Kutch: આકાશમાંથી કેવું દેખાય સફેદ રણ? શરૂ થઇ હેલિકોપ્ટર જોય રાઇડ

Dhairya Gajara, Kutch: મનુષ્યો પ્રવાસ કરવા ચંદ્ર પર ક્યારે પહોંચી શકશે તે હજુ નિશ્ચિત નથી પરંતુ ચંદ્રની સપાટી પર હોવાનો અનુભવ કરાવ્યો સફેદ રણ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પથરાયેલી મીઠાની સફેદ ચાદરને અનેક પ્રવાસીઓ ધરતી પરના સ્વર્ગ સાથે તોલે છે. આ સફેદ સ્વર્ગનો આકાશી નજારો નિહાળવા હવે રણમાં હેલોકોપ્તર જોય રાઇડની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતની જ એક ખાનગી એવિયેશન કંપની દ્વારા શરૂ કરાયેલ આ હેલિકોપ્ટર જોય રાઇડ પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ બન્યું છે.

ગુજરાતની ખાનગી એવિયેશન કંપની વેસ્ટર્ન બર્ડ સિવિલ એવિયેશન દ્વારા રણોત્સવમાં ફરી એકવખત હેલિકોપ્ટર જોય રાઈડની શરૂઆત કરવામાં આવી છે.

સામાન્યપણે જે સ્થળ પરથી ફક્ત વાયુ સેનાના વિમાનો જ ઉડતા હોય છે તેવા આ સફેદ રણ ઉપર હેલીકોપ્ટરમાં બેસી તેનો આકાશી નજારો માણવાની તક પ્રવાસીઓ માટે ઊભી થઈ છે. આ માટે કંપની દ્વારા ધોરડો ખાતે બનાવાયેલ હેલિપેડ પર એક R66 હેલિકોપ્ટર મૂકવામાં આવ્યું છે, જેમાં પાઇલોટ ઉપરાંત એક સાથે ચાર પ્રવાસીઓ સફર માણી શકે છે.

કંપની દ્વારા સફેદ રણમાં ત્રણ અલગ અલગ સેશનમાં પ્રવાસીઓને આ હેલિકોપ્ટર જોય રાઈડની સેવા આપવામાં આવે છે. દિવસનો પહેલો સેશન સૂર્યોદય સમયે સવારે 7 વાગ્યાથી 9 અથવા 9.30 વાગ્યા સુધી ચાલે છે. તો બીજો મીડ ડે સેશન 11.30 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ચાલે છે. અને દિવસનો અંતિમ સેશન લંચ બાદ સાંજે 4 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી હોય છે. દરેક જોય રાઈડ પાંચથી સાત મિનિટ માટે ચાલે છે અને તે માટે વ્યક્તિ દીઠ રૂ. 5000+GST ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન બર્ડ સિવિલ એવિયેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી રણોત્સવમાં હેલિકોપ્ટર જોય રાઈડની શરૂઆત કરવામાં આવી છે જેમાં વચ્ચે એક વર્ષ કોરોનાના કારણે આ સેવા બંધ રખાઈ હતી. આ વર્ષે ફરી પ્રવાસીઓનો ધસારો વધતા આ સેવા શરૂ કરવામાં આવી છે અને તે રણોત્સવના અંત સુધી ચાલુ રહેશે તેવું કંપનીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ, સિવિલ એવિયેશન અને ગુજસેઇલ સાથે સંકળાયેલી આ કંપની દ્વારા વિવિધ સ્થળો પર જોય રાઈડ ઉપરાંત ચાર્ટર્ડ સર્વિસિસ, ઇલેક્શન ફ્લાયિંગ અને ઇમરજન્સી એર સર્વિસ પણ આપવામાં આવે છે.

તમારા શહેરમાંથી (કચ્છ)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Kutch, Local 18

أحدث أقدم