https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png
વડોદરા7 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બૂટલેગર જુબેર મેમણ અને લાલુ અંડા વચ્ચે ગેંગવોરના એંધાણ
- બંને પક્ષે સામ-સામે ફરિયાદ, જુબેર સહિત 7 સામે ગુનો નોંધાયો
શહેરના ચાર દરવાજામાં કુખ્યાત બૂટલેગર જુબેર મેમણ અને માથાભારે શબ્બીર ઉર્ફે લાલુ અંડો શેખ વચ્ચે ગેંગવોરના એંધાણ જોવા મળ્યાં છે. સાજીદ બેકરી અને જુબેર સહિત 5 શખ્સો હથિયારો લઇ લાલુ અંડા પર હુમલો કરવા ધસી આવ્યા હતા. જોકે પોળમાં લોકોના ટોળા આવી જતાં સાજીદ બેકરી પોતાના સાગરીતો સાથે ત્યાંથી જતો રહ્યો હતો. લાલુ અંડાની પત્નીએ 5 સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ જુબેરની પત્નીએ લાલુ અંડા વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ કરી હતી.
લાલુ અંડાની પત્ની પરવીન શેખે સાજીદ બેકરી, મૈયુદ્દીન ઉર્ફે ભોલ્લો, જુબેર મેમણ, ઈમ્તીહાઝ ઉર્ફે ગાય અને ગુલઝાર મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે મોડી સાંજે જ્યારે તેનો પતિ લાલુ અંડો દુકાનની બહાર બેઠો હતો ત્યારે સાજીદ બેકરી હાથમાં તલવાર લઈને પોળ વચ્ચે અપશબ્દ બોલી રહ્યો હતો અને લોકોને પૂછી રહ્યો હતો કે લાલુ અંડો ક્યા છે આજે તેને પતાવી દેવો છે. તેની સાથે અન્ય 3 શખ્સો ગુલઝાર મેમણ, મૈયુદ્દીન ઉર્ફે ભોલ્લો, ઈમ્તીહાઝ ઉર્ફે ગાય હાથમાં લોંખડની પાઈપ લઈને મારવા માટે આવ્યા હતા. જોકે પોળમાં લોકોના ટોળા વળી જતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. બીજી તરફ જૂબૈર મેમણની પત્નીએ લાલુ અંડો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા જુબેર અને અબ્દુલનો ઝઘડો થયો હતો જેમાં લાલુ અંડો વચ્ચે પડ્યો હતો. જેના કારણે જુબેર અને લાલુ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી તેની જ અદાવત રાખીને રવિવારે બન્ને વચ્ચે બબાલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત બૂટલેગર જુબેર વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુનાઓ છે. જિલ્લામાં તે વોન્ટેડ પણ છે, જ્યારે લાલુ અંડા વિરુદ્ધ શ્રીજીની સવારી પર હુમલાના ષડયંત્રનો ગુનો પણ નોંધાયો હતો. આ ઝઘડા પાછળનું મૂળ કારણ દારૂ છે કે ડ્રગ્સ તે મુદ્દે પણ તપાસ શરૂ થઇ છે.
લાલુ અંડાએ જુબેરને ફોન પર ધમકી આપી
જુબેર મેમણની પત્ની શાઈનાબાનુએ લાલુ અંડો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, રવિવારે રાત્રે જુબેર મેમણના ફોન પર વ્હોટસએપ કોલ આવ્યો હતો. જે તેણે ઉપાડતા સામેથી વ્યક્તિએ પોતાનો પરિચય લાલુ અંડો તરીકે આપ્યો હતો. તેણે ધમકી આપી કે જુબેર ક્યાં છે આજે તેને મારી જ નાખવો છે. લાલુ અંડોએ શાઈનાબાનુને અપશબ્દ બોલીને ફોન કાપી નાંખ્યો હતો.