રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામના ખેડૂત લક્ષ્મણભાઈ ધડૂકને સપનામાં પણ કલ્પના નહોતી કે તેમના ખેતરમાં ડ્રોન ઊડતું હશે… તેઓ પોતાના કપાસના પાકમાં ડ્રોન કેમેરાથી દવા-ખાતરનો છંટકાવ કરી શકશે અને નિંદામણ તેમજ દવા છંટકાવ માટે થતો નાણાંનો ખર્ચ, શ્રમ તેમજ સમય બચાવી શકશે. આટલુ જ નહીં ડ્રોનની મદદથી દવા છંટકાવ કરવા બદલ તેમને સરકાર દ્વારા સહાયના રૂપિયા પણ મળશે. જે ખેડૂતો માટે સૌથી મોટી વાત છે..
ગુજરાત સરકારની નીતિના કારણે આ શક્ય બન્યું છે. ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત ખેડૂતોને ડ્રોનથી દવા-ખાતર છંટકાવ માટે આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે. ત્યારે સમગ્ર મામલે ખેડૂત લક્ષ્મણભાઈ ધડૂકે જણાવ્યું હતું કે એવો પાક કે જેમાં દવા છંટકાવ માટે માણસો પ્રવેશીના શકે અથવા તો દવા છંટકાવ માટે શ્રમિકો ના મળે, ત્યારે આ યોજના ખૂબ આશીર્વાદરૂપ છે. ગુજરાત સરકારની આ યોજનાથી અમને ઘણો લાભ થયો છે.
કેવી રીતે મળી આ યોજનાની જાણકારી તે અંગે જણાવતા તેમણે કહ્યું કે, ગામના એક યુવક પાસેથી તેમને ડ્રોનથી દવા છંટકાવની યોજના વિશે જાણકારી મળી હતી. આ પછી તેમણે વિલેજ ઓપરેટર મારફતે અરજી કરી હતી. આમ તેઓ આ યોજનાનો લાભ લઈ શક્યા છે.
ખેતીવાડી અધિકારી એ. એલ. સોજીત્રાએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 20 ખેડૂતો દ્વારા 67 એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમને સહાય ચૂકવવાની કામગીરી ગતિમાં છે. અત્યાર સુધીમાં રૂપિયા 96 હજાર જેટલી સહાય ચૂકવવામાં આવી છે.
જ્યારે ખેતીવાડી વિભાગના અધિકૃત સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક ખેડૂતને એક એકર દીઠ ખર્ચના 90 ટકા અથવા તો વધુમાં વધુ રૂપિયા 500ની રકમ ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ પાંચ એકર સુધી અને પાંચ છંટકાવની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે.
ક્યા ડોક્ટુમેન્ટની જરૂર પડશે..?
અત્યારે પણ ડ્રોનથી દવા છંટકાવ માટે અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે. ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર 28મી જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ જઇને અરજી કરી શકાય છે. અરજી માટે આધારકાર્ડ, સાત-બારના ઉતારા તેમજ બેન્કની પાસબુક જેવા પુરાવા હોવા જરૂરી છે.
નોંધનીય છે કે ટેક્નોલોજીના આધારે લોકોનું જીવન સરળ અને સુવિધાયુક્ત બને તે માટે ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. વર્તમાન સમયમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને તેનો લાભ આપી શકાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી જ ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, નેનો યૂરિયા છંટકાવ માટે ડ્રોનના ઉપયોગ બદલ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?, શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?, તમારીસફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો, આ રહ્યું અમારું મેઇલ આઇડી,જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.mustuprince51@gmail.com
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર