https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/vidharmi-premi-sathe-madi-ne_1673786855.jpg
અમદાવાદ13 મિનિટ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય
આવી રીતે કોઈને મરાય? મારાભાઈની ઉંમર 25 વર્ષ હતી. મારો ભાઈ કેટલી નાની ઉંમરનો હતો અને એને ભાગી જવું હતું તો મારા ભાઈને કેમ મારી નાખ્યો? એમણે શું ગુનો કર્યો હતો? બન્નેને સજા મળવી જોઈએ. સાહેબ, મારા પપ્પા નથી. હું 10માં ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયા છે અને મારા મમ્મી ખેતીકામ કરે છે. તેમણે જ અમને મોટા કર્યા. મારી મમ્મી પર શું વીતે? છોકરાના ભરોસે જીવવા છોકરાને મોટો કર્યો હતો. છોકરીએ આવી રીતે મારા ભાઈને મરાવી નાંખ્યો તો શું કરવાનું. આ શબ્દો છે આડાસંબંધમાં ભાઈ ગુમાવનારી એક બહેનના.
હાલ સમાજમાં આડા સંબંધોના કેસો વધી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ સંબંધોમાં પ્રેમી કે પ્રેમિકાને પામવા માટે પતિ અથવા તો પત્નીની હત્યાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. તાજેતરમાં અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક વિધર્મી યુવકના પ્રેમમાં પાગલ થયેલી પરણિતાએ પ્રમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાંખ્યું છે. રોહિતના પરિવારમાં માતા, બહેન મનીષા અને ભાઈ મોહિત છે.
‘મારા ભાઈને ડરાવી ધમકાવીને રાખતી હોય તો શું ખબર સાહેબ’
દાહોદ જિલ્લામાં આવેલા વડવા ગામના મનીષા બહેને ભાભીના કપટના કારણે યુવાન ભાઈ ગુમાવ્યો છે. રોહિતને યાદ કરી તેઓ કહે છે કે એ કેવી બાયડી હશે કે બીજા છોકરા સાથે પ્રેમસબંધ માટે પોતાના પતિની જ હત્યા કરી દીધી. બીજા પુરુષ સાથેના સબંધમાં પતિને જ પતાવી દીધો હોય તો કેવી ખરાબ કહેવાય બાયડી. મારા ભાઈ પાસેથી પૈસા લઈને બીજા છોકરા પાછળ વાપરતી હોય તો શું ખબર. મારા ભાઈને ડરાવી ધમકાવીને રાખતી હોય તો શું ખબર સાહેબ.
અનુરાધા ક્યારે અને કેવી રીતે આવી ઇન્ઝમામના સંપર્કમાં?
મૃતક રોહિત બામણીયા મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામનો રહેવાસી હતો. વર્ષ 2010માં તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. રોહિતના પિતાના બાદ તેને સરકારના રહેમરાહ હેઠળ 2017માં રેલવે ટ્રેક મેન એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. 2017માં રોહિત અને અનુરાધાના લગ્ન થયા અને છેલ્લા પાંચ વર્ષથી રોહિત અને અનુરાધા પરિવારથી દૂર અમદાવાદના ખોખરા વિસ્તારમાં રેલવે કોલોની ખાતે રહેતા હતા. જો કે લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હોવાછતાં તેમને કોઈ સંતાન નહોતું. લગ્નના થોડા સમય બાદ રોહિતની પત્ની અનુરાધા સોશિયલ મીડિયા દ્વારા રાજકોટના ઇન્ઝમામ ખ્યારના સંપર્કમાં આવી હતી. ઇન્ઝમામ અને અનુરાધા અવારનવાર સોશિયલ મીડિયા થકી વાતચીત કરતા હતા અને આ વાતચીત આગળ જતા પ્રેમમાં પરિણમી હતી.

રોહિતની હત્યાના આરોપી ઇન્ઝમામ અને અનુરાધા.
…ને રોહિતના પગ નીચેથી જમીન સરકી ગઈ
રોહિતને પત્ની અનુરાધાના ચારિત્ર્ય અંગે જાણ થઈ ત્યારે રોહિતના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ હતી અને બાદમાં રોહિત અને તેની પત્ની વચ્ચે આ બાબતને લઈને તકરારો પણ થતી હતી. જો કે રોહિત પત્નીના પ્રેમી અંગે કંઈ જાણતો નહોતો કે તેને ઓળખતો પણ નહોતો.
પર પુરુષના પ્રેમમાં પાગલ અનુરાધાએ પતિનો કાંટો કાઢવાનો નિર્ણય કર્યો
અનુરાધા વિધર્મીના પ્રેમમાં એટલી હદે પાગલ થઈ ગઈ હતી કે પતિ રોહિતનો કાયમી કાંટો કાઢી નાંખવાનો નિર્ણય કરી લીધો. જેથી તેણીએ પતિ રોહિતને થતી નાની મોટી તકલીફ માટે ટ્રીટમેન્ટ તરફ દોરી જતી હતી. બીજી બાજુ આ અનુરાધા તેના ઘરમાં થતી તમામ ગતિવિધિઓ અને તેના પતિને પડતી તકલીફોની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી રાજકોટ બેઠેલા પ્રેમી ઇન્ઝમામ સુધી પહોંચાડતી હતી.
પ્રેમી સાથે પ્રણયફાગ ખેલવા રચ્યું એક ક્રૂર ષડયંત્ર
ત્યાર બાદ ઇન્ઝામામ અને અનુરાધા પોતાના ષડયંત્રને પાર પાડવા માટે એક ડગલું આગળ વધ્યા અને રોહિતનો ભેટો પ્રેમી ઇન્ઝમામ સાથે કરાવ્યો. ઇન્ઝમામે રોહિતની નાની નાની તકલીફોમાં હમદર્દ બની તેનો વિશ્વાસ જીતી લીધો. ઇન્ઝમામ સતત રાજકોટથી અમદાવાદ ખાતે રોહિતના ઘરે આવવા લાગ્યો હતો. જેથી રોહિતને પણ લાગવા માંડ્યુ કે ઇન્ઝમામ તેનો હમદર્દ છે, પરંતુ અનુરાધા સાથે પ્રણયફાગ ખેલવા માટે ઇન્ઝમામના દિમાગમાં તો ક્યારનું એક ક્રૂર ષડયંત્ર આકાર લઈ ચૂક્યું હતું. રોહિતને તો હવે એવું લાગતું હતું કે, ઇન્ઝમામ તેની તકલીફો દૂર કરી દેશે, એને ક્યાં ખબર હતી કે આ જ ઇન્ઝમામ તકલીફો નહીં પણ તેને જ આ દુનિયામાંથી દૂર કરવા માટે તેની નજીક આવ્યો છે. જોકે સમગ્ર બાબતે રોહિત એ વાતથી અજાણ હતો કે ઈન્ઝમામને તમામ માહિતી તેની પત્ની અનુરાધા જ આપતી હતી અને બન્ને ભેગા મળી રોહિતને અંધારામાં રાખી પ્રેમલીલા કરતા હતા.
પત્ની ઘરેથી નીકળી ને પ્રેમી આવ્યો પછી ખેલાયો મોતનો ખેલ
બીજી બાજુ અનુરાધાના દિમાગ પર ઇન્ઝમામનું ભૂત સવાર હતું, તે તેના પ્રેમમાં આંધળી બની ગઈ હતી. જેથી અનુરાધા વારંવાર પતિ સાથે ઝગડા કરવા લાગી હતી. જેથી અનુરાધાએ તેના પ્રેમી ઈન્ઝમામ સાથે મળીને રોહિતની હત્યાનો પ્લાન ફોન પર વાતચીતના કરીને ઘડી કાઢ્યો હતો. આ પ્લાન મુજબ અનુરાધાએ ઇન્ઝમામને રાજકોટથી ઝેરી દવા લાવવાનું કહી દીધું. જેથી ઇન્ઝમામ રાજકોટથી ઝેરી દવા લઈને અમદાવાદ આવ્યો અને તે અગાઉથી રોહિતના પરિચયમાં હોવાથી રોહિતને અધશ્રદ્ધામાં ભોળવીને વિશ્વાસમાં લીધો. ત્યાર બાદ પ્લાનિંગ પ્રમાણે ઇન્ઝમામ 11 જાન્યુઆરીએ 11 વાગ્યાની આસપાસ રોહિતના ઘરે પહોંચ્યો.
આ સમયે રોહિતની પત્ની અને ઇન્ઝમામની પ્રેમિકા અનુરાધા સંબંધી દિલીપભાઈને ત્યાં ગઈ હતી. તે વખતે રોહિતને અંધશ્રદ્ધામાં ભોળવી પેટમાં દુઃખાવાની દવા છે તેમ કહી રાજકોટથી લાવેલી જીવ જંતુ મારવાની ઝેરી દવા પીવડાવી દીધી અને દવાની અસર થતા રોહિતના બન્ને હાથ સેલો ટેપથી બાંધી દીધા હતા અને તેનું ગળું પણ દબાવી દીધું હતું. જેથી તે તરફડીયા મારીને બેભાન થઈ ગયો હતો.

પોલીસ જાપ્તામાં પતિનું કાસળ કાઢવામાં પ્રેમીની મદદ કરનારી અનુરાધા.
પતિ કણસતી હાલતમાં પડ્યો હતો ને પત્ની આવી
ત્યાર બાદ ઇન્ઝમામે અનુરાધા સાથે વોટ્સએપમાં વાતચીત કરી હતી. જ્યારે રોહિતને રાત્રે દવા પીવડાવવામાં આવી ત્યારે અનુરાધા ઘરે ન હતી. બીજા દિવસે અનુરાધા સવારે ઘરે આવી ત્યારે એનો પતિ કણસતી હાલતમાં પડ્યો હતો. જો કે અનુરાધાને તો અગાઉથી આ સમગ્ર બાબતની જાણ હતી. ઘરે આવ્યા બાદ અનુરાધાએ એબ્યુલન્સ 108 બોલાવી રોહિતને હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો.પરંતુ ડોક્ટરોએ રોહિતને મૃત જાહેર કર્યો. જેની જાણ અનુરાધના પિતાએ રોહિતની બહેન અને પરિવારને કરી હતી. આ દરમિયાન અનુરાધાએ તો જાણે આ વાતથી અજાણ હોય એવું વર્તન કર્યું, અને પરિવારને રોહિતે દવા પીને આત્મહત્યા કરી હોય એવી વાત ગળે ઉતારવા નાટક કરવા લાગી. અનુરાધાએ રોહિતની બહેનને કહ્યું કે, હું સવારે દિલીપભાઈના ઘરેથી આવી ત્યારે તમારા ભાઈ બેભાન અને ઉલટી કરેલી હાલતમાં પડ્યા હતા.
બહેન ડેડબોડી જોઇ અને ભાભીની વાતો સાંભળી સમજી ગઈ
રોહિતની બહેને પોલીસ ફરિયાદમાં જણાવેલી વિગતો મુજબ, હું મારી સાસરીમાં હતી ત્યારે સાડા આઠ પોણા નવ વાગ્યે અનુરાધાના પિતા ભરતભાઈનો ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે, તમારા ભાઈ રોહિત બીમાર થઈ ગયેલ છે અને ઓક્સિજન ચડાવ્યો છે. તેથી તમે અમદાવાદ આવો, આ વાત સાંભળી મેં મારી ભાભી અનુરાધાને ફોન કર્યો તો તેણીએ પણ આ જ વાત કહી હતી. જેથી હું મારી મમ્મી રમીલાબેન અને મોટા બાપુ માનસિંગભાઈ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોઢ પોણા બે વાગ્યે આવ્યા હતા. જ્યારે રોહિતની ડેડબોડી જોતા મને રોહિતના ગળે ગોળ કાપો દેખાતા અને તે સરખા જવાબ મને શંકા પડી હતી.
રોહિતનું LG હોસ્પિટલમાં દવા પીવાના લીધે મોત થયું હતું. પરંતુ તેના ગળાના ભાગે ઇજાના નિશાન હોવાથી ખોખરા પોલીસે પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લીધો અને પોસ્ટમોર્ટમ કરવા રોહિતના મૃતદેહને એલ.જી.હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

ધરપકડ દરમિયાન બ્લેક આઉટફિટમાં હત્યાનો આરોપી અને અનુરાધાનો પ્રેમી ઇન્ઝમામ.
હત્યારા પ્રેમીની આ ભૂલ ભારે પડી ગઈ
આ અંગે આઈ ડિવિઝન ACP કૃણાલ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે સમગ્ર બાબતે LG હોસ્પિટલમાંથી ખોખરા પોલીસને જાણ કરવામાં આવી હતી કે ખોખરા રેલવે કોલોનીમાં રહેતા એક યુવકે દવા પીધી હતી અને તેનું મોત થયું છે. જેના આધારે ખોખરા પોલીસ LG હોસ્પિટલ પહોંચી હતી. જોકે મૃતકના ગળાના ભાગે નિશાન દેખાયા હતા. જેના આધારે તેનું પોસ્ટમોર્ટમ કરવા માટે તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ દરમિયાન એક યુવક વારંવાર ત્યાં આંટા મારતો હતો અને શંકાસ્પદ ગતિવિધિ કરતો હતો જેના આધારે પોલીસને તેના પર શંકા જ હતા તેની પૂછપરછ હાથ ધરી હતી અને તેનું નામ ઇન્ઝમામ હોવાનો ખુલાસો થયો હતો. તેમજ તેના મોબાઇલની તપાસ કરતા તેમાંથી મૃતક રોહિતની પત્ની અનુરાધાના ડોક્યુમેન્ટ તેમજ ચેટ મળી આવી હતી. તેની વધુ પૂછપરછ કરતા ઇન્ઝમામે કબૂલ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી તે અનુરાધાના પરિચયમાં હતો અને બંનેએ ભેગા મળીને રોહિતની હત્યા કરી હતી.
‘આ લોકોએ કાવતરું રચીને મારા ભાઈને મારી નાખ્યો’
આ અંગે મૃતક રોહિતની બહેન મનીષાબહેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ લોકોએ કાવતરું રચીને મારા ભાઈને મારી નાખ્યો સાહેબ બીજું કંઈ નથી. મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. મારા ભાઈની તમને કોઈ ભૂલ નહી જોવા મળે. એણે શું ગુનો કર્યો હતો? બંને જણને સજા મળવી જોઈએ.

આ ઘટનાના ત્રણેક દિવસ પહેલા જ અન્ય પરણિતાએ પણ પતિને પતાવી દીધો હતો
આ ઘટનાના ત્રણેક દિવસ પહેલા જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો હતો. પરણિતાને પતિએ તેના પ્રેમી સાથે ઝડપી પાડતા પરણિતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. મૃતકની પત્નીએ પતિ ગુમ થઈ ગયો હોય તે પ્રકારની વાત પોલીસને જણાવી હતી. પરિવારજનોએ તેના ગુમ થયાં અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. શોકિંગ વાત તો એ છે કે આરોપી પત્ની અને તેના પ્રેમી અનસ વચ્ચે 30 દિવસ પહેલાં જ પ્રેમસંબંધ બંધાયો હતો. આટલા ટૂંકા ગાળામાં પત્ની મીરાએ 8 વર્ષથી સાથે રહેતા પતિ મહેશનું કાસળ કાઢવાનું નક્કી કરી લીધું હતું. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
0 comments:
Post a Comment