનકાકા બેઠા હોય છે. આમ તો કરસનકાકા કોઈ સેલિબ્રિટી નથી પણ પોતે સરકારના અધિકારીઓને ઓળખે છે તેવી વાતો કરે છે. અથવા તો સરકારમાં તેમની મોટી પહોંચ છે તેવા ફાંકા મારે છે અને PI પણ તેમની વાતે હા એ હા કરે છે. આ PIને મળવા જવું હોય ત્યારે લોકો પૂછે છે કરસનકાકા તો અંદર નથી ને.. એટલે જ તો તમામ કામ છોડીને PIને કરસન કાકાને પ્રાથમિકતા આપવાની ફરજ પડી છે.

IPS ચેમ્બરમાં MLAના માણસોને બેસાડીને ડાયરો કરે
ગુજરાત સરકારમાં અતિમહત્વની ગણાતી જગ્યા પર એક IPS અધિકારી પોતાના કામના કારણે નહીં પણ તેમને મળવા આવનાર લોકોના કારણે ચર્ચામાં છે. ઘણી વખત એવું હોય છે કે પોલીસ અધિકારીને મળવા માટે ફરિયાદીઓ આવતા હોય છે પરંતુ અધિકારી સામેથી કેટલાક લોકોને બોલાવે છે. તેઓ સામાન્ય વ્યક્તિ નહીં પણ એક MLAના નજીકના લોકોને બોલાવે છે. એટલે આ MLAને કેવું છે, કોઈ તકલીફ નથી ને હોય તો મદદ કરશે એવા બણગાં આ IPS મારે છે. એટલે આ રીતસરનો ડાયરો ચાલે ત્યારે અન્ય કર્મચારી તેમની ચેમ્બરમાં જઇ શકતા નથી. આ ડાયરાને લીધે MLA તો ઠીક, પરંતુ તે IPS પણ આખા સચિવાલયમાં ફેમસ થઈ ગયા છે.
લિકર પરમિટ હોવા છતાં પોલીસે 6 આંકડાનો તોડ કર્યો
રાજકોટમાં પોલીસ અને તોડપાણીને બહુ ઘેરો નાતો થઈ ગયો હોય તેમ લાગે છે. આ પ્રકરણને નવી એક ચર્ચાસ્પદ ઘટના શહેરના નવા 150 ફૂટ રિંગરોડ પરના એક પાર્ટીપ્લોટમાં બની છે. થયું એવું કે અહીં લિકર પરમીટ ધરાવતા ચાર મહારાષ્ટ્રિયન દારૂ પી રહ્યા હતા. દરમિયાન પોલીસને ટીપ મળતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. જો કે આ દરમિયાન ચારેય શખ્સોએ તેમની પાસે લિકર પરમીટ હોવાનું જણાવ્યું હતું અને પરમીટ પોલીસને બતાવી પણ હતી. આમ છતાં પોલીસ દ્વારા તમામ શખ્સોને પોલીસ ચોકી લઇ જવાયા હતા અને તેમની પાસેથી 6 આંકડાનો તોડ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હજી વાત પતી નથી.. આ ચારેય મહારાષ્ટ્રિયન દક્ષિણ ગુજરાતના જ એક ફેમસ મહારાષ્ટ્રિયન ધારાસભ્યના સગા નિકળ્યા. હવે વાત આખી પહોંચી ગૃહરાજ્યમંત્રી પાસે અને મંત્રીજીએ ડાયરેક્ટ ફોન કરીને તોડ કરનારા અધિકારીને બરાબરના ઘચકાવ્યા છે. ટૂંક સમયમાં તોડ કરનારા અધિકારીઓના બદલીના ઓર્ડર નિકળે તો નવાઈ નહીં.

રાજકોટમાં પોલીસ કમિશનરે વર્ધી લખાવી, કારમાંથી દારુ નિકળ્યો
રાજકોટમાં તાજેતરમાં જ એક વિચિત્ર ઘટના બની કે જેમાં પોલીસ કમિશનરે જ બિનવારસી કાર પડી રહ્યાની જે વર્ધી કંટ્રોલમાં લખાવી તેમાંથી જ દારુ પકડાયો. વાત એવી હતી કે રાજકોટ પોલીસ કમિશનરની ઓફિસ સામે જ નંબર પ્લેટ વિનાની કાળા કાચવાળી એક સફેદ કલરની આઈ-20 કાર પાર્ક ઘણા દિવસોથી પાર્ક કરેલી હતી. કમિશનર સાહેબનું સળંગ બે-ત્રણ દિવસ આ કાર પર ધ્યાન પડતા તેમણે કંટ્રોલમાં આની વર્ધી લખાવી. હવે કમિશનર સાહેબની વર્ધી એટલે કંટ્રોલ સ્ટાફે સીધેસીધો કારનો કબજો લીધો. બિનવારસી કારને કોણ પાર્ક કરી ગયું તે CCTVમાં જોયું તો ટ્રાફિકબ્રિગેડનો વોર્ડન કાર પાર્ક કરતો જોવા મળ્યો હતો. આથી વોર્ડનને બોલાવીને કંટ્રોલ એએસઆઈએ કારની ચાવી લીધી ને ચેક કર્યું તો અંદરથી વિદેશી બનાવટની દારુની 68 બોટલો મળી આવી હતી.
ટ્રાફિક જવાને પોતે દોષ માથે ઓઢી લીધો
રાજકોટમાં પોલીસ કમિશનરની સૂચનાથી પકડાયેલા દારુની પોલીસ તપાસમાં ટ્રાફિક બ્રિગેડના જવાને સમગ્ર ઘટનામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર ઘટનામાં પોતે જ કસૂરવાર હોવાનું જણાવીને દોષનો ટોપલો પોતાના માથે ઓઢી લીધો. જ્યારે પોતે આ દારૂનો જથ્થો દીવથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. ત્યારે શું ખરેખર ટ્રાફિક બ્રિગેડ કશુરવાર છે કે પછી કોઈ પોલીસના બદલે પોતે દોષ માથે ઓઢી લીધો તે પણ મોટો સવાલ છે. એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે પકડાયેલ ટ્રાફિક બ્રિગેડને રાજકોટની મહત્વની બ્રાન્ચના આશીર્વાદ છે અને તેમના વહિવટ પણ સંભાળે છે.