અમદાવાદ44 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા તથા સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું ડેશબોર્ડ લોન્ચ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગાંધીનગરથી પ્રવાસન મંત્રી મુળૂ બેરાએ ‘આતિથ્યમ’ ડેશબોર્ડ લોન્ચ કર્યું હતું.
કેવું હશે આતિથ્યમ ડેશબોર્ડ?
‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી એકત્ર કરવામાં આવશે. એટલું જ નહીં, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિક્સાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. ગુજરાતના GSDPમાં પ્રવાસન ક્ષેત્રના યોગદાન વિશે ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થશે.

ગત વર્ષના પ્રવાસન બજેટમાં 346 ટકાનો વધારો
આ પ્રસંગે મંત્રી મુળૂ બેરાએ જણાવ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે. આજથી 20 વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નક્શામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. જેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મૈત્રીપૂર્ણ રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવા અનુરોધ કર્યો છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 2077 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષના પ્રવાસન બજેટમાં 346 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
‘ટુરિઝમ સેક્ટરે અર્થવ્યવસ્થાને નવું બળ પૂરું પાડ્યું છે’
મંત્રીએ વધુ જણાવતા કહ્યું હતું કે, ‘ગુજરાત’ ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્યો છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ- આ ત્રિવેણી સંગમ ગુજરાતની ગરિમાની આગવી ઓળખ છે. ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવી પહેલ કરી છે. ટુરિઝમ પોલિસી અને હેરિટેજ ટુરિઝમ પોલિસીનો નવો કન્સેપ્ટ ગુજરાતે દેશને આપ્યો છે. એટલું જ નહિ, હોમ સ્ટે પોલિસી દ્વારા ગ્રામ્યવિસ્તારમાં રોજગારીની તકોમાં વધારો થયો છે. ટુરિઝમ સેક્ટરે રાજ્યની અર્થવ્યવસ્થાને નવું બળ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત વણ ખેડાયેલા પ્રવાસન ધામોને વિક્સાવી રોજગારીની વિપુલ તકો ઊભી કરી રહી છે. મંત્રી મુળૂ બેરાએ નવીન ડેશબોર્ડ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

‘આ પહેલ અન્ય રાજ્યો માટે રોલ મોડલ સાબિત થશે’
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ રાકેશ વર્માએ સંબોધન કર્યું હતું. પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા આ પ્રકારના ડેટા એકત્રિત કરતા ડેશબોર્ડના નિર્માણ બદલ તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ રિયલ ટાઈમ ડેટા થકી પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પહેલ અન્ય રાજ્યો માટે રોલ મોડલ સાબિત થશે.
છેલ્લા 1 વર્ષમાં આવેલ પ્રવાસીઓની વિગતો ડેશબોર્ડ પર
પ્રવાસન સચિવ હારિત શુક્લાએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પ્રવાસનને વિશેષ પ્રાધાન્ય આપવાના ભાગરૂપે ચાલુ વર્ષના બજેટમાં અંદાજે ત્રણ ગણો વધારો કર્યો છે. જેના પરિણામના સ્વરૂપે પ્રવાસન ક્ષેત્રે વિકાસની સાથે રોજગારીની નવી તકો ઉભી થશે. પ્રવાસન ક્ષેત્રે ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશનનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા દેશ-વિદેશના પ્રવાસીઓની વિગતો ડેશબોર્ડ પર ઉપલબ્ધ છે. રિયલ ટાઈમ ડેટા થકી પ્રવાસન નીતિ ઘડવામાં વધુ મદદ મળશે તેમજ આ ક્ષેત્રે રોજગારીમાં વધારો થશે.
‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં 109 પ્રવાસન સ્થળો
પ્રવાસન ક્ષેત્ર | કેટલા સ્થળો |
અધ્યાત્મિક પ્રવાસન | 24 |
લેઝર પ્રવાસન | 45 |
હેરિટેજ પ્રવાસન | 18 |
બિઝનેસ પ્રવાસન | 22 |
કુલ | 109 |
15 વિભાગોના સહયોગથી ડેટા એકત્રિત થશે
TCGLના MD અને કમિશનર આલોક પાંડેએ ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘AATITHYAM’ એટલે Aggregate of Accessible Tourist Information on Tourism & Hospitality of Yatra And their Memories . જેમાં ગુજરાતના વિવિધ 15 વિભાગોના સહયોગથી ડેશબોર્ડ માટે પ્રવાસન સંબંધિત ડેટા એકત્રિત કરાશે. હાલમાં આ ડેશબોર્ડમાં ગુજરાતના 109 પ્રવાસન સ્થળોની વિગતોનો સમાવેશ થાય છે જેમાં વધારો કરીને 200 સુધી લઈ જવાશે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે પ્રવાસનના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ જિલ્લામાંથી કલેકટર્સ, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ અધિકારી હાજર રહ્યા હતા.