મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક
મોરબી પંથકમાં ખનીજ ચોરી મામલે દિલીપ બિલ્ડકોનને રૂ. 1.03 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોરબીના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરે દિલીપ બિલ્ડકોન લીમીટેડ કંપનીને નોટિસ ફટકારી છે. મહત્ત્વનું છે કે, થોડા દિવસ અગાઉ મોરબીના કાંતિપુરમાં ખાણ ખનીજ વિભાગે કાંતિપુરમાં મસમોટી ખનીજચોરી પકડી પાડી હતી. આ ખનીજ ચોરી દિલીપ બિલ્ડકોન નામની કંપની જ કરી રહી હોવાનું ખાણ ખનીજ ખાતાની તપાસમાં સામે આવ્યું હતું.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 19 માર્ચના રોજ ખાણ ખનીજ વિભાગે મોરબીના કાંતિપુર ગામની વીડીમાંથી ખનીજ ચોરી કરતા 10 વાહનો કબજે કર્યા હતા અને આ તમામ દિલીપ બિલ્ડકોનના વાહનો હોવાનું માલૂમ થયું હતું. જેને લઈને કંપનીના મેનેજરને બોલાવી આધાર પુરાવા માગતાં તેઓ જવાબ આપી શક્યા ન હતા અને આખરે ખનીજચોરી જ થતી હોવાનું સાબિત થયું હતું. જેને લઈને ખાણ ખનીજ વિભાગે જ્યાંથી ખનીજચોરી થતી હતી, તે ખોદકામની માપણી કરતા કુલ 37,220 મેટ્રિક ટન સાદી માટીનું ગેરકાયદે ખનન થયાનું સાબિત થયું હતું.
જેને લઈને ગુજરાત ખનીજ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રુલ્સ 2017ના નિયમ ભંગ બદલ કલમ 21 મુજબ કાર્યવાહી કરી કુલ 1 કરોડ 3 લાખ 84 હજાર 44 રૂપિયાનો દંડ કર્યો છે. જેની નોટિસ દિલીપ બિલ્ડકોનનું વડુંમથક ભોપાલ મોકલાઈ છે. આ સમાધાન રકમ ભર્યા બાદ જ ગુનાની માંડવાળ થશે. આ સિવાયની રજૂઆત માટે કંપનીને 7 દિવસની મુદત અપાઈ છે.
દંડની ગણતરીની વાત કરીએ તો બિનઅધિકૃત ખનન બદલ પ્રતિ ટન 175 લેખે 37,220 ટનના 65,13,506, ખોદાણ કરનાર એસ્કેવેટર મશીનની કમ્પાઉન્ડિંગ ફી 2,00,000, પર્યાવરણીય નુકસાન બદલ વળતરની રકમ 26,70,538 અને 10 ડમ્પરની કમ્પાઉન્ડિંગ ફી 10,00,000 મળી કુલ રૂપિયા 1 કરોડ 3 લાખ 84 હજાર 44નો દંડ ફટકારવામાં આવ્યો છે.