માંડવી તાલુકાનો દરિયાકિનારો પ્રાકૃતિક વૈવિધ્યતાનો ખજાનો ધરાવે છે. આ કાંઠાળ પટ્ટામાં અનેક દુર્લભ દરિયાઈ જીવ વસવાટ કરે છે તો માંડવી શહેરનો વિંડફાર્મ બીચ દરિયાઈ પ્રવાસનનો ઉત્કૃષ્ટ નમૂનો બનીને ઉભર્યો છે. ખાસ કરીને ઉનાળા અને શિયાળામાં રણોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પોતાના પરિવાર મિત્રો સાથે આનંદની પળો માણવા આવે છે.
આ પ્રવાસનને સફેદ રણના સમકક્ષ લાવવા થોડા વર્ષો અગાઉ અહીં બીચ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કચ્છની કળા, સંસ્કૃતિ અને સંગીતને માણવાનો એક અવસર પ્રવાસીઓને મળ્યો હતો. તો 2019 બાદ આ બીચ ફેસ્ટિવલ યોજાતો બંધ થયો હતો જેને શરૂ કરવા માંડવી સહિત કચ્છવાસીઓમાં પણ માંગ ઉઠી રહી હતી. ચાર વર્ષ બાદ આ વર્ષે ફરી તેનો આયોજન કરાઇ રહ્યું હોવાની જાહેરાત હોંશે હોંશે પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી હતી પરંતુ અસલમાં બીચ ફેસ્ટિવલ યોજાયો જ નહીં.
તારીખ 13 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ બીચ ફેસ્ટિવલ રદ્દ થવાનું મુખ્ય કારણ પ્રવાસન વિભાગની વ્યસ્તતા જાણવા મળી હતી. 13 તારીખે ધોરડોના સફેદ રણમાં યોજાયેલ આંતરાષ્ટ્રીય પતંગોત્સવ બાદ 14 તારીખે બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા સફેદ રણ આવતા પ્રવાસન વિભાગ તેમાં વ્યસ્ત થયો હતો. તો વળી આગામી ફેબ્રુઆરી મહિનામાં કચ્છમાં યોજાનાર G20 સમીટ માટે પણ પ્રવાસન વિભાગ દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યું છે. આ સર્વે કારણોસર બીચ ફેસ્ટિવલ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
પ્રવાસન વિભાગના એક અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ હાલ રદ્દ કરાયેલ બીચ ફેસ્ટિવલને બદલે G20 સમીટ બાદ માંડવી બીચ પર ટેન્ટ સિટી બનાવવાનો વિચાર હાલ સેવાઓ રહ્યો છે. પરંતુ હજુ સુધી આ આયોજન માત્ર વિચારોમાં જ હોતાં તે વાસ્તવમાં શક્ય બને છે કે નહીં તે G20 સમીટ બાદ જ ખબર પડશે.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર