![]()
ગાંધીનગર21 મિનિટ પહેલા
ગાંધીનગરના સરિતા ઉધાનથી રાજભવન વિસ્તારમાં 30 મી ડિસેમ્બરની રાત્રે દીપડાએ લટાર મારતા છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ તંત્રનાં રાત દિવસના ઉજાગરા વધી ગયા છે. એવામાં આજે સેકટર – 20 અક્ષરધામ પાછળના રહેણાંક વિસ્તારમાં સવારના સમયે દીપડાએ સાક્ષાત દર્શન દેતા અહીં કામ કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ કર્મચારી યુવતી ફફડી ઉઠી હતી. આ અંગે જાણ થતાં આજ સવારથી વન તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરીને દિપડાને પુરવા પાંજરું મૂકી દેવામાં આવ્યું છે. જો કે અત્રેનો જંગલ વિસ્તાર ખૂંદી નાખી પાંજરા મૂકી નાઇટ વિઝન કેમેરાથી તપાસ કરવા છતાં હજી સુધી સત્તાવાર રીતે દીપડાના કોઈ સગડ મળ્યા નથી.
પાંચ દિવસથી દીપડાની શોધખોળ યથાવત
ગાંધીનગરમાં દીપડો લટાર મારી રહ્યો હોવાની બૂમરાણ ઉઠતાં છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ દ્વારા રાજભવન, સરિતા ઉધાન સહિતના આસપાસનાં વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે અંદાજીત 20 કિલોમીટરનો વિસ્તાર ખૂંદી કાઢવા છતાં હજી સુધી દીપડાના ફિંગર પ્રિન્ટ સહિતના નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. તેમ છતાં અગમચેતી પગલાંના ભાગરૂપે વન વિભાગ દ્વારા રાત્રિ દરમ્યાન પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત અત્રેના જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની શક્યતાના પગલે ત્રણ પાંજરા તેમજ ત્રણ નાઇટ વિઝન કેમેરા પણ મૂકીને રાત દિવસ બાઝ નજર રાખવામાં આવી રહી છે. તેમ છતાં હજી દીપડો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
દીપડાના ડરથી સફાઈકર્મી રડી પડ્યા
આજે સેકટર – 20 અક્ષરધામ પાછળ આવેલા ગાર્ડન વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારી કૈલાસ વાઘેલા અન્ય સાથી કર્મીઓ સાથે ફરજ બજાવી રહ્યા હતા. એ દરમ્યાન અચાનક જ તેને દિપડાના દર્શન થયા હતા. જેના કારણે સફાઈકર્મી ડરી ગયા હતા અને દીપડો જોયાની જાણ તેમના સુપરવાઈઝરને કરી હતી. દિપડો જોઇને કૈલાસ એટલી ફફડી ઉઠી છે કે સ્થળ પર બધા હોવા છતાં તેના આસું રોકાઈ રહ્યા ન હતા.
બીજી તરફ દિપડો દેખાયાનો મેસેજ મળતાં જ વન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને અત્રેના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. પણ દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા.જો કે સફાઈ કર્મચારીના કહેવા મુજબ વન વિભાગ દીપડાની ભાળ મેળવવા ઢીલાશ રાખવા માંગતી નથી. જે અન્વયે અહીં પણ પાંજરૂ મૂકી દઈ અમુક અવાવરુ બંધ મકાનોમાં પણ તપાસ શરૂ કરી હતી.પણ કોઈ ફળદાયી હકીકત હજી સુધી પ્રકાશમાં આવી નથી.
વનવિભાગે 3 પાંજરા અને નાઈટ વિઝન કેમેરા મૂક્યા
આ અંગે ગાંધીનગર વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દીપડાને શોધવા માટે પાંચ દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમજ ત્રણ પાંજરા અને નાઈટ વિઝન કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. જો કે સરિતા ઉધાન વિસ્તારમાં હજી દિપડો હોવાના સત્તાવાર પુરાવા મળ્યા નથી. ત્યારે આજે અક્ષરધામ પાછળનાં ગાર્ડન વિસ્તારમાં સફાઈકર્મી યુવતીએ દીપડો જોયો હોવાનું જાણ થતાં અહીં પણ સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે અને પાંજરૂ પણ મૂકી દીધું છે. પણ હજી સુધી દીપડાની સગડ મળ્યા નથી.





