સાબરકાંઠા (હિંમતનગર)39 મિનિટ પહેલા
રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ધો-10 અને 12 ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે ધો-10 ના વિધાર્થીઓને હિંમતનગર સહીત જિલ્લાના 36 કેન્દ્રો પર વિવિધ સંગઠનો, તંત્ર, સામાજિક સંસ્થાએ સાથે મળીને વિધાથીઓને કંકુ તિલક કરી મો મીઠું કરાવી શુભેચ્છાઓ આપી પ્રવેશ કરાવ્યો હતો.

જિલ્લામાં સવારે 11 વાગ્યે ધો. 10 ના વિધાર્થીઓ 36 કેન્દ્રો પર પરીક્ષા આપશે. તો બપોરે 3 વાગ્યે ધો 12 ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ 4 કેન્દ્રો પર 18 બિલ્ડીંગના 191 બ્લોકમાં અને સામાન્ય પ્રવાહના 20 કેન્દ્રો પર 47 બિલ્ડીંગના 508 બ્લોકમાં પરીક્ષા આપશે. તો ધો 10 માં 26,309, ધો 12 વિજ્ઞાન પ્રવાહમાં 3413 અને સામાન્ય પ્રવાહમાં 15021 મળી કુલ 44743 વિધાર્થીઓ પરીક્ષા આપશે.

હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લાના 36 કેન્દ્રો પર મંગળવારે ધો 10 ના પ્રથમ ગુજરાતી પેપરમાં તંત્ર સાથે વિવિધ સંગઠનો અને સામાજિક કાર્યકરો દ્વારા વિધાર્થીઓને કંકુ તિલક કરી, ફૂલછડી સાથે પેન આપી મો મીઠું કરાવી શુભેચ્છાઓ આપીને પ્રવેશ અપાવ્યો હતો. હિંમતનગરની હિમ્મત હાઇસ્કુલમાં જિલ્લા કલેક્ટર પહોચ્યા હતા. જ્યાં હિંમત હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી, કેળવણી મંડળના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, શિક્ષકગણ, રોટરી ક્લબના પ્રફુલ વ્યાસ, રમેશભાઇ પટેલ, ધવલ રાવલ દ્વારા દરેક વિદ્યાર્થીઓને પેન આપી આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે શુભેચ્છઓ પાઠવી હતી. આમ હિંમત હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને સાકર અને પેન આપી સફળ પરીક્ષા આપવા અંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

પ્રાંતિજમાં નાલંદા વિદ્યાલય ખાતે પ્રાંતિજ તાલુકા યુવા મોરચા ટીમ દ્વારા ધોરણ 10 પરીક્ષા આપવા આવેલા વિધાર્થીઓને વિદ્યાર્થીઓને કંકુ-ચોખાથી તિલક કરી અને પેન આપીને શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તાલુકા યુવા મોરચા પ્રમુખ નિલેશ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય દર્શિલ દેસાઈ, સોશ્યિલ મીડીયા ઇન્ચાર્જ મેહુલસિંહ સોલંકી, મહામંત્રી મુકેશસિંહ, વિનુ પટેલ, અશોક પટેલ અને ભાજપના સર્વે કાર્યકર્તા હાજર રહ્યા હતા.



