ગાંધીનગર12 મિનિટ પહેલા
- કૉપી લિંક

નોર્વેના વિઝા મેળવવા માટે કલોલના યુવાને ગાંધીનગરના સેકટર – 25 જીઆઇડીસીની કંપનીના ખોટા નિમણુંક પત્ર, ઓળખપત્ર તેમજ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઉપરાંત ભલામણ પત્ર એમ્બેસીમાં રજૂ કર્યા હતા. ત્યારે આ દરવાજોના વેરિફિકેશન માટે એમ્બેસી દ્વારા ઈમેઈલ મોકલવામાં આવતા યુવાનનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
2/8/2022ના રોજ નોર્વે એમ્બેસીમાંથી ઇમેઇલ આવ્યો
અમદાવાદના થલતેજ ખાતે રહેતા કપિલ રણજીત બીજાની બોડકદેવ પકવાન ચારરસ્તા સી.એચ.આર.ઓ. એન્ડ પ્રેસીડેન્ટ આઇ.ટી. તરીકે હીટાચી હાયરલ પાવર ઇલેકટ્રોનીકસ પ્રા.લી.કંપનીમાં વહીવટી કામગીરી સંભાળે છે. આ કંપનીનું એક એકમ સેકટર – 25 જીઆઈડીસી ગાંધીનગર ખાતે કાર્યરત છે. જેમાં 200 જેટલા કર્મચારીઓ કામ કરે છે. ગઇ તા.2/8/2022 ના રોજ નોર્વે એમ્બેસીમાંથી ઇમેઇલ આવેલ હતો. જેમાં નિમેશ શંકરભાઇ પટેલ (રહે.19,રંગજ્યોત સોસાયટી,કલોલ) ની એમ્પ્લોયમેન્ટ વેરીફીકેશન બાબતની જાણ કરાઈ હતી. જે ઇમેઇલના બીડાણમાં ઉક્ત કંપનીનો નિમણૂંક પત્ર, ઓળખપત્ર તથા નો ઓબ્જેકશન સર્ટીફીકેટ તથા ભલામણપત્ર એ રીતેના ચાર પત્રો સામેલ હતા.
દ્રષ્ટીએ દસ્તાવેજો ખોટા હોવાનું સામે આવ્યું
આથી આ દસ્તાવેજોની ખરાઈ કરાવતા કંપનીના નિમેશભાઇ શંકરભાઇ પટેલ નામની કોઇ વ્યકિત કયારેય નોકરી કરી નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેની વધુ ચકાસણી કરતા પ્રથમ દ્રષ્ટીએ દસ્તાવેજો ખોટા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત નો- ઓબ્જેકશન સર્ટીમાં લખેલ રેફરન્સ નંબર પણ રેકર્ડ સાથે મેચ થતો ન હતો. તેમજ ઓળખકાર્ડ ઉપર લખેલ એમ્પ્લોઇ આઇડી પણ કંપનીના અન્ય કર્મચારીનો હતો. આ અંગે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.