પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ધોરણ 10 ગોધરા અને હાલોલ એમ બે ઝોનમાં કુલ 28,252 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં કુલ 18,350 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસવાના છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ આવતીકાલે શરૂ થઈ રહેલી પરીક્ષા પહેલા પોતાના બેઠક વ્યવસ્થા જોવા માટે પોત પોતાના સેન્ટરોમાં આવેલ શાળાઓમાં આવ્યા હતા.

આગામી તા. 14 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ-10 અને ધોરણ-12 બન્ને પ્રવાહોની બોર્ડની પરીક્ષા યોજવા પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓનો ઓપ આપી દેવામાં આવ્યો છે. જેમાં હાલોલ તાલુકામાં 36 બિલ્ડિંગમાં ધોરણ-10ના 11,716 અને ગોધરામાં 51 બિલ્ડિંગમાં 16,536 જ્યારે ધોરણ-12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહની ગોધરાના બે કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 10 બિલ્ડિંગમાં 109 બ્લોકમાં 2,180 અને સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્ર 46 બિલ્ડિંગ અને 539 બ્લોકમાં 16,170 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

આ અંગેની વધુ વિગત એવી છે કે, શિક્ષણનો મહત્વનો પડાવ ગણાતી અને કારકીર્દી ઘડતરમાં અગત્યની ગણાતી બોર્ડ પરીક્ષાનો આગામી તારીખ 14 માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. 14 માર્ચથી 29 માર્ચ સુધી યોજાનારી આ પરીક્ષા માટે હાલ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ અને ગોધરાના 28,252 ધોરણ-10ના વિદ્યાર્થી, અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના 16,170 વિદ્યાર્થી અને વિજ્ઞાાન પ્રવાહના 2,180 વિદ્યાર્થી, પરીક્ષા આપવાના છે. ધોરણ-10ની 87 કેન્દ્ર ઉપરથી, અને ધોરણ-12ની 56 કેન્દ્ર પરથી પરીક્ષા લેવાનાર છે. પંચમહાલ જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તૈયારી કરવામાં આવી રહી છે.

પંચમહાલ જિલ્લાના શિક્ષણ અધિકારી જીગ્નેશભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે યોજનાર ધોરણ 10ની પરીક્ષા ગોધરા અને હાલોલ એમ બે ઝોનમાં લેવામાં આવશે. જેમાં ગોધરા ઝોનમાં 51 બિલ્ડિંગમાં 16,536 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જ્યારે હાલોલ ઝોનમાંથી 36 બિલ્ડિંગમાં 11,716 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષાને અનુલક્ષીને દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર લાઇઝન અધિકારીની પણ નિમણૂંક કરવામાં આવી છે.

પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે કાઉન્સિલિંગ સેન્ટરો અને કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. દરેક બિલ્ડીંગ ખાતે આરોગ્યની ટીમો સારવાર માટે હાજર રાખવામાં આવશે. દરેક સ્થળ સંચાલક અને સુપરવાઇઝરોને સૂચનાઓ આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડવી જોઈએ નહીં અને જરૂર પડે તો એને લાગણીથી સાંભળીને મદદરૂપ થવાનો પ્રયાસ કરવો. તેમને પરીક્ષાર્થી ઓને ટેન્શન વિના ઉત્સાહના આત્મવિશ્વાસથી પરીક્ષા આપી ઉજવળ કારકિર્દીનું ઘડતર કરવા જણાવ્યું હતું..








