આણંદ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઉમરેઠ તાલુકાના ઉંટખરી ગામમાં રૂ.100 ઉછીના માંગ્યા હતાં. જોકે, શ્રમિકે ન આપતા માંગનાર શખસ ઉશ્કેરાઇ ગયો હતો અને લાકડીથી મારમારી હાથ – પગે ફેક્ચર કરી નાંખ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે હુમલાખોર શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉમરેઠના ઉંટખરી સામા તલાવડીમાં રહેતા બળવંત ભીખાભાઈ ચૌહાણ (ઉ.વ.55) ખેત મજુરી કરે છે. તેમની સાથે મેઘવા ગામનો અલ્પેશ ઉર્ફે પીન્ટુ ચીમન પરમાર પણ મજૂરી કામ માટે આવતો હોય છે. બળવંતભાઈ 21મી માર્ચના રોજ સવારે સાડા દસેક વાગ્યાના સુમારે પણસોરા ગામના બુધાભાઈ પટેલના ખેતરમાં ટમેટા વિણવાની મજુરીએ ગયાં હતાં. પરંતુ તેમના ખેતરમાં કોઇ માણસ આવ્યાં ન હતાં. આથી કામ બંધ રાખ્યું હતું. મહત્વનું છે કે, કામ બંધ રહ્યુ હોવાથી બળવંત તેમના ખેતરમાંથી નીકળી ચાલતા ઘરે જવા નિકળ્યો હતો. તે વખતે બપોરના સુમારે તેમની પાછળ સાથે મજૂરી કામ કરતો અલ્પેશ ઉર્ફે પીન્ટુ પરમાર આવ્યો હતો અને હાથ ઉછીના રૂ.100 માંગ્યાં હતાં. જોકે, બળવંતભાઈએ મારી પાસે રૂપિયા 100 જ છે. તને કેમના આપું ? તેમ કહેતા અલ્પેશ ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલવા લાગ્યો હતો. આથી, બળવંતે તેને અપશબ્દ બોલવાની ના પાડતા તે નજીકમાંથી લાકડાનો દંડો લાવી મારવા લાગ્યો હતો. જેમાં હાથ અને પગ પર મારતાં તેમને ફેક્ચર થયું હતું. બાદમાં અલ્પેશે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બળવંતભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ઉમરેઠ પોલીસે અલ્પેશ ઉર્ફે પીન્ટુ ચીમન પરમાર (રહે.મેઘવા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.